એશિયાડમાં ભારતની સુવર્ણ સફળતાઃ મહિલા કુસ્તીમાં ભારતને પહેલો ગોલ્ડ

Wednesday 22nd August 2018 08:46 EDT
 
 

જાકાર્તાઃ ૨૩ વર્ષની વિનેશ ફોગાટ એશિયાડમાં ગોલ્ડ જીતનારી ભારતની પ્રથમ મહિલા ખેલાડી બની છે. આ સાથે જ એશિયાડ અને કોમનવેલ્થ ગેમ્સ - બન્નેમાં ગોલ્ડ જીતવાનો રેકોર્ડ પણ તેના નામે થઈ ગયો છે. વિનેશે ૫૦ કિલોગ્રામ કેટેગરીમાં જાપાનની યુકી ઇરીને ૬-૨થી હરાવી ટાઇટલ કબ્જે કર્યું હતું. આ તેનો વર્ષનો ત્રીજો આંતરરાષ્ટ્રીય મેડલ છે.
ઉલ્લેખનીય છે કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારતને મહિલા કુસ્તીનો પ્રથમ ગોલ્ડ મેડલ તેની મોટી પિતરાઈ બહેન ગીતા ફોગાટે અપાવ્યો હતો.
અગાઉ પ્રિ-ક્વાર્ટર્સમાં વિનેશે ચીનની સુન યાનને ૮-૨થી હરાવી હતી. સુન એ જ પહેલવાન છે જેની સાથે લડતાં રિયો ઓલિમ્પિક્સમાં વિનેશનો પગ ભાંગી ગયો હતો. આ પછી એક વર્ષ સુધી કુસ્તીની રિંગથી દૂર રહેવું પડ્યું હતું. .
ફાઇનલમાં વિનેશે પહેલા રાઉન્ડમાં (૩ મિનિટ)માં ૪-૦થી લીડ મેળવી લીધી હતી. પાંચમી મિનિટમાં વધુ ડિફેન્સિવ થવાના કારણે જાપાની પહેલવાનને એક પોઇન્ટ મળ્યો. આમ વિનેશે ફરી એક પોઇન્ટ ગુમાવ્યો હતો. જોકે મેચ પૂરી થવાની માત્ર ત્રણ સેકન્ડ પહેલા બે પોઇન્ટ ઉમેરીને વિનેશે ૬-૨થી વિજય મેળવ્યો હતો.
બજરંગની બોલબાલા
મહિલા કુસ્તીમાં વિનેશ ફોગાટે ભારતને ગોલ્ડ અપાવ્યો છે તો દેશના ૨૪ વર્ષીય કુસ્તીબાજ બજરંગ પુનિયાએ ૨૦ ઓગસ્ટે પુરુષ કુસ્તીની ૬૫ કિ.ગ્રા. વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારતે ૧૮મા એશિયાડમાં પહેલા જ દિવસે ગોલ્ડન સફળતા મેળવી હતી. ફાઈનલમાં બજરંગે જાપાનના તાકાતાની ભારે રસાકસીભર્યા મુકાબલામાં ૧૧-૮થી પછાડીને ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો હતો.
નોંધપાત્ર છે કે બજરંગ ચાર વર્ષ પહેલા ઈન્ચેઓનમાં રમાયેલી એશિયન ગેમ્સમાં પણ ૬૧ કિ.ગ્રા. વજન વર્ગમાં સિલ્વર મેડલ જીતવામાં સફળ રહ્યો હતો.
બજરંગ ૬૫ કિ.ગ્રા. કેટગરીના પ્રથમ મુકાબલામાં ઉઝબેકિસ્તાનના સિરોજીદ્દીન ખાસાનોવને ૧૩-૩થી હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ મેળવ્યો હતો. જ્યાં તેણે તજાકિસ્તાનના પહેલવાન અબ્દુલ કોસીમ ફાયઝીવને ૧૨-૨થી હરાવ્યો હતો. સેમિ-ફાઈનલમાં બજરંગે તેની રમતને વધુ આક્રમક બનાવતા મોંગોલિયાના કુસ્તીબાજ બાતચુલુની બાતમાગ્નાઈને એક પણ પોઈન્ટ આપ્યા વગર ૧૦-૦થી વિજય સાથે ફાઈનલમાં સ્થાન મેળવ્યું હતું. બજરંગ આ અગાઉ ૨૦૧૩ની વર્લ્ડ ચેમ્પિયશીપમાં બ્રોન્ઝ અને કોમનવેલ્થ ગેમ્સ ૨૦૧૪માં સિલ્વર અને ૨૦૧૮માં ગોલ્ડ મેડલ જીતી ચૂક્યો છે.


comments powered by Disqus