ડિસ્પોઝેબલ કોફી કપ્સ પર ટેક્સ શક્યઃ ટ્રેઝરી પરામર્શને ટેકો

Wednesday 22nd August 2018 07:51 EDT
 
 

લંડનઃ બ્રિટન દ્વારા રીસાઈકલ કરી ન શકાય તેવા સિંગલ-યુઝ પ્લાસ્ટિક વિરુદ્ધ અભિયાન છેડાયું છે. સમસ્યારુપ પેકેજિંગ મુદ્દે ટ્રેઝરી દ્વારા પરામર્શને વિક્રમી સંખ્યામાં ૧૬૨,૦૦૦ બ્રિટિશરોએ પ્રતિભાવ આપ્યો છે. ફેંકી દેવાતા ડિસ્પોઝેબલ કોફી કપ્સ સામે લેવી લાદવાને જનતાનું સમર્થન મળવાના પરિણામે તેના પર ઓછામાં ઓછા ૨૫ પેન્સનો ટેક્સ લદાય તેવી સંભાવના વધી ગઈ છે. અન્ય સિંગલ યુઝ આઈટમ્સ પર પણ ટેક્સ લાગી શકે છે.

પ્લાસ્ટિક પ્રદુષણ અને સમસ્યારુપ પેકેજિંગ મુદ્દે કેવા ઉપાય લેવા તે વિશે ટ્રેઝરી ડિપાર્ટમેન્ટ દ્વારા પ્રજાની સલાહ લેવાઈ હતી અને ૧૬૨,૦૦૦ નાગરિકોએ પ્રતિભાવ આપ્યો હતો, જેમાંથી બહુમતીએ ડિસ્પોઝેબલ કોફી કપ્સ, સોસ શેસે, કટલરી અને પ્લેટ્સ, ટેક-અવે ક્રિસ્પ ટ્રેઝ, અને સ્વીટ પેકેટ્સ સામે પગલાં લેવાને ટેકો આપ્યો હતો. અભૂતપૂર્વ પ્રતિસાદ મળવાથી મિનિસ્ટર્સ હવે ઓટમ બજેટમાં કડક પગલાં જાહેર કરી શકે છે.

ચાન્સેલર ફિલિપ હેમન્ડે પણ સંકેત આપ્યો છે કે સિંગલ-યુઝ કોફી કપ્સ, ટેક-અવે બોક્સીસ અને રીસાઈકલ ન થઈ શકે તેવા બ્લેક પ્લાસ્ટિક બોક્સીસ પર તેમની નજર છે. પાર્લામેન્ટની પર્યાવરણ ઓડિટ કમિટીએ પણ કચરો ઘટાડવા અને રીસાઈકલિંગને પ્રોત્સાહન આપવા ડિસ્પોઝેબલ કોફી કપ્સ ઉપર ૨૫ પેન્સની લેવી લાદવાની ભલામણ કરેલી છે.


comments powered by Disqus