અનોખી ભાતના ‘અટલ’ રાજપુરુષની વિદાય

Tuesday 21st August 2018 13:13 EDT
 

એક વ્યક્તિ માટે કેટલાં વિશેષણો વાપરી શકાય, જે સાચા જ હોય? વિચક્ષણ, દૂરદર્શી, ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ, કલ્પનાશીલ, ઋજુહૃદયી, કર્તવ્યનિષ્ઠ સહિત અનેક વિશેષણોનો ઉપયોગ ૧૬ ઓગસ્ટે જ અનંતની વાટે ચાલી નીકળેલાં ૯૩ વર્ષીય લોકપ્રિય નેતા દિવંગત અટલ બિહારી વાજપેયી માટે થતો રહ્યો છે. કોઈ રાજકીય નેતા માટે વર્ષો સુધી લોકમાનસ પર રાજ કરવું એ નાનીસૂની બાબત નથી. આધુનિક ભારતના ઈતિહાસમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નેહરુ, સુભાષચંદ્ર બોઝ અને ઈન્દિરા ગાંધી સહિત અનેક લોકપ્રિય નેતાઓ થયા છે પરંતુ, આ નેતાઓ તેમની વિશિષ્ટતાઓ સાથે પણ વિરોધીઓનું નિશાન પણ બની રહ્યા હતા. આવું આપણે પૂર્વ વડા પ્રધાન અને ભારતીય જનતા પક્ષના દિગ્ગજ ચહેરા રહેલા અટલ બિહારી વાજપેયી માટે કહી શકીએ તેમ નથી. વાજપેયીના ગુણાનુરાગીઓમાં તેમના વિરોધીઓ પણ સામેલ હતા. આવા લોકપ્રિય નેતા અટલ વિહારી વાજપેયીનું વિરાટ અને સ્નેહાળ વ્યક્તિત્વ હવે સ્મૃતિશેષ બની ગયું છે. સમગ્ર રાષ્ટ્રની સાથે આપણે પણ આદરણીય અટલવિહારી વાજપેયીને આદરાંજલિ અર્પણ કરીએ છીએ.
કવિશ્રી નરસિંહરાવ ભોળાનાથ દિવેટિયાએ કવિતા લખી હતી તે આજે યાદ આવે છે.

‘મૃત્યુ કેરું સ્વરૂપ જો, સાચું માનવ પ્રીછશે
દ્વાર નવજીવન તણું, જાણી નિરંતર રીઝશે,
દીઠું જીવનતત્વ સનાતન, સત્ય પ્રકાશિયું રે લોલ
અમરપણું પ્રગટ્યું પછી તત્ક્ષણ, મૃત્યુ મરી ગયું રે લોલ.’

આવું જ આપણે વાજપેયીની બાબતમાં પણ કહી શકીએ કે અટલજી તો અમર થઈ ગયા પણ ‘મૃત્યુ મરી ગયું રે લોલ.’ વાજપેયીજીએ પોતાની કવિતામાં જ આવો સૂર રજૂ કરતા લખ્યું હતું કે,

‘ઠન ગઈ! મૌત સે મેરી ઠન ગઈ!
જૂઝને કા મેરા ઇરાદા ન થા, મોડ પર મિલેંગે ઉસકા વાદા ન થા,
 રાસ્તા રોક કર વહ ખડી હો ગઈ, યોં લગા જિંદગી સે બડી હો ગઈ.
મૌત કી ઉંમર ક્યા હૈ, દો પલ ભી નહી, જિંદગી સિલસિલા આજકલ કી નહીં
મેં જી ભર જીયા, મેં મન સે મરુ, લૌટકર આઉંગા, કૂચ સે ક્યોં ડરુ?’

