એડિનબરાની સ્કૂલમાં ટ્વિન્સની ૧૪ જોડી એક સાથે ભણશે!

Wednesday 22nd August 2018 08:41 EDT
 
 

એડિનબરાઃ સ્કોટલેન્ડની વેસ્ટ ડનબાર્ટનશાયર કાઉન્ટીની શાળાઓમાં ટ્વિન્સની ૧૪ જોડીએ પ્રવેશ મેળવ્યો છે. આ જોડિયાં બાળકોએ પ્રાઈમરી શાળામાં પ્રવેશ મેળવેલા ૮૯૪ બાળકો સાથે વિદ્યારંભ કર્યો છે. આના પરિણામે શાળાના શિક્ષકોને બાળકો ડબલ દેખાતા હોવાનો અનુભવ થશે અને હાસ્યની છોળો ઉડશે.

એટકેન્બર પ્રાઇમરી સ્કૂલનું વર્ષ ૧૬ ઓગસ્ટ ગુરુવારથી શરૂ થયું તે વખતે ૧૦ જોડી ટ્વિન્સ ગ્રૂપ ફોટો પડાવવા એકત્ર થયા ત્યારે તેમને ઓળખવાનું મુશ્કેલ થઈ પડ્યું હતું. આ ૨૦ બાળકો તેમના નવા મિત્રો સાથે હસી-ખુશીથી મળ્યા હતા. માત્ર ટીચર્સ જ નહીં, સ્ટુડન્ટ્સના પેરન્ટ્સ પણ એડમિશનને લઈને ખૂબ રોમાંચિત છે.

ટ્વિન વિલિયમ અને જોન કેમરનના પિતાના કહેવા મુજબ ‘આ કોઈ માઇલસ્ટોનથી કમ નથી. આ દિવસ માત્ર બાળકો માટે જ નહીં, પેરન્ટ્સ માટે પણ ખાસ છે. આ બન્નેનો જન્મ થયો હતો તે દિવસ મને આજે પણ યાદ છે.’ પાંચ વર્ષની હોલી રોબર્ટસન અને તેની બહેન સ્કૂલે જવાનો આનંદ અનુભવે છે. હોલીએ કહ્યું હતું કે ‘અમે અવર હોલી રીડીમીઅર સ્કૂલમાં જઈશું. અમારાં શિક્ષક ઘણાં સારાં છે’ તેની માતા ડેનિયેલ હનીમેને કહ્યું હતું કે, ‘અમારા પરિવારમાં ઘણાં ટ્વિન્સ છે. તેઓ સાથે સ્કૂલે જાય તે સારું છે. તેઓ શ્રેષ્ઠ મિત્રો છે.’

કાઉન્સિલના એજ્યુકેશનલ કન્વીનર કેરેન કોનેગને કહ્યું કે, ‘સ્કૂલનો પહેલો દિવસ દરેક બાળક માટે ખાસ હોય છે અને તે દિવસ સગા ભાઈ કે બહેન સાથે શેર કરવા મળે તો તે બાબત વધુ ખૂબસુરત બની જાય છે. હું સ્કૂલમાં નવા આવેલા સૌ બાળકોને શુભકામના પાઠવું છું.’


comments powered by Disqus