પ્રિયંકા નિક સગાઈના બંધને બંધાયા

Wednesday 22nd August 2018 08:19 EDT
 
 

બોલિવૂડની અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને અમેરિકાના જાણીતા ગાયક નિક જોનાસના સંબંધો અંગે ચાલી રહેલી તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ મુકાયું છે.બંનેએ મુંબઈના જૂહુસ્થિત પ્રિયંકાના નિવાસસ્થાનમાં પરંપરાગત પંજાબી રીતરિવાજ અનુસાર સગાઈ કરી હતી. આ પ્રસંગે નજીકનાં પરિવારજનો અને મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં નિક જોનાસનાં માતા-પિતા અને પ્રિયંકાની પિતરાઈ બહેન પરિણીતી ચોપરાનો સમાવેશ થતો હતો. પીળા રંગના પંજાબી ડ્રેસમાં પ્રિયંકા અત્યંત ખૂબસૂરત લાગતી હતી જ્યારે નિક જોનાસ પણ ભારતીય પરિધાન સફેદ કુર્તા-પાયજામામાં સજ્જ હતો. બંને ૪ કલાક સુધી ચાલેલી ગ્રહશાંતિ, ગણેશ પૂજા આરતી તથા હવન સહિતની વિધિમાં બેઠાં હતાં. ત્યારબાદ આ યુગલે તેમની તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ સ્ટાર યુગલ રોકાવિધિ પછી એક અનાથાશ્રમની બહાર દેખાયું હતું. ૧૯મી ઓગસ્ટે રાત્રે પ્રિયંકાના ઘરે સગાઈની ભવ્ય પાર્ટીનું આયોજન કરાયું હતું જેમાં બોલિવૂડની મોટી હસ્તીઓ પણ હાજર રહી હતી.


comments powered by Disqus