TRR સમક્ષ ખોટી રજૂઆત બદલ એકાઉન્ટન્ટ હસમુખ શાહ દોષિત

Wednesday 22nd August 2018 07:55 EDT
 
 

લંડનઃ ગ્રાન કાફે લોન્ડ્રા ખાતે એકાઉન્ટન્ટ તરીકે ફરજ બજાવતા રિચમન્ડ સરેના ૬૩ વર્ષીય હસમુખ શાહે ઈન્સ્પેક્શન ટાળવા માટે ધ પેન્શન્સ રેગ્યુલેટર (TRR) સમક્ષ ખોટી રજૂઆત કરી હતી કે ત્યાંના કર્મચારીઓનો પેન્શન સ્કીમમાં સમાવેશ થયેલો છે. TRRએ માલિક વતી કામ કરનાર થર્ડ પાર્ટી પર કેસ કર્યો હોય તેવી આ પ્રથમ ઘટના છે. તેમાં મહત્તમ સજા અમર્યાદિત રકમના દંડની છે.

બ્રાઈટન મેજિસ્ટ્રેટ્સ કોર્ટે TRRને ઈરાદાપૂર્વક અથવા બેદરકારીમાં ખોટી માહિતી આપવાના ગુનામાં તેમને દોષિત ઠેરવ્યા હતા. આગામી ૫ સપ્ટેમ્બરે તેમને સજા સંભળાવાશે. હેરોડ્સની સામે આવેલી આ ઈટાલિયન કાફેના માલિક ઈટાલિયન બિઝનેસમેન અને ફિલ્મ પ્રોડ્યુસર માર્સેલો મોસ્કારેલો છે.

૨૦૧૩થી કાફેના માલિકના માથે લાયકાત ધરાવનાર સ્ટાફની પેન્શન સ્કીમમાં સમાવેશની જવાબદારી હતી. સ્કીમમાં સ્ટાફના સીધા પ્રવેશ માટે કંપની ઓક્ટોબર ૨૦૧૫ની સમયમર્યાદા ચૂકી જતા TRRદ્વારા તપાસ હાથ ધરાઈ હતી. ઈન્સ્પેક્શન દરમિયાન કંપનીએ કાનૂની જોગવાઈઓનું સંપૂર્ણ પાલન કર્યું હોવાની શાહે ખોટી જાહેરાત કરી હતી. ઓટોમેટિક એનરોલમેન્ટ વિશે ઈરાદાપૂર્વક ખોટી માહિતી આપવી પેન્શન્સ એક્ટ, ૨૦૦૪ હેઠળ ગુનો બને છે.

પાછળથી પૂછપરછમાં શાહે કબૂલ્યું હતું કે તેમણે ઈરાદાપૂર્વક અધિકારીઓને ગેરમાર્ગે દોર્યા હતા. તેના લીધે ઈન્સ્પેક્શન એક વર્ષ કરતાં વધુ સમય મોડું થયું હતું અને સ્ટાફને પેન્શનનું જે યોગદાન આપવાનું હતું તેનો ઈનકાર કરાયો હતો. જોકે, કંપનીએ ગયા માર્ચથી તેનું પાલન કર્યું હતું અને અગાઉના સમયનું યોગદાન પણ ચૂકવ્યું હતું.


comments powered by Disqus