બદલાયેલા ભારત અને યુકે વચ્ચે ભાગીદારીનો નવો તબક્કો

- એલેકઝાન્ડર ઈવાન્સ, ભારતસ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઈ કમિશનર Wednesday 22nd August 2018 08:13 EDT
 
 

લંડનઃ ૧૯૫૦ના દાયકામાં ફેસબુક હોત તો ભારત અને બ્રિટન વચ્ચેનો પારસ્પરિક સંબંધ ‘જટિલ’ ગણાતો હોત. તે તબક્કામાં બન્ને દેશ વચ્ચે કામકાજને લગતો ખૂબ નજીકનો સંબંધ હતો. પરંતુ, હકીકત એ હતી કે ભારત તેને આઝાદીની ચળવળના પરિપ્રેક્ષ્યમાં જોતું હતું જ્યારે બ્રિટન બીજું વિશ્વયુદ્ધ પૂરું થયા પછી સામ્રાજ્યોત્તર ઓળખ ઉભી કરવા માગતું હતું.

૧૯૯૨માં હું જ્યારે પહેલી વખત ભારત આવ્યો ત્યારે મને લાગ્યું કે સંબંધ ઘણો આગળ વધી ગયો હતો. તે વખતે ભારતે આર્થિક ઉદારીકરણનો માર્ગ અપનાવ્યો હતો. યુકેમાં વસેલા પ્રવાસી ભારતીયો તેમાં ઘણું યોગદાન આપી રહ્યા હતા. તેમણે બન્ને દેશો વચ્ચેના સંબંધોનું કાયાકલ્પ કર્યું હતું. ભારતીયોની તે વખતની પેઢી માટે સારા અથવા ખરાબ પ્રસ્થાનનું કેન્દ્ર યુકે હતું અને તેનું સ્થાન રસપૂર્વક અમેરિકી ટેલિવિઝન નિહાળતી અને કેલિફોર્નિયાના આઈટી સેક્ટરના ઉદભવનો હિસ્સો બનવા માગતી પેઢી લઈ રહી હતી.

તે પછીના ૨૫ વર્ષ સુધી ભારત સાથે મારો સંબંધ રહ્યો. ૧૯૯૭માં એક વિદ્યાર્થી તરીકે હું દિલ્હી આવ્યો. દિલ્હીમાં ખૂબ ઝડપથી પરિવર્તન થઈ રહ્યું હતું. ત્યારે વસંત કુંજનો વિકાસ થતો હતો અને ગુડગાંવ બોલિવુડના સ્વપ્ન જેવું હતું. તે પછી તો વારંવાર ભારત આવવું અહીં આવ્યા પછી ખોવાઈ જવા જેવું લાગતું હતું.

૨૧મી સદીના પહેલા દાયકાની શરૂઆતમાં ભારત વધુ બદલાયું. ગ્રાહકવાદ વધ્યો. વિકાસ થયો. મહત્ત્વાકાંક્ષાઓ વધી અને નીતિવિષયક ચર્ચાઓનું આંતરરાષ્ટ્રીય ફલક પર વિસ્તરણ થયું. અગાઉ ભારતમાં વિદેશી ગ્રાન્ટથી ચાલતા ગણ્યાગાંઠ્યા થિંક ટેંક હતા. અત્યારે નીતિવિષયક મુદ્દા પર કામ કરનાર સ્થાનિક સમાજ તૈયાર થઈ રહ્યો હતો.

૨૦૧૫માં એક રાજદૂત તરીકે ભારત આવ્યો ત્યારે એ સ્પષ્ટ હતું કે યુકે અને ભારત વચ્ચેના સંબંધ બદલાઈ ગયા હતા. યુકેએ ભારત પ્રત્યેની વચનબદ્ધતા નિભાવીને ૨૦૦૨માં સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ભારતને કાયમી સભ્યપદ માટે સમર્થન આપ્યું હતું. યુકે પી-૫ દેશમાં આવું સમર્થન આપનાર પ્રથમ દેશ હતો. તે પછી તો વર્ષો વર્ષ દ્વિપક્ષીય વ્યાપાર વધતો ગયો. (હાલ માલસામાન અને સેવાઓ મળીને તે ૧૮ અબજ પાઉન્ડથી પણ વધી ગયો છે.) વ્યૂહાત્મક અને સુરક્ષા ક્ષેત્રમાં આપણા સંબંધ વધુ ગાઢ બન્યા છે. આપણે ભારતને નિશાન બનાવનારા આતંકી જૂથોને ઈયુ અને યુએનમાં પ્રતિબંધિત કરવામાં અગ્રણી ભૂમિકા ભજવી છે. આપણા હોક ટ્રેનિંગ, જેટ ૨૦૦૮થી ભારતીય વાયુદળમાં ટ્રેનિંગનો આધાર બની ગયા અને આપણો ઔદ્યોગિક સહયોગ મેક ઈન ઈન્ડિયા પ્રત્યે વચનબદ્ધતાથી સંચાલિત છે.

