લંડનઃ આ વર્ષે A-levelપરીક્ષાઓમાં ચારમાંથી એક કરતાં વધુ વિદ્યાર્થીને A અથવા A* પરિણામ અપાયું છે, જે છ વર્ષમાં સૌથી ઊંચુ પ્રમાણ છે. જોકે, A* લેવલ ૨૦૧૩ પછી નીચા સ્તરે પહોંચ્યું છે, જ્યારે સમગ્રતયા A*-E પાસ રેટ પણ ૨૦૧૦ પછી તળિયાના સ્તરે પહોંચ્યો છે. નોંધપાત્ર બાબત એ છે કે સતત બીજા વર્ષે પણ છોકરીઓ (૨૬.૨ ટકા)ની સરખામણીએ છોકરાઓ (૨૬.૬ ટકા) આગળ રહ્યા છે. ૮.૫ ટકા પુરુષ વિદ્યાર્થીની સરખામણીએ ૭.૬ ટકા વિદ્યાર્થિનીઓએ A* ગ્રેડ મેળવ્યો છે. A-levelના ૨૪ વિષયોમાં સુધારા થયા પછી પ્રથમ વખત આ રિઝલ્ટ આવ્યું છે. જોકે, એવો આક્ષેપ કરાયો છે કે રિઝલ્ટ નીચું જતા અટકાવવા ગ્રેડની સીમા પણ નીચી રખાઈ હતી.
પ્રારંભિક આંકડા અનુસાર આ વર્ષે યુકેમાં ડીગ્રી કોર્સીસમાં લેવાયા હોય તેવા વિદ્યાર્થીની સંખ્યા ઘટી છે. Ucasના ડેટા અનુસાર અત્યાર સુધી ૪૧૧,૮૬૦ વિદ્યાર્થીએ ડીગ્રી કોર્સમાં સ્થાન મેળવ્યું છે, જે ગત વર્ષની સરખામણીએ એક ટકો ઓછું છે. આંકડા એમ કહે છે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જીનીઅરીંગ અને મેથ્સ (Stem) વિષયોની લોકપ્રિયતા વધી રહી છે. A-levelની તમામ એન્ટ્રીના ૩૬.૨ ટકા આ વિષયોમાં છે, જે ગયા વર્ષે ૩૪.૫ ટકા અને ૨૦૦૯માં ૨૮ ટકા હતી. છોકરીઓ બાયોલોજી અને કેમિસ્ટ્રી વિષયો, જ્યારે છોકરાઓ ફીઝિક્સ અને મેથ્સ વિષયો વધુ પસંદ કરે છે.
જોઈન્ટ કાઉન્સિલ ફોર ક્વોલિફિકેશન્સના ડેટા મુજબ યુકે એન્ટ્રીઝના ૨૬.૪ ટકાને બેમાંથી એક ટોપ ગ્રેડ એનાયત કરાયો છે. ૧૨માંથી એક અથવા ૮ ટકા એન્ટ્રીએ આ વર્ષે A* ગ્રેડ હાંસલ કર્યો છે.

