લંડનઃ ઓક્સફર્ડ સેન્ટર ફોર હિન્દુ સ્ટડીઝ (OCHS) દ્વારા ૨૦મી વર્ષગાંઠ ઉજવાઈ રહી છે ત્યારે તેના શૈક્ષણિક વર્ષ ૨૦૧૭- ૨૦૧૮નો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. સંસ્થાના ડાયરેક્ટર શૌનક ઋષિ દાસના જણાવ્યા અનુસાર આ વાર્ષિક રિપોર્ટમાં એકેડેમિક સ્ટાફનું વિસ્તરણ, બિલ્ડિંગ વૃંદાવન કોન્ફરન્સ અને શાક્ત પરંપરા વિશે પરિસંવાદ, સતત શિક્ષણ વિભાગ અને નવા અભ્યાસક્રમો તેમજ ભૂમિ પ્રોજેક્ટ તેમજ પર્યાવરણીય પરિવર્તન સંદર્ભે હિન્દુઓના પ્રતિભાવનો પણ સમાવેશ કરાયો છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૧૭- ૨૦૧૮માં હિન્દુ સ્ટડીઝના સંશોધન અને શિક્ષણ સંદર્ભે નોંધપાત્ર વૃદ્ધિ જોવા મળી છે. OCHSના એકેડેમિક ડાયરેક્ટર તરીકે પ્રોફેસર ગેવિન ફ્લડની પુનઃ નિયુક્તિ સાથે ચાર એકેડેમિક નિયુક્તિ કરાઈ છે. આ સાથે સંસ્થાના રિસર્ચ પ્રોજેક્ટ્સને બળ મળશે. હિન્દુ પરંપરાઓના અભ્યાસના કેન્દ્ર તરીકે OCHSઆંતરરાષ્ટ્રીય વિદ્વાનોને આકર્ષી રહેલ છે. સંશોધન પ્રોજેક્ટ્સમાં ‘શાક્ત પરંપરાઓ રિસર્ચ પ્રોજેક્ટ’, ‘આધુનિક કાળમાં બંગાળી વૈષ્ણવવાદ’), ‘ભાગવત પુરાણ રિસર્ચ પ્રોજેક્ટ’નો સમાવેશ થાય છે.
રિસર્ચ પ્રોજેક્ટ્સને આગળ વિકસાવવા OCHS દ્વારા મહત્ત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ ‘ધ બિલ્ડિંગ ઓફ વૃંદાવન’નું આયોજન કરાયું હતું, જેના દ્વારા ગોસ્વામી એરા રિસર્ચ પ્રોજેક્ટ સત્તાવાર લોન્ચ કરાયો હતો. આ ઉપરાંત, શાક્ત ટ્રેડિશન્સ પ્રોજેક્ટ, મોડર્ન બંગાલી વૈષ્ણવીઝમ પ્રોજેક્ટ તેમજ નવા થીમ્સ ઈન ઈન્ડિયન ફીલોસોફી પ્રોજેક્ટ અંગે પરિસંવાદો પણ યોજાયા હતા. વિશ્વભરના વિદ્વાનો OCHSના વિવિધ રિસર્ચ પ્રોજેક્ટ્સ સાથે સંકળાઈ રહ્યા છે. શાક્ત ટ્રેડિશન્સ પ્રોજેક્ટમાં રૂઢિચુસ્ત બ્રાહ્મણો, તાંત્રિક પરંપરા અને સાઉથ એશિયાના ગામોમાં દેવીપૂજાના ઈતિહાસને શોધવાનું કાર્ય છે. શાક્ત ઈતિહાસ, પ્રથાઓ અને સિદ્ધાંત તથા ધાર્મિક કલ્પનાઓ અને વિધિવિધાનનાં મૂળ અને વિકાસની ચર્ચા પરિસંવાદમાં કરાઈ હતી.
ધ કન્ટિન્યુઈંગ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનું વિસ્તરણ થયું છે, જેમાં લંડન અને ઓક્સફર્ડમાં નવી નિયમિત ડે સ્કૂલ્સ અને સમર સ્કૂલ્સ લોન્ચ કરાઈ રહી છે. આ સાથે નવા ઓનલાઈન અભ્યાસક્રમો પણ વિકસાવાઈ રહ્યા છે. ચાર નવા કોર્સીસમાં ઈન્ટ્રોડક્શન ટુ હિન્દુ ફીલોસોફી, ઈન્ટ્રોડક્શન ટુ સંસ્કૃત, હિન્દુ ટેમ્પલ્સ અને હિન્દુ ડિવોશનલ મ્યુઝિક એન્ડ ચાન્ટનો પરિચયનો સમાવેશ કરાયો છે. એક્ટિવ ડેવલપમેન્ટમાં સંસ્કત કોર્સનો બીજો ભાગ, ગોડ ઈન ધ ગીતા, હિસ્ટરી ઓફ યોગ તેમજ હિન્દુઈઝમ એન્ડ ઈકોલોજી સહિત નવા આઠ અભ્યાસક્રમ મૂકાયા છે. આ વર્ષે ઓનલાઈન કોર્સીસમાં ૭૩૪ નોંધણી થઈ હતી, જે ગત વર્ષ કરતાં ૧૫ ટકાનો વધારો દર્શાવે છે.
ઉત્તર ભારતના યાત્રાસ્થળોમાં વૃંદાવન વિશેષ સ્થાન ધરાવે છે. ભગવાન શ્રી કૃષ્ણની યુવાનીની પવિત્ર ભૂમિ અને મંદિરોના દર્શને હજારો યાત્રાળુઓ દર વર્ષે આવે છે. ઓક્સફર્ડમાં બે દિવસની ‘ધ બિલ્ડિંગ ઓફ વૃંદાવન’ કોન્ફરન્સનું આયોજન ડો. કિયોકાઝુ ઓકિતા અને ડો. રેમ્બર્ટ લૂટેહાર્મ્સ દ્વારા કરાયું હતું. OCHSના ‘ધ ગોસ્વામી એરા’ રિસર્ચ પ્રોજેક્ટમાં વંદાવનના ઈતિહાસ, સ્થાપત્યશૈલી, કળા, વિધિવિધાન, થીઓલોજી અને સાહિત્યનો અભ્યાસ કરવા વિવિધ શાખાઓનાં વિદ્વાનોએ આ વર્કશોપમાં ભાગ લીધો હતો.
વિશ્વના ઊર્જામાં નબળાં વિસ્તારોમાં રીન્યુએબલ એનર્જીના ઉપયોગમાં રોકાણ કરવા હિન્દુઓને ગતિશીલ બનાવવા માટેનો ભૂમિ પ્રોજેક્ટ રીન્યુએબલ એનર્જી કેમ્પેઈન ‘શાઈન’નો પાર્ટનર છે. આ કેમ્પેઈનનો આરંભ પોર્ટુગલના લિસ્બનમાં મે ૨૦૧૮માં કરાયો હતો. ભૂમિ પ્રોજેક્ટે ભારતમાં હિન્દુ સંસ્થાઓ રીન્યુએબલ એનર્જીને અપનાવી અને હિમાયત કરી રહી છે તેનો રિપોર્ટ તૈયાર કરવાની કામગીરી હાથમાં લીધી છે.

