ગોલ્ડ એ ભારતીય રાષ્ટ્રીય રમત હોકી પર આધારિત છે. જેની વાર્તા બ્રિટિશ ઇન્ડિયાના સમય પર આધારિત છે. રીમા કાગતીની આ ફિલ્મ ‘ગોલ્ડ’માં દર્શાવાયું છે કે ૧૯૪૮ પહેલાં જ્યારે ભારતીય ટીમ કોઈ પણ રમતના મેદાનમાં ઉતરતી ત્યારે તે ટીમને બ્રિટિશ ઇન્ડિયા નામ સાથે મેદાનમાં ઉતરવું પડતું હતું. જોકે કેટલાક ભારતીય ખેલાડીઓને એ બાબતે સાફ અણગમો અને વસવસો રહેતો. લંડન ઓલમ્પિક રમતોમાં ભારતીય ટીમ દ્વારા અંગ્રેજોને તેઓનાં જ મેદાન પર કારમો પરાજય મળ્યો હતો. તે વખતે પ્રથમ વાર આંતરરાષ્ટ્રીય રમતના મંચ પર ભારતીય ત્રિરંગો લહેરાવ્યો હતો. આ એક હકીકત છે કે જેનાં સત્ય હોવા પાછળ અનેક કહાનીઓ છે. રીમાએ તે જ કહાની અને સપનાંઓને જોડીને આ ફિલ્મ બનાવી છે.
વાર્તા રે વાર્તા
વર્ષ ૧૯૩૬માં ભારતીય હોકી ટીમ બર્લિન (જર્મની) ઓલમ્પિકમાં સુવર્ણ પદક જીતે છે. ભારતીય ટીમ જીતે છે અને મેદાનમાં બ્રિટનનો ઝંડો લહેરાવાય છે. ભારતીય તપન દાસ (અક્ષય કુમાર) સહિત દરેકનું સપનું હોય છે કે ભારત જીતે તો ભારતનાં ધ્વજને સલામી મળે. તપન આ ટીમના જુનિયર મેનેજર છે. કેટલાંક વર્ષોમાં વિશ્વયુદ્ધ છેડાઇ જાય છે અને ૧૯૪૦ અને ૧૯૪૪નાં ઓલમ્પિક રદ થઇ જાય છે. ૧૯૪૬માં નક્કી થાય છે કે ૧૦૪૮માં ઓલમ્પિક રમાશે. તપન દાસ ફરીથી હોકી એસોસિએશન સાથે જોડાઇને ટીમ બનાવવાની તૈયારીમાં લાગી જાય છે. ટીમ બને છે ત્યાં સુધી દેશના ભાગલા થઇ જાય છે અને અડધા ખેલાડી પાકિસ્તાન જાય છે. એ પછી ભારતીય હોકી ટીમ બનાવવાના સંઘર્ષની કહાની ‘ગોલ્ડ’માં દર્શાવાઈ છે.
અનેક કહાનીથી એક ફિલ્મ
અનેક નાની મોટી ઘટનાઓ અને ઐતિહાસિક સ્થિતિઓને બારીકાઇથી ફિલ્મમાં દર્શાવાઈ છે. તેથી નાની મોટી કહાનીઓથી આ એક આખી ફિલ્મ બની છે. ફિલ્મની લંબાઇ ૧૫૪ મિનિટ છે. ફિલ્મને ડ્રામેટિક ટચ આપવા માટે તેને દારૂની લતે ચડચો પણ બતાવાયો છે.
સક્ષમ અભિનય
ફિલ્મમાં તપન દાસ તરીકે અક્ષયકુમારનો અભિનય જબરદસ્ત છે. એક રજવાડામાં હોકી રમવાવાળા રાજકુમારનાં કેરેક્ટરમાં અમિત સધનો અને રાજાના રોલમાં કૃણાલ કપૂરનો અભિનય પણ સુંદર છે. તપનની પત્નીના રોલમાં જોકે મૌની રોય ઠીક રહી છે.

