વોશિંગ્ટનઃ પહેલી વખત એક વૈજ્ઞાનિક અભ્યાસમાં જાણવા મળ્યું છે કે કોઈ આપ્તજનનો હાથ પકડવાથી પીડા અથવા દુ:ખની અનુભૂતિ શા માટે ઓછી થાય છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ કોલોરાડોએ એક સંશોધનમાં બાદ તારણ કાઢ્યું છે કે જ્યારે કોઈ વ્યક્તિ પોતાના કોઈ આપ્તજનનો હાથ પકડે છે તો બે લોકોના બ્રેનવેવ (મગજના તરંગ) અને હૃદયના ધબકારા એક-બીજાને મળે છે અને એક લયમાં આવે છે. આ કારણથી જ હાથ પકડવાથી બે લોકોને શારીરિક અથવા માનસિક પીડાથી રાહતનો અનુભવ થાય છે. બે લોકોના બ્રેન વેવ અને હૃદયના ધબકારા જેટલી ઝડપથી એક લયમાં આવે છે, પીડાનો અનુભવ તેટલો જ તીવ્ર અથવા ઓછો થવા લાગે છે.
આ અભ્યાસ માટે વૈજ્ઞાનિકોએ ૨૩થી ૩૨ વર્ષના એવા ૨૨ લોકોની પસંદગી કરી, જે કોઈને કોઈ માનસિક અથવા શારીરિક પીડામાંથી પસાર થઈ રહ્યા હોય. આ લોકોને બે-બેના ગ્રૂપમાં વિભાજિત કરાયા. ત્યાર બાદ દરેક ગ્રૂપના સભ્યોની માનસિક સ્થિતિ ૩ અલગ અલગ પરિસ્થિતિઓમાં તપાસ કરવામાં આવી હતી. પહેલા તબક્કામાં લોકોને અલગ અલગ રૂમમાં બેસવાનું હતું. બીજા તબક્કામાં એક જ રૂમમાં બેસવાનું હતું, પરંતુ એક-બીજાથી દૂર. જ્યારે ત્રીજા તબક્કામાં લોકોએ એક સાથે બેસવાનું હતું તેમજ એક-બીજાના હાથ પકડવાની મંજૂરી પણ હતી.
આ દરમિયાન લોકોના બ્રેન વેવના આદાન-પ્રદાનની પ્રક્રિયાને વૈજ્ઞાનિકોએ ઈલેક્ટ્રોઈન્સેફેલોગ્રાફી (ઈઈજી)નું નામ આપ્યું.
આ ટેસ્ટ બાદ જણાયું કે હાથ પકડીને બેઠેલા લોકોની માનસિક સ્થિતિ સારી હોય છે અને તેમને પીડાની અસર ઓછી થાય છે. પીડાની અનુભૂતિ ઓછી થવાની આ પ્રક્રિયાને બ્રેન-ટૂ-બ્રેન કપલિંગ નામ અપાયું છે.
સંશોધકોએ જણાવ્યું હતું કે ‘પીડામાં મગજથી આલ્ફા મ્યૂ બેન્ડ તરંગો નીકળે છે. જ્યારે બે લોકોના આ તરંગ એકબીજા સાથે અથડાય છે, તો બંનેની ઊર્જા ટ્રાન્સફર થાય છે. તેમનામાં એક વ્યક્તિને પીડા થતી હોય તો તેના મગજના નેગેટિવ આલ્ફા મ્યૂ બેન્ડ, બીજા વ્યક્તિના મગજના પોઝિટિવ આલ્ફા મ્યૂ બેંડથી સંતુલિત થાય છે. આ જ કારણથી પહેલા વ્યક્તિને પીડાનો અનુભવ ઓછો થાય છે. આ ભાવ મહિલા-પુરુષમાં સૌથી વધુ જોવા મળ્યો છે.’
ટીમને લીડ કરનારા પ્રો. પેવેલ ગોલ્ડસ્ટીન કહે છે, ‘આપણે મોડર્ન કમ્યુનિકેશનના સમયમાં જીવીએ છીએ. દૂર બેઠેલા લોકો સાથે પણ જોડાવાના આપણી પાસે તમામ માધ્યમ છે. જેમ કે ફોન, સોશિયલ મીડિયા વગેરે, પણ આ મોડર્ન કમ્યુનિકેશનના સમયમાં આપણે ફિઝિકલ કમ્યુનિકેશન ભૂલી રહ્યા છીએ. એવામાં અમારું આ સંશોધન એ વાત સાબિત કરે છે કે આપણે ઈન્ટરપર્સનલ કમ્યુનિકેશન (બે લોકો વચ્ચેનો સંવાદ) વધારવાની ઘણી જરૂર છે.' આ અભ્યાસ પીએનએસ નામના સાયન્સ જર્નલમાં પ્રકાશિત કરાયો છે.

