લંડનઃ બ્રિટનના સૌથી પુરાણા એશિયન ડાયસ્પોરાના પ્રકાશનો ગુજરાત સમાચાર અને એશિયન વોઈસ દ્વારા લંડનના ગ્રોવનર હાઉસમાં ૧૮મા એશિયન એચીવર્સ એવોર્ડ્સનું આયોજન શુક્રવાર, ૧૪ સપ્ટેમ્બરે કરાયું છે ત્યારે બ્રિટનની કોમ્યુનિટીઓના વૈવિધ્યની સાચી ઉજવણી નિહાળવા મળશે. આ ભવ્ય કાર્યક્રમમાં બિઝનેસ માંધાતાઓ, ઉદ્યોગસાહસિકો, ઉદ્યોગપતિઓ, વરિષ્ઠ વ્યાવસાયિકો, સેલેબ્રિટીઝ, પાર્લામેન્ટ અને યુનિફોર્મ્ડ સર્વિસીસના સભ્યો સહિત ૮૦૦થી વધુ આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહેશે.
બ્રિટિશ જીવનના અવિભાજ્ય હિસ્સો બની રહેલી એશિયન કોમ્યુનિટી દેશના ભાવિના ઘડતરમાં સતત મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહી છે. પીપલ્સ ચોઈસ એવોર્ડ તરીકે લોકપ્રિય બનેલા એશિયન એચીવર્સ એવોર્ડ્સ વૈવિધ્યપૂર્ણ પશ્ચાદભૂ અને પ્રોફેશન્સમાં કાર્યરત સાઉથ એશિયન વ્યક્તિઓની અસાધારણ કામગીરી અને સિદ્ધિઓને બિરદાવવાની ઉજવણી કરે છે.
શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારો વિશેષતઃ ભારત, બાંગલાદેશ, પાકિસ્તાન, શ્રીલંકા સહિતની વિવિધ સાઉથ એશિયન કોમ્યુનિટીઝ દ્વારા પ્રતિનિધિત્વ કરાતા વર્તમાન બહુસાંસ્કૃતિક અને વૈવિધ્યપૂર્ણ બ્રિટનના સાચા ધબકારને ઉજાગર કરતા પ્રતીક છે. શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોની સંપૂર્ણ યાદી આ સાથે સામેલ કરવામાં આવી છે.
ધ એશિયન એચીવર્સ એવોર્ડ્સના ચેરમેન તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના પ્રકાશક/તંત્રી, સી.બી. પટેલે જણાવ્યું હતું કે,‘આ વર્ષના નોમિનીઝની ટુંકી યાદી જાહેર કરતા હું હર્ષ અનુભવું છું. આ દરેક નોમિની એશિયન કોમ્યુનિટીને બ્રિટિશ જીવનના કેન્દ્રરુપ તખતા પર લાવવા માટે એકલપંડે જવાબદાર છે. તેઓ આપણા બધા માટે અને ભાવિ પેઢીઓ માટે પ્રેરણારુપ આદર્શ છે. ધ એશિયન એચીવર્સ એવોર્ડ્સ આધુનિક બ્રિટનનાં સમૃદ્ધ સાંસ્કૃતિક વૈવિધ્યની ઉજવણી કરે છે અને તે આ પ્રકારના એકમાત્ર એવોર્ડ્સ છે જેના વિજેતાનો નિર્ણય સ્વતંત્ર પેનલ તેમજ ગુજરાત સમાચાર અને એશિયન વોઈસના વાચકો દ્વારા કરવામાં આવે છે. પોતાના ક્ષેત્રોમાં હરણફાળ ભરી રહેલી અસામાન્ય વ્યક્તિઓનાં નોંધપાત્ર ફલકમાંથી વિજેતાઓની પસંદગી કરવાનો પડકારરુપ નિર્ણય નિર્ણાયકગણ સામે રહે છે.’
એશિયન એચીવર્સ એવોર્ડ્સ લોન્ચ કરાયા પછી વિવિધ ચેરિટીઝ માટે લાખો પાઉન્ડ એકત્ર કરવામાં તે મદદરુપ બનેલ છે અને આ વર્ષે પસંદગીના ચેરિટી પાર્ટનર યુકેમાં મસ્તક અને ગરદનના કેન્સર વિશે સંશોધનને ભંડોળ આપવામાં સમર્પિત અગ્રણી ચેરિટી ઓરેકલ કેન્સર ટ્રસ્ટ છે.
