સ્ત્રીઓ પતિને ડાઈવોર્સ કેમ આપે છે?

ડાઈવોર્સના કારણમાં છેતરપીંડીનો પહેલો નંબર નથી

Wednesday 22nd August 2018 08:06 EDT
 
 

લંડનઃ ભલે એમ કહેવાતું હોય કે લગ્નો સ્વર્ગમાં નક્કી થાય છે પરંતુ, ડાઈવોર્સ તો ધરતી પર જ થાય છે. પહેલી નજરનો પ્રેમ હોય કે માતાપિતાએ કરાવેલા એરેન્જ્ડ મેરેજ હોય, ડાઈવોર્સ થવાની શક્યતા કે જોખમ રહેલાં જ છે. હવે પડ્યું પાનું નિભાવી લેવાની કે સાત જનમના સાથ જેવી વાત રહી નથી. આમ જોઈએ તો વર્તમાન યુગમાં ત્રીજા ભાગના લગ્નો ડાઈવોર્સમાં પરિણમે છે. ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટિક્સના ડેટા અનુસાર ઈંગ્લેન્ડ અને વેલ્સમાં વર્ષ ૨૦૧૬માં ૧૦૬,૯૫૯ વિજાતીય દંપતીએ છૂટાછેડા લીધા હતા. ડાઈવોર્સના મુખ્ય કારણોમાં પતિ-પત્ની વચ્ચે મનમેળ ન હોવો, બંનેના જીવનમાં એકસમાન લક્ષ્ય ના હોવું, બેવફાઈ, હિંસા અને સતત ઝઘડા કે દલીલબાજીનો સમાવેશ થાય છે. જોકે, સૌથી આશ્ચર્યજનક કારણ તો એકબીજાથી કંટાળી જવાનું પણ છે.

લગ્નનાં ભંગાણના કારણો જાણવા ડાઈવોર્સ પામેલા અને સિંગલ પેરન્ટ્સ માટેની ડેટિંગ સર્વિસ ‘Next Love’ દ્વારા તેની વેબસાઈટ પર ૪૩,૦૦૦ મહિલાનો સર્વે કરવામાં આવ્યો હતો. સર્વે અનુસાર જીવનમાં અલગ લક્ષ્ય, બેવફાઈ કે વ્યભિચાર અને સતત દલીલબાજી મુખ્ય ત્રણ કારણો છે, જેના લીધે સ્ત્રીઓ નવા સંબંધોમાં જોડાવા પ્રેરાય છે.

સ્ત્રી અને પુરુષના જીવનના લક્ષ્ય અલગ અલગ હોય તો એકબીજામાં રસ રહેતો નથી. આના પરિણામે, તેઓ બેવફાઈ આચરવા તરફ દોરાય છે, જે લગ્નવિચ્છેદનું બીજું મોટું કારણ છે. મોટા ભાગે પતિની બેવફાઈ કે વ્યભિચારથી ત્રાસીને સ્ત્રીઓ ડાઈવોર્સ લેવા ઈચ્છે છે. સર્વે અનુસાર ૨૯.૨ ટકા સ્ત્રીએ લગ્નમાંથી બહાર નીકળવા વ્યભિચારનું કારણ દર્શાવ્યું હતું.

લગ્નજીવનમાં સતત ઝઘડાનો માહોલ, એકબીજા પ્રત્યે કચવાટ અને દલીલબાજી પતિઓ સાથે ડાઈવોર્સ લેવાનું ત્રીજું મુખ્ય કારણ છે, જેને ૧૦.૯ ટકા સ્ત્રીએ જવાબદાર ઠેરવ્યું હતું. હવે સતત કચવાટ કે દલીલબાજીનો માહોલ રહેતો હોય ત્યાં પતિ અને પત્ની વચ્ચે આત્મીયતાની લાગણી કેવી રીતે વહી શકે? લગ્નજીવનના બે પાર્ટનર વચ્ચે આત્મીયતાનો અભાવ ડાઈવોર્સનું ચોથું મુખ્ય કારણ છે. આત્મીયતા ન હોય તો સાથે રહેવાનો અર્થ પણ શું? જો ઘરમાં પતિ પાસેથી આત્મીયતા ન મળતી હોય તો સ્વાભાવિક છે કે સ્ત્રી બીજેથી આવી લાગણી મેળવવા દોડી જઈ શકે છે. આના પરિણામે, લગ્નમાં ભંગાણ સર્જાય છે.

