ભારતના ૭૨મા સ્વાતંત્ર્ય દિન નિમિત્તે કાર્ડિફમાં તા.૧૫ ઓગસ્ટને બુધવારે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વેલ્સ મિલેનિયમ સેન્ટર નજીક મહાત્મા ગાંધીની પ્રતિમા પાસેથી નીકળેલી આ રેલી લગભગ એક કલાક સુધી વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ કાર્ડિફ કેસલ ખાતે સંપન્ન થઈ હતી. ત્યાં ધ્વજવંદન કરવામાં આવ્યું હતું અને સૌએ તિરંગાને સલામી આપી હતી. ત્યારબાદ ગીત સંગીત તેમજ પરંપરાગત ભારતીય નૃત્યનો સાંસ્કૃતિક કાર્યક્રમ પણ યોજાયો હતો.
આ રેલીનું આયોજન ભારતના માનદ કોન્સુલ રાજ અગ્રવાલ દ્વારા કરાયું હતું. પ્રાસંગિક પ્રવચનમાં રાજ અગ્રવાલે ભારતની લોકશાહીની સફળતાની ઉજવણીમાં પોતાનો મહામૂલો સમય કાઢીને જોડાવા બદલ સૌનો આભાર માન્યો હતો. તેમણે જણાવ્યું હતું કે વેલ્સમાં ભારતીય સમુદાય સુખ શાંતિપૂર્વક વસે છે. તેઓ ખૂબ સફળ, મહેનતુ છે અને સ્થાનિક સમાજ સાથે સારી રીતે ભળી ગયા છે. તેઓ વેલ્સની સફળતા અને સમૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છે.
આ પ્રસંગે વેલ્સ એસેમ્બલી મેમ્બર જુલી મોર્ગન અને કાર્ડિફ સિટી કાઉન્સિલ કેબિનેટ મિનિસ્ટર રસેલ ગુડવે ઉપરાંત મોટી સંખ્યામાં નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ભારત ૧૫ ઓગસ્ટ, ૧૯૪૭ના રોજ આઝાદ થયું હતું અને ૭૨મા સ્વાતંત્ર્ય દિનની ઉજવણી કરાઈ હતી.

