બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ અટલાદરા ખાતે વિચરણ કરી રહ્યા છે. અટલાદરા મંદિરમાં પૂ. મહંત સ્વામીના દિવ્ય સાનિધ્યમાં વિદ્યામંદિર દિન, આહાર શુદ્ધિ દિન, નિત્ય પૂજા દિન, યુવા દિન અને સત્સંગ સભા દિન સહિત વિવિધ દિનની ઉજવણી કરવામાં આવી હતી. તેમાં બાળકો અને યુવાનો દ્વારા સંવાદ, કિર્તનગાન, પરંપરાગત નૃત્ય સહિત વિવિધ કાર્યક્રમો યોજાયા હતા.
અટલાદરામાં પૂ. મહંત સ્વામી દરરોજ સવારે અને સાંજે હરિભક્તોને દર્શન અને સત્સંગનો લાભ આપી રહ્યા છે. આશીર્વચનમાં પૂ.મહંત સ્વામી સૌને સંપ, સદભાવ અને એકતાના ગુણોને વધુ દ્રઢ બનાવવાની શીખ આપી રહ્યા છે. તે ઉપરાંત, તેઓ યોગીજી મહારાજ જે રૂમમાં રહેતા હતા તેની નિત્ય મુલાકાત લઈને દર્શન કરે છે. તાજેતરમાં BAPS સ્વામીનારાયણ હર્બલ કેરને અપાયેલું ISO 9001: 2015 સર્ટિફિકેટ પણ પૂ. મહંત સ્વામીએ નિહાળ્યું હતું અને આ સિદ્ધિ મેળવવામાં સહભાગી થયેલ સૌને અભિનંદન પાઠવ્યા હતા.
હાલ ચાતુર્માસ દરમિયાન હિંડોળાનો તહેવાર ચાલતો હોઈ મંદિરના સંતો અને હરિભક્તો દ્વારા દરરોજ અલગ અલગ પ્રકારના અવનવી ડિઝાઈનના સુશોભિત હિંડોળા બનાવવામાં આવે છે. પૂ. મહંત સ્વામી દરરોજ હરિકૃષ્ણ મહારાજને હિંડોળે ઝૂલાવે છે. હરિભક્તો પણ મોટી સંખ્યામાં હિંડોળાના દર્શનનો લાભ લઈ રહ્યા છે. પૂ.મહંત સ્વામી રવિવાર તા.૨ સપ્ટેમ્બર સુધી અટલાદરામાં વિચરણ કરશે.