પતિ અને પત્ની એ પુરુષ અને પ્રકૃતિ જ છે. લગ્નજીવનમાં સેક્સનું પરિમાણ મહત્ત્વ ધરાવે છે. ઘણી સ્ત્રીઓ બેડરુમમાં રોમાંચકતા અને સક્રિય સેક્સ લાઈફ ઈચ્છતી હોય તેમાં ખોટું નથી. આખરે તો સ્ત્રીની પણ શારીરિક જરુરિયાત હોય જ છે. તે જાહેરમાં આનું પ્રદર્શન કરતી નથી તે અલગ બાબત છે. આમ છતાં, જો ઘરમાં આવું જીવન ન મળે તો બીજેથી મેળવવા ઈચ્છશે. આના પરિણામે પણ લગ્નવિચ્છેદ સર્જાય છે. એક રીતે જોઈએ તો, આ બધી બાબતો એકબીજા સાથે વણાયેલી છે. ડાઈવોર્સનું પાંચમુ કારણ માનસિક બીમારી છે. ૫.૬ ટકા સ્ત્રીએ તેને ડાઈવોર્સ માટેનું કારણ ગણાવ્યું હતું. માનસિક આરોગ્ય સારું ન હોય તેવા પાર્ટનર સાથે જીંદગી વીતાવવી દુષ્કર અને મોટો પડકાર બની રહે છે. જાળવી રાખવાના શ્રેષ્ઠ પ્રયાસો છતાં તણાવ હેઠળ લગ્નજીવન ભાંગી પડે છે.

આ પછીનું છઠ્ઠું કારણ પતિનો ગેરવર્તાવ છે. પાંચ ટકા સ્ત્રીએ ટાઈવોર્સ માટે ગેરવર્તનને કારણભૂત ગણાવ્યું હતું. સંવેદનાત્મક, નાણાકીય અથવા તો શારીરિક ગેરવર્તાવ મૂળભૂતપણે અસ્વીકાર્ય જ બની રહે છે.

પતિ અને પત્નીના સંબંધોને ખતમ કરી નાખનારું સાતમું આશ્ચર્યજનક કારણ બોરડમ અથવા તો કંટાળાનું છે. સર્વેમાં ૪.૨ સ્ત્રીએ આપેલા કંટાળાના કારણ મુદ્દે યુનિવર્સિટી ઓફ વિનિપેગના સંશોધકો કહે છે કે લોકો પોતાના સંબંધો સામાન્યપણે ‘નિરુત્સાહી’ તરીકે વર્ણવે છે.

શારીરિક શોષણ કે અત્યાચારનું આઠમુ કારણ વધુ ગંભીર છે. સ્ત્રીઓ પુરુષના અત્યાચારના કારણે દુઃખી અને જોખમી વાતાવરણમાં દૂર થઈ જવાનું પસંદ કરે તેમાં કોઈ આશ્ચર્ય નથી. બાકીના બે મુખ્ય કારણો પારિવારિક અને નાણાકીય સમસ્યાના રહે છે, જે જિંદગી સાથે જીવવા માટે મહત્ત્વના જ ગણાય.

ડાઈવોર્સ લેવા પાછળના ૧૦ મુખ્ય કારણો

() જીવનમાં અલગ ધ્યેય

() બેવફાઈ

() સતત ઝઘડા થવા

() આત્મીયતાનો અભાવ

() માનસિક બીમારી

() ગેરવર્તાવ

() કંટાળો -બોરડમ

() શારીરિક શોષણ-અત્યાચાર

() ઘરેલુ-પારિવારિક સમસ્યાઓ

(૧૦) નાણાકીય-આર્થિક સમસ્યાઓ


comments powered by Disqus