ગત ૧૦ વર્ષના સમયગાળામાં મસ્તક અને ગરદનના કેન્સરથી પીડાતા દર્દીઓને તત્કાળ અને લાંબા ગાળાની આડઅસરો ઓછી રહે તેવી નવી અને સુધારેલી સારવારો શોધવા માટે વિશ્વસ્તરીય સંશોધન કાર્યક્રમો માટે ઓરેકલ દ્વારા ૫ મિલિયન પાઉન્ડથી વધુ રોકાણ કરવામાં આવ્યું છે. મસ્તક અને ગરદનના કેન્સરની સારવારના ક્ષેત્રમાં વિશ્વના કેટલાક અગ્રણી નિષ્ણાતોના વડપણ હેઠળ ઓરેકલના પ્રણેતારુપ સંશોધનકાર્યના પરિણામસ્વરુપ નવી સર્જિકલ ટેક્નિક્સ, રેડિયોથેરાપી સારવાર, સ્પીચ અને ભાષાની થેરાપી, ઔષધોના વિકાસ તેમજ વાયરસ અને ઈમ્યુનોથેરાપીઝ વિકસાવવામાં નોંધપાત્ર સફળતા પ્રાપ્ત થઈ છે.
ધ એશિયન એચીવર્સ એવોર્ડ્સ તેના મીડિયા પાર્ટનર તરીકે કલર્સ ટીવીના સાથ માટે ગૌરવ અનુભવે છે.
જો આપ પ્રતિષ્ઠિત એશિયન એચીવર્સ એવોર્ડ્સ સમારંભમાં હાજરી આપવા ઈચ્છતા હો તો તમારી ટિકિટના બુકિંગ કરાવવા [email protected] ને ઈમેઈલ કરશો અથવા 020 7749 4085 પર કોલ કરી સંપર્ક સાધશો.
૨૦૧૮ માટે શોર્ટલિસ્ટ કરાયેલા ઉમેદવારોઃ
યુનિફોર્મ અને સિવિલ સર્વિસીસ
કુલદીપસિંહ ભામરાઃ ઈસ્ટ મિડલેન્ડ઼્સ એમ્બ્યુલન્સ સર્વિસ (EMAS)ના ટેક્નિશિયન, જેમણે વિશિષ્ટ સેવાઓ માટે ક્વીન્સ એમ્બ્યુલન્સ સર્વિસ મેડલ પ્રાપ્ત કર્યો છે.
ચીફ સુપ્રિ. બાસ જાવિદઃ ગલ્ફ વોરના પીઢ સૈનિક અને વેસ્ટ મિડલેન્ડ્સ પોલીસ ફોર્સના સૌથી વરિષ્ઠ ઓફિસર.
આસિ. કમિશનર નીલ બાસુઃ યુકેના કાઉન્ટર ટેરરિઝમ પોલીસિંગના વડા.
ચીફ સુપ્રિ. રાજ કોહલીઃ હંસલોના ચીફ સુપ્રિન્ટેન્ડન્ટ અને બરો કમાન્ડર.
એન્ટ્રેપ્રીન્યોર ઓફ ધ યર
આદર્શ રાડીઆઃ ડિશૂમ, ટેલીનોમિક્સ, વાઈડરપૂલ અને KITE સહિત વિવિધ સફળ બિઝનેસીસના સહસ્થાપક
અક્ષય રુપારેલિઆઃ Doorstepsના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર.
સાઈ લક્ષ્મીઃ Echo ના સહસ્થાપક અને સીઈઓ.
શીઝા શાહઃ UpEffect ના સ્થાપક અને સીઈઓ.
વુમન ઓફ ધ યરઃ
ડેમ પ્રતિભા લક્ષ્મણ ગાઈ DBE: બ્રિટિશ માઈક્રોસ્કોપિસ્ટ, પ્રોફેસર અને ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપીના અધ્યક્ષ, તેમજ યુનિવર્સિટી ઓફ યોર્કના ફીઝિક્સ અને કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાં યોર્કJEOL નેનો સેન્ટરના ડાયરેક્ટર.
હેઈડી રેહમાનઃ સફળ ઈ-કોમર્સ એક્ઝિક્યુટિવ.
સોનાલી નાઈક QC: ૧૯૯૧માં બારમાં સ્થાન મેળવ્યાં પછી ૫ વર્ષ સુધી સેક્ટરમાં કામ કર્યું. તૃષ્ણા ભારડીઆઃ સ્પેનિશ-ઈંગ્લિશ અનુવાદક અને બિઝનેસ ઈન્ટેલિજન્સ કંપની માટે એનાલિસ્ટ. હેલ્થકેર યાત્રામાં પેશન્ટનો અવાજ, શિક્ષણ સુધારણા તેમજ અક્ષમતા અને દીર્ઘ બીમારીઓ વિશે જાગૃતિ વધારવામાં કાર્યરત. અક્ષમતા સંદર્ભે BAME કોમ્યુનિટીઝને ટેકો આપે છે.
પ્રોફેશનલ ઓફ ધ યર
ડો. અનિલ કુમાર ઓહરીઃ રીજેન્ટ્સ પાર્ક હેલ્થકેર (RPH)ના સીઈઓ.
ડો. કૈલાસ ચંદ OBE: NHS માં હાઈ પ્રોફાઈલ જીપી. બ્રિટિશ મેડિકલ એસોસિયેશન (BMA) અને બ્રિટિશ એસોશિયેશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરીજિન (BAPIO)માં વરિષ્ઠ ભૂમિકાઓ ભજવી છે.