ભારત અને બ્રિટનના ટોચના વૈજ્ઞાનિકો અને વિદ્વાનોને જોડવા માટે સંયુક્ત સંશોધન કાર્યક્રમોની શ્રેણી શરૂ કરવામાં આવી. તે દરમિયાન લંડન શહેર ભારતમાં મૂડીરોકાણની દ્રષ્ટિએ મૂડી એકત્ર કરવા માટેનું કેન્દ્ર બની ગયું. બન્ને દેશ વચ્ચે ટેક્નિકલ સહયોગ પણ સતત વધી રહ્યો છે. ડિજિટલ ઈન્ડિયા ખૂબ પ્રભાવશાળી છે અને આ વાતના પુરાવા રૂપે હું અંગત રીતે પણ કહી શકું કે મારી દીકરીના જન્મના સર્ટિફિકેટને તૈયાર થતાં માત્ર દસ મિનિટમાં જ લાગી હતી.

ગયા એપ્રિલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને થેરેસા મે દ્વારા ટેક્નોલોજી ક્ષેત્રે જાહેર કરાયેલી નવી ભાગીદારીને લીધે બન્ને દેશના સૌથી વધુ નિષ્ણાત અને ઈનોવેશનલ વ્યક્તિઓ દ્વારા સાથે મળીને કામ કરવાનું અને શક્યતાઓ તથા ક્ષમતાઓની મર્યાદાઓને વિસ્તારવાનું સુનિશ્ચિત થશે.

વડા પ્રધાન મોદીની યુકેની બે સત્તાવાર મુલાકાત અને યુકેના વડા પ્રધાન થેરેસા મે તેમજ ભૂતપૂર્વ વડા પ્રધાન ડેવિડ કેમરનની ભારત મુલાકાતે દ્વિપક્ષીય સંબંધ કેટલું લાંબું અંતર નિશ્ચિત કરી ચૂક્યા છે તે દર્શાવ્યું છે. બન્ને દેશના સંબંધમાં ૧૯૯૦ના દાયકા બાદ આવેલા નાટ્યાત્મક પરિવર્તનનું મહત્ત્વ ઓછું આંકી શકાય નહીં. ભારતમાં મેં મારા પ્રવચનોમાં વારંવાર કહ્યું છે કે ૧૯૪૭થી જ ભારતે શું કરવું જોઈએ તે બતાવવાનું કામ બ્રિટને છોડી દીધું હતું. અત્યારે બન્ને સમાન ભાગીદાર છે. ગયા વર્ષે બન્ને દેશ વચ્ચે ૧૨ લાખ પ્રવાસ થયા અને પાંચ લાખથી વધુ બ્રિટિશ વિઝા જારી કરવામાં આવ્યા. ભારતના લોકોને ટીયર – ૨ વર્ક વિઝા ઈસ્યુ કરવામાં આવ્યા તે વિશ્વના બાકીના દેશો કરતાં વધુ હતા. હાલ યુકેમાં ગયા વર્ષની સરખામણીમાં મોટી સંખ્યામાં એટલે કે ૩૦ ટકા વધુ ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.

હાલ દુઃખી મનથી હું જે ભારતમાંથી વિદાય લઈ રહ્યો છું તે બદલાઈ ગયું છે. આ ભારત આત્મવિશ્વાસથી ભરેલું છે. તેના યુવાનો મહત્ત્વાકાંક્ષી અને સક્રિય છે. જે દુનિયામાં લોકશાહી મૂલ્ય પર સવાલો ઉઠી રહ્યા છે ત્યાં ભારતની લોકશાહી એક ઉજ્જવળ ઉદાહરણ રજૂ કરી રહી છે. આજે ભારત ભવિષ્યનો સામનો કરવા માટે તૈયાર ઉભું છે. યુકેની પણ આ જ સ્થિતિ છે. બ્રિટને યુરોપિયન યુનિયન છોડી દેવાનો નિર્ણય કર્યો છે. પરંતુ, તેની વૈશ્વિક ભૂમિકા અને સ્થિતિ પહેલા જેવી જ રહેશે. અમે વ્યાપાર કરનારા, હરવા ફરવા વાળા અને જોક સંભળાવનારા લોકો છીએ અને તેવા જ રહીશું.

હું આશાવાદ સાથે વિદાય લઈ રહ્યો છું. હું યુકે અને ભારતને આગામી ૭૦ વર્ષ સુધી એક એવા સંબંધ સાથે કામ કરતા જોવા માગું છું જે હકીકતમાં ભવિષ્યની દ્રષ્ટિ સાથેનો હોય. સંયુક્ત મૂલ્યો, સંયુક્ત હિતો અને વિશ્વ કલ્યાણ માટે સાથે મળીને કામ કરવાની રાજકીય પ્રતિબદ્ધતા સાથેનો એક સંબંધ. મને વિશ્વાસ છે કે આગામી વર્ષોમાં યુકે અને ભારતની ભાગીદારી વધતી અને વિકસતી રહેશે. આ વિશ્વાસ સાથે જ કહેવા માગું છું - ફરી મળીશું.


comments powered by Disqus