લંડનઃ બીમાર બાળકોને મદદરૂપ થવા માટે એકત્ર કરવામાં આવેલા ૭,૫૦૦ પાઉન્ડની ચોરી કરવા બદલ ૨૯ વર્ષીય ભૂતપૂર્વ સ્ટોકબ્રોકર અકબર સિદ્દીકીને એક વર્ષની જેલની સજા ફરમાવાઈ હતી. તે જ્યારે રોટરી ક્લબ ચેરિટી સ્કાયડાઈવ એન્ડ ડીનરનો ઈન્ચાર્જ હતો ત્યારે તેણે આ રકમ ચોરી હતી.
સિદ્દીકી ગ્રેટ ઓરમન્ડ સ્ટ્રીટને સહાય માટે ફંડરેઝિંગ ઈવેન્ટ્સનું આયોજન કરવા ઓફર કરતો હતો અને ટૂટિંગ ક્લબના ચેરિટી એકત્ર કરવાના પ્રયાસોને પ્રોત્સાહન મળે તે માટે રેડિયો પર રજૂઆત કરતો હતો. પરંતુ, તે છાનામાના આ નાણાં શોપીંગ, ટ્યૂબ ટ્રાવેલ, બહાર ભોજન અને હોટલમાં રોકાણ પાછળ વાપરતો હતો. તેણે ૪,૧૦૫ પાઉન્ડ રોકડા ઉપાડ્યા હતા અને ચેરિટી ફંડના ૬૩૮ પાઉન્ડ ઈન્ટરનેટ ડેટિંગ પાછળ ખર્ચ્યા હતા. સિદ્દીકીએ ગયા જાન્યુઆરીમાં છેતરપિંડીની કબૂલાત કરી હતી. તે નાણાં પરત ચૂકવી શકે તે માટે તેને નોકરીની તક પણ અપાઈ હતી. પરંતુ, પોતે તેમાં નિષ્ફળ રહ્યો હોવાનું તેણે કિંગસ્ટન ક્રાઉન કોર્ટ સમક્ષ સ્વીકાર્યું હતું. તેને એક વર્ષની જેલની સજા સંભળાવતા જજ જુડીથ કોએલોએ જણાવ્યું હતું કે આ ઘૃણાસ્પદ, અધમ અને કપટનો ગુનો હતો.

