ભારતને મજબૂત અને યોગ્ય વિરોધ પક્ષની જરૂર

- સી બી પટેલ Wednesday 22nd August 2018 08:45 EDT
 

તંદુરસ્ત લોકશાહી માટે મજબૂત અને વિશ્વસનીય વિરોધ પક્ષ જરૂરી હોય છે. તેનું નેતૃત્વ પણ સક્ષમ નેતાના હાથમાં હોવું જોઈએ. મોવડીમંડળમાં પણ પ્રતિભાશાળી સભ્યો હોય તે આવશ્યક છે. ઈન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના ઘણાં સમય પહેલા ૧૮૮૫માં થઈ હતી અને આઝાદીના ૭૧ વર્ષમાં કોંગ્રેસે લગભગ છ દાયકા સુધી શાસન કર્યું હતું. નેહરુ વંશનું નેતૃત્વ જવાહરલાલ નેહરુએ અને મજબૂત મનોબળ ધરાવતા ઈન્દિરા ગાંધીએ અને ત્યાર પછી તેમના પુત્ર રાજીવ ગાંધીએ સંભાળ્યું હતું. યુપીએ સરકારના દસ વર્ષના શાસન દરમિયાન વિખ્યાત અર્થશાસ્ત્રી અને વિનમ્ર વ્યક્તિ ડો. મનમોહનસિંઘ વડા પ્રધાન પદે હતા. પરંતુ, હકીકતમાં તો કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી શાસક હતા.

અત્યારે તો ઐતિહાસિક વંશ ધરાવતા રાષ્ટ્રીય પક્ષનું અસ્તિત્વ ભારતના બે રાજ્ય અને નાના પ્રદેશો પૂરતું સીમિત થઈ ગયું છે. તે પણ અત્યાર સુધી કટ્ટર દુશ્મન રહેલા પ્રાદેશિક પક્ષોના સમર્થન પર આધારિત છે.

વાસ્તવિકતામાં તો રાહુલ ગાંધીએ જે કાર્ય કરવાનું છે તે ખૂબ ખૂબ પડકારજનક છે. તેઓ અમેરિકામાં હાર્વર્ડ,સિંગાપુર, બહેરીન અને અન્ય સ્થળોની મુલાકાત લઈ ચૂક્યા છે.

બ્રિટન માત્ર ભારત માટે જ નહીં પરંતુ, રાજકીય પક્ષો અને મહત્ત્વાકાંક્ષી રાજકારણીઓ માટે ખૂબ મહત્ત્વનું છે. યુકેમાં ૧.૫ મિલિયન ભારતીયો વસવાટ કરે છે અને તેઓ સાધનસંપન્ન અને સુશિક્ષિત છે. ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ને રાહુલ ગાંધીની ઉમેદવારી વિશે મુખ્ય ચિંતા વ્યક્ત કરતા સંખ્યાબંધ પત્ર અને સંદેશા મળ્યા. તેમાં ત્રણ બાબત મુખ્ય હતી. એક તો તેમની ક્ષમતા, બીજી તેમનો અનુભવ અને ત્રીજી તેમનો મિજાજ.

એકંદરે પ્રામાણિકપણે કહીએ તો તે વધુને વધુ મળતાવડા થઈ રહ્યા છે. પરંતુ, હજુ પણ તેમનામાં ગંભીરતા અને સાતત્યનો અભાવ હોય તેવું લાગે છે. અનુભવની બાબતે પ્રામાણિકપણે કહી શકાય કે તેમના વહીવટી નેતૃત્વના કૌશલ્યે ખૂબ ઓછું કહેવા માટે ઘણું પૂરવાર કરવું પડે તેમ છે. ભારતના ભાવિ વડા પ્રધાનના મિજાજ વિશે તો ભારતના લોકોને પત્રકાર પરિષદમાં કેબિનેટ નિર્ણયનો કાગળ ફાડી નાખવા જેવી તેમણે જાહેરમાં અચાનક આપેલી કેટલીક પ્રતિક્રિયા યાદ આવી જાય છે.

ભારતમાં સામાન્ય ચૂંટણી આડે લગભગ આઠ મહિના બાકી છે ત્યારે આપણે વધુ એક સૂચન કરીએ. વિપક્ષ શા માટે લોકપ્રિય વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની હાલની ભારત સરકારના ઉદેશો, દાવા અને વાસ્તવિકતાની ચકાસણી કરવા કાબેલ અગ્રણી લોકોના રિસર્ચ ગ્રૂપની રચના ન કરી શકે ? આખરે એ પણ યાદ રાખવું જોઈએ કે અસંખ્ય પડકારો અને વિરોધાભાસ વચ્ચે ચાર વર્ષ સુધી દેશનું શાસન ચલાવ્યા બાદ Pew રિસર્ચ મુજબ તેમની લોકપ્રિયતા ૭૪ ટકા છે.

રાહુલ ગાંધીને તે દેશને ખાતર સીધા ચઢાણવાળો પર્વત ચઢવાનો છે. કેમ નહીં ? તેમને નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરવા દઈએ. તેમને આપણી શુભેચ્છા.


comments powered by Disqus