લંડનઃ લેબર પાર્ટીના નેતા જેરેમી કોર્બીન યહુદીવાદ વિરોધી નવા વિવાદમાં ઘેરાયા છે. કોર્બીને ૨૦૦૨માં વિશ્વની પ્રથમ વિમાન હાઈજેકર લેલા ખાલેદ સાથે લંડનમાં ૨૦૦૨ની પેલેસ્ટાઈનતરફી રેલીમાં સંબોધન કર્યું હોવાની તસવીરો ફરતી થઈ છે. આ રેલીમાં કોર્બીને ઈઝરાયેલથી આવતા તમામ સામાનનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. આ વિવાદની અસર લેબર પાર્ટીના રેટિંગ પર પણ થઈ છે.
આ ઉપરાંત, ૧૯૭૨ના મ્યુનિચ હત્યાકાંડ સાથે સંકળાયેલા ત્રાસવાદીઓને દફનાવાયા છે તે ટ્યુનિશિયાના કબ્રસ્તાનમાં પુષ્પાંજલિ કરતી તસવીરો પણ બહાર આવી છે. આ પુષ્પાંજલિ અર્પણ કરવાની ઘટનાના પરિણામે લેબર પાર્ટીના આઠમાંથી એક અથવા ૧૩ ટકા મતદાર કોર્બીન વિશે ખરાબ અભિપ્રાય ધરાવતા થયા છે. YouGov ના સર્વે અનુસાર જુલાઈ મહિનામાં ૨૭ ટકાની સરખામણીએ હાલ ૨૦ ટકા મતદારે લેબર નેતા સારું કામ કરતા હોવાનું જણાવ્યું હતું. તેમની કામગીરી ખરાબ હોવાનો અભિપ્રાય ૫૯ ટકાથી વધી ૬૫ ટકા થયો છે.
લૈલા ખાલેદ પોપ્યુલર ફ્રન્ટ ફોર લિબરેશન ઓફ પેલેસ્ટાઈન (PFLP)ની સભ્ય હતી. તેણે ઓગસ્ટ ૧૯૬૯માં રોમથી એથેન્સ જતા એક પેસેન્જર જેટ વિમાનને રનવે પર જ ફૂંકી માર્યું હતું અને વિશષ્વની પ્રથમ મહિલા હાઈજેકર તરીકે કુખ્યાત બની હતી. આ પછી તેણે ઓળખ બદલવાં પ્લાસ્ટિક સર્જરી કરાવી હતી અને બ્લેક સપ્ટેમ્બર સંસ્થાના હુમલાના ભાગરુપે બીજા વર્ષે રોમથી તેલ અવિવ જતી ફ્લાઈટમાં ૧૨૦ પ્રવાસીને બંધક બનાવનારી ટીમના સભ્ય તરીકે જોડાઈ હતી.

