યેરેવાન (આર્મેનિયા)ઃ આર્મેનિયાના અરિંજ ગામમાં રહેતા લેવોન અરકેલ્યાન અને તેમના પત્ની તોસ્યા સાથે બેઠાં બેઠાં ઘરસંસારની વાતો કરતાં હતા. આ દરમિયાન તોસ્યાએ પતિ લેવોનને કહ્યું કે બટાકા ભરેલા મૂકવા માટે બેઝમેન્ટમાં એક રૂમ બનાવી નાખવાની જરૂર છે. લેવોને હળવાશથી ‘હા’ કહ્યું.
તોસ્યાએ સૂચન કર્યું ત્યારે તેને કલ્પના નહોતી કે વાતને પતિદેવ આટલી ગંભીરતાથી ‘અમલ’માં મૂકશે. તેણે બટાકા માટે એક રૂમ બનાવવાનું કહ્યું હતું, પરંતુ લેવોને ૨૩ વર્ષ સુધી જમીન ખોદીને બેઝમેન્ટમાં એક મહેલ તૈયાર કરી નાંખ્યો.
આ માટે તેણે ૩૦૦૦ ચોરસ ફૂટ જમીન ખોદી. ૬૦૦ ટ્રક માટી અને પથ્થરો કાઢ્યા. જોકે ૨૦૦૮માં હાર્ટ એટેક આવતા લેવોનનું મોત થઇ ગયું. લેવોને બનાવેલા મહેલને હવે પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકી દેવાયો છે, જે સહુના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યો છે.
જમીનની અંદર બનેલા આ મહેલટાઇપ ઘરને મધ્ય યુગની ઇમારતનો દેખાવ આપવામાં આવ્યો છે. જેમાં ગુફાઓ અને નહેરો પણ છે. દરવાજા ગોળાકાર છે. દિવાલો પર મોટા-મોટા શિલ્પો છે. તોસ્યા અહીં આવનારા પર્યટકોને મહેલના તમામ સાત કમરા દેખાડે છે અને કહે છે કે આ તેમના પ્રેમની નિશાની છે.
તોસ્યા કહે છે, ‘લેવોને જ્યારે એક વખત ખોદકામ શરૂ કર્યું પછી રોકાયા ન હતા. મેં તેમને ઘણી વખત અટકવા કહ્યું હતું, પરંતુ તેઓ માન્યા જ નહીં. તેમણે બિલ્ડિંગ નિર્માણની ટ્રેનિંગ લીધી હતી. આ માટે તેઓ દરરોજ ૧૮ કલાક કામ કરતા હતા. ૨૦ કરતાં વધુ વર્ષ દરમિયાન લેવોને સામાન્ય સાધનોની મદદથી ૩૦૦૦ ચોરસ ફૂટ હિસ્સો ખોદી નાંખ્યો.’
લેવોનની ૪૪ વર્ષની પુત્રી અરવસ્યા કહે છે, ‘બાળપણમાં મને જમીનમાં ખોદકામનો સતત અવાજ આવતો હતો. પાપાને શરૂઆતમાં જમીન ખોદવામાં બહુ આકરી મહેનત કરવી પડી હતી, કારણ કે જમીનમાં નીચે બેસોલ્ટ પથ્થર હતા.
એક દિવાલ તૂટી અને..
૨૦૦૮માં મહેલની એક દિવાલ તૂટી ગઇ, જે જોઇને લેવોનને હાર્ટએટેક આવી ગયો અને તેનું મૃત્યુ થયું. આ સમયે તે ૬૭ વર્ષના હતા. પત્ની તોસ્યાએ હવે પતિની યાદમાં આ સ્થળને મ્યૂઝિયમ બનાવી નાંખ્યું છે. હવે પર્યટકો અહીં આવે છે. લેવોન દરરોજ ૧૮ કલાક ખોદકામ કરતા હતા અને તેમને અતૂટ વિશ્વાસ હતો કે ઇશ્વર તેમની મદદ કરી રહ્યા છે.

