લગ્ન પહેલા છોકરા છોકરી એકબીજાને કહેતા હોય છે કે તું નહીં તો હું નહીં. પણ લગ્ન પછી એ જ વાક્ય બદલાઈ જતું હોય છે, કાં તુ નહીં કાં હું નહીં. અને તેમાં પણ લગ્નજીવનની ગાડી જો ૩૧ વર્ષ જૂની થઈ ગઈ હોય તો એમાં બેસનારાઓની તો વાત જ શું કરવી ? લાલુભાઈ દેસાઈ અને માયાબેન આવું જ એક કપલ છે. લાલુભાઈના જીવનનો મંત્ર છે લીવ લાઈફ કિંગ સાઈઝ. એટલે એ જીવનની મઝા લૂંટવાનો એક પણ મોકો જવા દેવા માગતા નથી. પણ તેમના પત્ની માયાદેવી રિટાયર્ડ સ્કૂલ પ્રિન્સિપાલ હોવાથી એ પતિની લગામ હાથમાં પકડી રાખવામાં જ નહીં પણ ખેંચી રાખવામાં પણ માને છે. જેને કારણે લાલુભાઈ અને માયાબેન વચ્ચે રોજ હુલ્લડ થાય છે. તેમાંથી હાસ્યનો વંટોળ સર્જાય છે. રમુજની છોળો ઉડે છે. પણ પપ્પાની ધમાલ અને મમ્મીની કમાલની ખેંચતાણમાં ભોગ હંમેશા એક જ વ્યક્તિનો લેવાય છે, અને તે છે લાલુભાઈ અને માયાબેનનો એકનો એક દિકરો સંજય. ત્રાસેલો સંજય એક દિવસ પોતાની પત્ની સાથે મળીને લાલુભાઈ અને માયાબેનને પાઠ ભણાવવાનું નક્કી કરે છે. પણ લાલુભાઈ અને માયાબેન એક થઈ જાય છે અને સંજયનો દાવ સંજય પર જ ઉંધો વાળે છે. પછી નાટક કેવા અવનવા વળાંક લે છે એ તો જોવાનું જ રહે છે.
દર મિનિટે હાસ્યનો ડબલ ડોઝ આપતું નાટક એટલે ‘પપ્પાની ધમાલ તો મમ્મીની કમાલ’. તેમાં પણ મુખ્ય ભૂમિકામાં મનોરંજનની મહારાણી કોમેડી ક્વીન લેડી અમિતાભ પ્રતિમા ટી હોય તો નાટકની એન્ટરટેનમેન્ટ વેલ્યુ તો જબરદસ્ત જ રહેવાની. ‘વહુ હાઈ ફાઈ તો સાસુ વાઈ ફાઈ’માં યુકે, યુરોપમાં સફળતાના નવા કિર્તિમાન રચનાર અને સૌથી વધુ વર્લ્ડ ટૂરનો રેકોર્ડ ધરાવનાર પ્રતિમા ટી ફરી આવી રહ્યા છે યુકેના પ્રેક્ષકોને જલ્સા કરાવવા. તેમની સાથે છે ટાઈમીંગના બાદશાહ જીતુ કોટક, દીકરા વહુની ભૂમિકામાં જય કાપડીયા અને ભક્તિ મણિયાર છે. અન્ય કલાકારોમાં આકાશ ઝાલા, કમલેશ દરજી અને અમાન ખાન મનોરંજનનો મોરચો સંભાળશે. ‘ગુજ્જુભાઈ રિટાયર થાય છે’, ‘બૈરી મારી બ્લડ પ્રેશર’, ‘ ગુજ્જુભાઈ ગોટાળે ચડ્યા’ અને ‘જયાં લક્ષ્મી ત્યાં નારાયણ’ જેવા નાટકોથી યુકેમાં લોકપ્રિયતાની નવી ઉંચાઈ સર કરનાર ઈમ્તિયાઝ પટેલ આ નાટકના પણ લેખક-દિગ્દર્શક છે. આસીફ પટેલના નિર્માણમાં બનેલા આ હાસ્યથી ભરપૂર આ નાટકને યુકે અને યુરોપની જનતા સુધી પહોંચાડવાનું આયોજન કર્યું છે ધ વન એન્ડ ઓન્લી પ્રમોટર પંકજ સોઢા અને તેમની કંપની ગેલેક્ષી શો એ. તો આપની ટિકિટ એડવાન્સમાં બુક કરાવો. ઘણાં શો હાઉસફુલ થવાની તૈયારીમાં છે.
વિગત માટે જુઓ જાહેરાત પાન.૧૩

