લંડનઃ ભારતમાંથી ૫૭ વર્ષ અગાઉ ચોરાયેલી ભગવાન બુદ્ધની ગુપ્તકાળ પછીની ૧૨મી સદીની કાંસ્ય મૂર્તિ ઈન્ડિયા હાઉસમાં ભારતના સ્વાતંત્ર્ય દિન સમારોહ દરમિયાન બુધવારે બ્રિટનસ્થિત ભારતીય હાઈ કમિશનર વાય. કે. સિન્હાને લંડન મેટ્રોપોલિટન પોલીસ તરફથી પરત કરાઈ છે. ચાંદીના જડતર સાથેની આ કાંસ્ય મૂર્તિ ૧૯૬૧માં નાલંદામાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ સંસ્થા (ASI)ના એક સંગ્રહાલયમાંથી ચોરી કરાયેલી ૧૪ મૂર્તિમાંથી એક છે. સિન્હાએ ‘અનમોલ બુદ્ધ’ની મૂર્તિ પાછી આપવાના નિર્ણયને એક સારું પગલું ગણાવ્યું હતું. આ મૂર્તિ ટુંક સમયમાં ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગને મોકલી અપાશે.
આ વર્ષે માર્ચમાં એક વેપારમેળામાં એસોશિયેશન ફોર રિચર્સ ઈન-ટુ ક્રાઈમ અગેન્સ્ટની લિન્ડા અલ્બર્ટસન અને ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટના વિજય કુમારની નજર આ પ્રતિમા પર પડી હતી, જેની માહિતી તેમણે પોલીસને આપી હતી. લંડનમાં હરાજી માટે આવ્યા પહેલા મૂર્તિ વર્ષો સુધી ઘણા લોકો પાસે આવી ચૂકી હતી. ઈન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મ્યુઝિયમના નિષ્ણાતો પાસે પણ મૂર્તિની ચકાસણી કરાવાઈ હતી. મેટ પોલીસ અનુસાર ડીલર અને માલિકને આ મૂર્તિ ભારતમાંથી ચોરાયેલી હોવા વિશે જણાવાયું ત્યારે તેમણે મેટ પોલીસના સ્પેશિયાલિસ્ટ આર્ટ એન્ડ એન્ટિક યુનિટ સાથે સહયોગ કર્યો અને તેને ભારતને પરત કરવા રાજીપો દર્શાવ્યો હતો.
આર્ટ એન્ડ એન્ટિક યુનિટના ડિટેક્ટિવ કોન્સ્ટેબલ સોફી મનહેઈઝે જણાવ્યું હતું કે ‘આ યુનિટ ચોરાયેલી સંપત્તિ તેના માલિકને પરત કરાવવાનો વિશિષ્ટ ઈતિહાસ ધરાવે છે. સાંસ્કૃતિક ધરોહરની આ મહત્ત્વપૂર્ણ ભારતને પરત કરાવવામાં મદદરુપ થવાનો અમને આનંદ છે.’ આર્ટ્સ, હેરિટેજ અને પ્રવાસન મિનિસ્ટર માઈકલ એલિસે ભારતના સ્વાતંત્ર્યદિનની ઉજવણી સમયે આ કામગીરી બદલ યુનિટને ખાસ અભિનંદન આપ્યા હતા.

