લંડનઃ હિન્દુ સ્વયંસેવક સંઘ યુકે દ્વારા પ્રથમ પાર્લામેન્ટ આઉટરીચ કાર્યક્રમનું ૯ ઓગસ્ટે આયોજન કરાયું હતું. પાર્લામેન્ટમાં શું થાય છે, કાયદા ઘડવા પાર્લામેન્ટ કેવી રીતે કામ કરે છે, ચર્ચાના મુદ્દાઓ, દેશ ચલાવવા માટે ટેક્સ તરીકે લેવાયેલા નાણાં આપણા વતી ખર્ચવાનો નિર્ણય કેવી રીતે લેવાય છે, તે સહિતના વિષયો પાર્લામેન્ટ એજ્યુકેશન તેમજ ‘પીપલ, પાવર, એન્ડ પાર્લામેન્ટ-હાઉ પાર્લામેન્ટ વર્ક્સ’ નામે આઉટરીચ ટીમના સહકારથી આયોજિત આ કાર્યક્રમમાં આવરી લેવાયા હતા. પાર્લામેન્ટમાં કરાતું મતદાન અને નિર્ણયો આપણને સહુને અસર કરે છે. આથી, પાર્લામેન્ટમાં ભાગ લેવો અને મત આપવો તે આપણી ફરજ છે. એક રસપ્રદ બાબત એ છે કે ૨૦૧૭ની સામાન્ય ચૂંટણીમાં ફાઈફ નોર્થ ઈસ્ટની પાર્લામેન્ટરી બેઠક માત્ર બે વોટથી જીતાઈ હતી.
મતાધિકારનો પ્રશ્ન પણ પૂછાયો
પિન્નેરના ૧૭ વર્ષના ધ્રુવ કદમે વર્તમાન ક્વીને કદી બિલ ફગાવી દીધું છે કેમ તે પ્રશ્નનો નકારમાં ઉત્તર અપાયો હતો કારણકે ક્વીન સરકારની સલાહ અનુસરે છે. ૨૦ વર્ષીય ઈશ્વરીએ જાણવા માગ્યું હતું કે યુકેની સામાન્ય ચૂંટણીમાં કોમનવેલ્થના નાગરિકો મત આપી શકે કે કેમ? લાયકાત ધરાવતા કોમનવેલ્થ નાગરિકો મત આપી શકે પરંતુ, વિચિત્ર બાબત એ છે કે હાઉસ ઓફ લોર્ડ્સના સભ્યો મત આપી શકતા નથી! એક વાત એ પણ જાણવા મળી કે ક્વીન મત આપી શકતાં નથી!
પાર્લામેન્ટમાં કારકીર્દિ બનાવવાની તક
સરકારી ખાતાંઓ અને પાર્લામેન્ટમાં કારકીર્દિ બનાવવાની તક પણ યુવા વર્ગ પાસે છે. વકીલો, હેન્સાર્ડ રિપોર્ટર્સ, સોશિયલ મીડિયા ઓફિસર્સ, અર્થશાસ્ત્રીઓ, સાંસદ અથવા ઉમરાવના પાર્લામેન્ટરી આસિસ્ટન્ટ્સ અને ક્યુરેટર્સ સહિતની પોઝીશન્સ મેળવી શકાય છે. પાર્લામેન્ટમાં તક વિશે પાર્લામેન્ટ વેબસાઈટ https://www.parliament.uk/about/working/ one પરથી વધુ માહિતી જાણી શકાશે.
પાર્લામેન્ટમાં રક્ષાબંધન પર્વની ઉજવણી પણ કરાઈ હતી. સૌથી નાની ૧૨ વર્ષીય બાળા આશાએ શાર્લોટના મસ્તકે તિલક કરી પ્રેમ અને સુરક્ષાની ભાવના સમાન રાખી હાથ પર બાંધી મિત્રતા અને શુભેચ્છાની ચેષ્ટારુપે સુગર કેન્ડી ખવડાવી હતી. હિન્દુ યુવા પેઢીએ પાર્લામેન્ટમાં સક્રિય ભાગ લઈ આપણા મૂલ્યો તેમજ અવાજના રક્ષણની પ્રતિજ્ઞા લીધી હતી. કદાચ આ યુવા સમૂહમાંથી કોઈ યુકેનો પ્રથમ હિન્દુ વડા પ્રધાન પણ હોઈ શકે છે. કથા ઉપનિષદમાંથી સ્વામી વિવેકાનંદે કહેલા અમર શબ્દો ‘उत्तिष्ठत जाग्रत, Arise Awake’ બ્રિટનના હિન્દુઓ માટે વધુ સુસંગત બની રહેશે.

