કૌભાંડી નીરવ મોદી બ્રિટનમાં સંતાયો હોવાનું પગેરું મળ્યુઃ ભારત દ્વારા પ્રત્યાર્પણની માગ

Wednesday 22nd August 2018 08:00 EDT
 
 

લંડનઃ ભારતમાં પીએનબીના રૂ. ૧૪,૬૦૦ કરોડનાં સૌથી મોટાં બેન્કિંગ કૌભાંડના મુખ્ય આરોપી નીરવ મોદીની બ્રિટનમાં હાજરીને ત્યાંના અધિકારીઓએ સમર્થન આપ્યું છે, જેને પગલે સીબીઆઈ દ્વારા નીરવનાં પ્રત્યાર્પણ માટે બ્રિટનને ફરી અરજી કરવામાં આવી છે. દેશની બેન્કો સાથે રૂ. ૯,૦૦૦ કરોડની છેતરપીંડી કરનાર શરાબ ઉત્પાદક વિજય માલ્યા પણ હાલ બ્રિટનમાં આશરો લઈ રહ્યો છે. પંજાબ નેશનલ બેન્ક સાથે કૌભાંડનો બીજો આરોપી અને નીરવ મોદીના મામા મેહુલ ચોકસી હાલ એન્ટિગુઆમાં છે જેણે ત્યાં કરોડો રૂપિયાનું રોકાણ કરીને નાગરિકતા મેળવી લીધી છે.

વિદેશમંત્રાલય દ્વારા પ્રત્યાર્પણ માટે કાર્યવાહી કરાશે

બ્રિટને સીબીઆઈ સમક્ષ સ્વીકાર્યું છે કે હીરાનો વેપારી અને ભારતમાં કરોડોનું કૌભાંડ કરીને ભાગેલો નીરવ મોદી હાલ બ્રિટનમાં જ છે. સીબીઆઈએ નીરવ મોદીની બ્રિટનમાં હોવાની પુષ્ટિ થતાં જ ગૃહમંત્રાલયને પ્રત્યાર્પણ માટે અરજી કરવા અનુરોધ કર્યો છે. હવે વિદેશ મંત્રાલય દ્વારા નીરવ મોદીનાં પ્રત્યાર્પણ માટે અરજી કરવામાં આવશે. સીબીઆઈએ બ્રિટનના અધિકારીઓ સાથે વાતચીત કરીને નીરવ મોદી સામે ઇન્ટરપોલ દ્વારા રેડકોર્નર નોટિસ બજાવવામાં આવી છે તેની જાણ કરી હતી અને તેની ધરપકડ કરવા સૂચના આપી હતી. આ વર્ષે જૂનમાં સીબીઆઈના અનુરોધથી ઇન્ટરપોલ દ્વારા નીરવ મોદી સામે રેડકોર્નર નોટિસ બજાવવામાં આવી હતી.

બ્રિટનમાંથી ૧૭ ભાગેડુનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા કાર્યવાહી

બ્રિટનમાંથી ૧૭ ભાગેડુને ભારતમાં પાછા લાવવાની કાર્યવાહી ચાલી રહી છે, જેમાં લલિત મોદી, ગુલશનકુમારના હત્યાકાંડમાં નદીમ સૈફી, ગુજરાતમાં ૧૯૯૩માં થયેલા બોંબધડાકાના આરોપી ટાઇગર હનીફ અને વિજય માલ્યાનો સમાવેશ થાય છે. ભારત સરકાર ૨૪ દેશમાંથી આશરે ૧૨૧ ભાગેડુઓનું ભારતમાં પ્રત્યાર્પણ કરવા કામગીરી કરી રહ્યું છે, જેમાં ૩૧ ભાગેડુ આશરે રૂ. ૪૦,૦૦૦ કરોડનાં કૌભાંડ કરીને ભારતમાંથી ભાગી ગયા છે. ઉલ્લેખનીય છે કે, નીરવ મોદી અને મેહુલ ચોક્સી જાન્યુઆરીમાં ભારત છોડીને ભાગી ગયા હતા, જેના થોડા દિવસ પછી દેશનો સૌથી મોટો બેન્કિંગ ગોટાળો પ્રકાશમાં આવ્યો હતો.


comments powered by Disqus