રાજકોટના મલ્ટિપર્સનાલિટી તરીકે જાણીતા ૭૩ વર્ષીય ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને બિઝનેસમેન શ્રી ભૂપેન્દ્રભાઈ ખખ્ખર તેમના પરિવાર સાથે તા.૧થી તા.૧૨ સપ્ટેમ્બર સુધી યુકેના પ્રવાસે આવી રહ્યા છે. તેઓ સફળ બિઝનેસમેન હોવાની સાથે ‘શ્રીનાથજીની ઝાંખી’ના અલૌકિક કાર્યક્રમ દ્વારા ભક્તોને શ્રીનાથજીનો સત્સંગ પણ કરાવે છે. ૧૯૯૨માં રાજકોટની પ્રથમ થ્રી સ્ટાર ‘હોટલ કાવેરી’, ૧૯૯૭માં સૌરાષ્ટ્રના એકમાત્ર બીચ રિસોર્ટ ‘હોટલ સુગતીબીચ’ બનાવ્યા બાદ તેમણે રાજકોટની સંસ્કૃતિપ્રિય અને સ્વાદરસિક પ્રજાને રાજસ્થાની કલ્ચર સાથે ‘ચોકીધાણી’ની ભેટ આપી છે. જોકે, બિઝનેસમાં સફળતા જ તેમનું એકમાત્ર ધ્યેય નથી. તેમને ભગવાન શ્રીનાથજી પ્રત્યે અખૂટ શ્રદ્ધા છે. વર્ષો સુધી તેઓ પૂનમ ભરવા નાથદ્વારા જતા હતા. તેમની આ શ્રદ્ધાએ જ તેમને ઘરઆંગણે જ લોકોને સત્સંગ (શ્રીનાથજીની ઝાંખી) કરાવવાની પ્રેરણા પૂરી પાડી. તેમનું ૩૬ કલાકારોનું ‘શ્રીજી પૂર્ણિમા મંડળ’ જે તે ગામ કે શહેરમાં જઈને દર્શકોને આબેહૂબ શ્રીનાથજીના દર્શન આપતી ઝાંખી કરાવે છે. ૯૮ ગામમાં ૩૧૪ જેટલા શ્રીનાથજીની ઝાંખીના કાર્યક્રમ કર્યા છે. ભૂપેન્દ્રભાઈએ અત્યાર સુધી આ કાર્યક્રમનો એક પણ ટિકિટ શો કર્યો નથી અને ભવિષ્યમાં પણ કરવાના નથી. શ્રીનાથજીમાં દર્શન ખૂલવાનો જે પોકાર થાય છે તે શીખવા માટે તેઓ સતત બે દિવસ સુધી નાથદ્વારામાં રહ્યા હતા. તેઓ કાર્યક્રમમાં આઠ પોકાર જાતે જ કરતા હતા. પરંતુ, હાર્ટ એટેકને પગલે બાયપાસ સર્જરી કરાવ્યા પછી ડોક્ટરે તેમને આ પોકાર કરવાની મનાઈ ફરમાવી છે. તે છતાં જ્યાં કાર્યક્રમ યોજાવાનો હોય તો તે જગ્યા સેટ માટે અનુકુળ છે કે નહીં તે જોવા તે રૂબરૂ મુલાકાત લે છે. સંપર્ક. 07565 967 552