અટલ બિહારી વાજપેયીએ સત્તાના શિખરે પહોંચ્યા પછી પણ પોતાની સર્જનાત્મક્તા ગુમાવી ન હતી. તેમની કવિતાઓ વ્યક્તિત્ત્વ જેવી ચોટદાર, સહજ અને સરળ હતી.
અટલજી માટે દેશ અને લોકકલ્યાણ પ્રાથમિકતા હતા. સ્વપ્નદૃષ્ટા, કર્તવ્યનિષ્ઠ અને કર્મવીર અટલજી માટે ભારત કોઈ ભૂમિનો ટુકડો માત્ર નહિ પરંતુ, રાષ્ટ્રપુરુષ હોવાની વિભાવના અને સંકલ્પ હતા. આ જ તેમનો પ્રખર રાષ્ટ્રવાદ અને જીવનશૈલી હતાં. તેમના જીવનમાં ઈન્ડિયા ફર્સ્ટની નીતિ જ અમેરિકાનો વિરોધ અને તેના સેટેલાઈટ્સની બાજનજર હેઠળ પણ તેમને પોખરણ અણુવિસ્ફોટ જેવા અસામાન્ય નિર્ણયો લેવા તરફ દોરી ગઈ હતી. આ પછી પણ ભારત શાંતિમાં માનતો દેશ હોવાથી અણુતાકાત ધરાવતા દેશો પર પણ પ્રથમ હુમલો નહિ કરવાની નીતિ સ્પષ્ટ કરી તેમણે વિશ્વનું સન્માન પ્રાપ્ત કર્યું હતું. ભારતના વિજ્ઞાનીઓ પ્રત્યે તેમનો વિશ્વાસ અને વૈશ્વિક નિંદા અને સંભવિત પ્રતિબંધો સહિત કોઈ પણ પડકારને ઝીલી લેવાની તૈયારીએ જ આજે ભારતને અણુરાષ્ટ્રોની હરોળમાં મૂક્યું છે. સંઘ અને ભાજપ દ્વારા સ્વદેશી નીતિની હિમાયત હોવાં છતાં, નરસિંહરાવ અને મનમોહનસિંહની બેલડીએ આદરેલી ઉદારીકરણની નીતિને આગળ ધપાવવામાં તેમણે જરા પણ પાછીપાની કરી ન હતી.
આકાશમાં જેમ ધ્રુવનો તારો માર્ગદર્શક બની રહે છે તેમ ભારતીય રાજકારણમાં વાજપેયી ધ્રુવતારક બની રહ્યા હતા. તેમની વિદાયથી સર્જાયેલો શૂન્યાવકાશ પૂરી શકાય તેમ નથી. રાષ્ટ્ર માટે જરૂરી મુદ્દાઓની ઊંડી સમજ અને વિપરિત પરિસ્થિતિઓમાં પણ વિરોધીઓને પરાસ્ત કરવાનું કૌશલ્ય ધરાવતા અટલજી રાજકીય નેતાઓમાં અનોખી ભાતના રાજપુરુષ હતા. અટલજીની રાજકીય કારકીર્દિએ ભારતીય સ્વાતંત્ર્યના ૭૨ વર્ષના કાલખંડમાં ૫૬ વર્ષનો મોટો હિસ્સો આવરી લીધો હતો. તેઓ ૫૦ વર્ષ સુધી સાંસદ બની રહ્યા હતા અને ૧૦ વખત લોકસભા અને બે વખત રાજ્યસભા માટે ચૂંટાયા હતા. તેમની પાસે વાણીનું અમોઘ શસ્ત્ર હતું. ૧૯૬૨ના યુદ્ધ પછી સંસદમાં પંડિત નેહરુની જે તીવ્ર આલોચના તેમણે કરી હતી તેના પરિણામે પંડિતજીએ જ આ યુવાન એક દિવસ ભારતનો વડા પ્રધાન બનશે તેવી આગાહી કરી હતી. તેમનો મધુર અને અસ્ખલિત વાણીપ્રવાહ જનમેદનીને મંત્રમુગ્ધ કરી દેનારો હતો. આમ છતાં, વિરોધીઓ સામે વ્યક્તિગત હુમલાઓ કરવામાં તેમણે કદી સૌજન્ય ગુમાવ્યું નહિ. સૌમ્યતા, સૌજન્યતા, ઉદારતા, અથાક ધીરજ અને ગરિમાપૂર્ણ વ્યવહાર જ તેમનો સ્વભાવ હતો. આના કારણે જ વાજપેયી વિપક્ષ માટે પણ સન્માનીય નેતા બની રહ્યા હતા. મોરારજી દેસાઈના વડપણ હેઠળની જનતા સરકારમાં વિદેશપ્રધાન તરીકે વાજપેયીની કામગીરી નોંધપાત્ર બની રહી હતી.