ડો. શફી અહેમદઃ સર્જન, શિક્ષક, ફ્યુચરિસ્ટ, ઈનોવેટર અને એન્ટ્રેપ્રીન્યોર.
પ્રિયા ગુહાઃ બ્રિટિશ બિઝનેસ એક્ઝિક્યુટિવ, હાલમાં લંડનમાં Rocketspaceના ઈકોસિસ્ટમ જનરલ મેનેજર તરીકે કાર્યરત.
મીડિયા આર્ટ્સ અને કલ્ચર
બબિતા શર્માઃ બીબીસી ન્યૂઝ ટીવી ચેનલ અને બીબીસી વર્લ્ડ ન્યૂઝમાં બ્રિટિશ ટેલિવિઝન ન્યૂઝરીડર. મંગળવારથી બુધવાર સુધી લંડન તેમજ સિંગાપોરમાં રિકો હિઝોન સાથે ‘Newsday’ની પ્રેઝન્ટર.
જેમ્સ કૃષ્ણા ફ્લોઈડઃ બ્રિટિશ મૂળના અભિનેતા, જેમણે વિવિધ રાષ્ટ્રીયતાના પાત્રો ભજવીને નોંધપાત્ર પ્રશંસા પ્રાપ્ત કરી છે.
નોમિઆ ઈકબાલઃ બીબીસી ન્યૂઝમાં ૨૦૦૮થી પ્રેઝન્ટર અને જર્નાલિસ્ટ. બીબીસી વર્લ્ડ સર્વિસના ‘Newsday’ માટે પ્રસિદ્ધ પ્રેઝન્ટર.
સૌરવ દત્તઃ ઈન્ડિયાઝ ડોટર ડોક્યુમેન્ટરીથી પ્રેરિત નવલકથા ‘The Butterfly Room’ માટે પ્રસિદ્ધ બ્રિટિશ ભારતીય લેખક અને નવલકથાકાર, સ્વતંત્ર ફિલ્મ નિર્માતા, ગ્રાફિક નોવેલ રાઈટર, જર્નાલિસ્ટ અને પરોપકારી.
બિઝનેસ પર્સન ઓફ ધ યર
અજિત જયાવિક્રમાઃ Turtle Bayના સ્થાપક અને મેનેજિંગ ડાયરેક્ટર.
રિશી ખોસલાઃ ACORN OakNorthના સહસ્થાપક.
રાજ માનકઃ સ્ટેનમોર કોન્ટ્રાક્ટર્સ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર.
શેઝાદ હુસૈનઃ મદિના ડેરી લિમિટેડના ડાયરેક્ટર.
સ્પોર્ટ્સ પર્સનાલિટી ઓફ ધ યર
અમર વિર્દીઃ સરે કાઉન્ટી માટે રમતો ૨૦ વર્ષીય ક્રિકેટર.
અનૌશે હુસૈનઃ પેરાક્લાઈમ્બર, જેણે માત્ર એક વર્ષની ટ્રેનિંગ સાથે યુકેમાં દ્વિતીય ક્રમાંક હાંસલ કર્યો છે.
માયા વિઓઃ ટોટેનહામ હોટ્સપુર લેડીઝ માટે મિડફિલ્ડર તરીકે રમતી પ્રોફેશનલ ફૂટબોલર.
પરાગ પટેલઃ સ્પોર્ટ શૂટર અનેલંડનની કિંગ્સ્ટન હોસ્પિટલમાં ENT કન્સલ્ટન્ટ તરીકે કાર્યરત.
કોમ્યુનિટી સર્વિસીસ
આઈના ખાન OBE: ધારાશાસ્ત્રી અને લગ્નના કાયદામાં સુધારા માટે ‘Register Our Marriage’ અભિયાનના ડાયરેક્ટર તેમજ લો સોસાયટીની એડવાન્સ્ડ ફેમિલી પેનલના સભ્ય.
અનવર ખટ્ટક BEM: વંચિત બાળકોને કામમાં પરોવાયેલા રાખવા અને વડીલો સાથે રચનાત્મક સમય પસાર કરવાના પ્રયાસરુપે ફૂટબોલને પ્રમોટ કરતી બર્મિંગહામ યુથ સ્પોર્ટ એકેડેમી (BYSA)ના કેમ્પેઈનર.
મોહમ્મદ ઈશાક MBE: પંજાબ કિચનના પ્રણેતા, સ્વાસ્થ્યપ્રદ આહારની જરૂર ધરાવતા વિશિષ્ટ અથવા બીમારી પછી સાજા થઈ રહેલા પેશન્ટ્સ તેમના ગ્રાહકો હતા.
પોપી જમાન OBE: મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઈડ (MHFA) ઈંગ્લેન્ડના સીઈઓ અને મેન્ટલ હેલ્થ સેક્ટરમાં નોંધપાત્ર સેવાઓ માટે પ્રસિદ્ધ.