તેઓ રાજકારણને સત્તામુખી નહિ પરંતુ સમાજના તમામ વર્ગોને લાભ આપી શકે તેવું જનમુખી હોવાનું જ માનતા હતા. સંઘર્ષના બદલે સંવાદની રાજનીતિને આગળ વધારવાનો તેમનો દૃષ્ટિકોણ જ પડોશી રાષ્ટ્રો તરફ મૈત્રીનો હાથ લંબાવવાની દિશામાં દોરી ગયો હતો. પાકિસ્તાન સાથે શાંતિ સ્થાપવાની તેમની લાહોરયાત્રા અને જનરલ પરવેઝ મુશર્રફને શાંતિમંત્રણા અર્થે આગ્રા બોલાવવાની પહેલને ભલે નિષ્ફળતા સાંપડી હોય પરંતુ, કારગીલ વિજય થકી તેમણે પાકિસ્તાનને પોતાની ઔકાત દેખાડી દીધી હતી.
જનતા સરકારના ૧૯૭૯માં પતન પછી ૧૯૮૦માં વર્તમાન ભારતીય જનતા પાર્ટીની સ્થાપનામાં અટલબિહારી વાજપેયી, લાલકૃષ્ણ અડવાણી, મુરલી મનોહર જોશીની ત્રિપુટીએ સિંહફાળો આપ્યો હતો. રાજનીતિના ઉદારવાદી અભિગમ અને ગાંધીવાદ પ્રત્યે રુચિ ધરાવતા વાજપેયીએ ‘ગાંધીવાદી સમાજવાદ’ના માર્ગે પક્ષને આગળ ધપાવવાની રણનીતિ જાહેર કરી હતી.
વિપક્ષી નેતા તરીકે દીર્ઘ અનુભવે તેમને વિશાળ હૃદયી રાજનેતા અને કૂટનીતિજ્ઞ બનાવ્યા હતા. શાસન સંભાળ્યા અગાઉ જ યુનાઈટેડ નેશન્સ સહિત આંતરરાષ્ટ્રીય મંચો ઉપર ભારતના પ્રતિનિધિ તરીકે તેમના સંબોધનોએ તેમને દૂરંદેશી રાજનેતા તરીકે પ્રસ્થાપિત કરી દીધા હતા.
અનેક પાર્ટીઓનાં સમર્થન સાથે ૧૯૯૬માં પહેલા તો ૧૩ દિવસ, પછી ૧૯૯૮માં ૧૩ મહિના માટે અને તે પછી ૧૯૯૯માં પાંચ વર્ષનો સંપૂર્ણ કાર્યકાળ એમ ત્રણ વખત ભારતના વડા પ્રધાન બનવાનું સૌભાગ્ય તેમને પ્રાપ્ત થયું. તેઓ નહેરુ-ગાંધી પરિવારના ન હોય તેવા પ્રથમ બિનકોંગ્રેસી વડા પ્રધાન હતા જેમણે આ પદ પર મુદત પૂર્ણ કરી હતી. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ ગઠબંધનમાં રાજકીય પક્ષોના નેતાઓની મહેચ્છાઓ છતાં તેમને જાળવી રાખવાનું કૌશલ્ય અને રાજકીય પરિપક્વતા અટલજી પાસે જ હતાં.
આમ છતાં, અટલજી પોતાના સિદ્ધાંતોમાં પણ અટલ રહ્યા હતા. માત્ર એક મતના કારણે ૧૯૯૬માં તેમની ૧૩ દિવસની સરકાર તૂટી પડી ત્યારે પણ પારદર્શક રાજનીતિના હિમાયતી વાજપેયીએ સત્તા ગુમાવવાના જરા પણ વસવસા વિના કહ્યું હતું કે સરકારો તો આવતી-જતી રહેશે. હું તડજોડ કરીને સત્તા બચાવવાનો બોજ મારા શિરે રાખી શકતો નથી. આ માત્ર અટલજી જ કહી શકે અને કરી શકે.


comments powered by Disqus