‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ સહિત બ્લેક અને એશિયન મીડિયાના સહયોગથી પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડ (PHE) દ્વારા ફેબ્રુઆરી ૨૦૧૮માં સ્ટ્રોકAct F.A.S.T. અભિયાનનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. તેમાં જણાયું હતું કે સ્ટ્રોકના લક્ષણ ઓળખવામાં લોકોને મદદરૂપ થતાં Act F.A.S.T. વિશે ૬૨ ટકા પુરુષોની સરખામણીમાં ૭૨ ટકા મહિલાઓને જાણકારી હતી. સર્વેમાં ૯૧ ટકા મહિલાઓની સરખામણીમાં માત્ર ૮૬ ટકા પુરુષો સ્ટ્રોકના સામાન્ય લક્ષણો વિશે જાણતા હતા.
સ્ટ્રોકના દર્દીને જેટલી ઝડપથી સારવાર મળે તેટલી તેમને સારી રિકવરીની શક્યતા હોવાનું મોટાભાગના લોકો (૮૪ ટકા) જાણતા હતા. પરંતુ, આઘાતજનક બાબત એ છે કે લગભગ ૪૦ ટકા લોકો એ નથી જાણતા કે ઝડપથી સારવાર મળે તો લાંબા ગાળાની વિકલાંગતાને ટાળી શકાય છે. વૃદ્ધ લોકો એટલે કે ૫૫થી ૭૪ની વચ્ચેના લોકોને સ્ટ્રોકના હુમલાની શક્યતા વધારે હોય છે, પરંતુ, ઝડપથી સારવાર મેળવવાથી કોઈ વ્યક્તિનું જીવન બચાવી શકાય તે વાતથી વાકેફ ન હોય તેવું ઓછું બને.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડની અખબારી જાહેરાત મુજબ સ્ટ્રોકના એકાદ લક્ષણનો ખ્યાલ આવી જાય અને ૯૯૯ પર કોલ કરવામાં આવે તો ખૂબ સારી રિકવરીની તકો વધી જાય છે. યુવા વયમાં મહિલાઓ કરતાં પુરુષોને સ્ટ્રોકના હુમલાનું જોખમ વધારે રહે છે.
F.A.S.T. નો અર્થ
Face – તેમનો ચહેરો એકબાજુ ઢળી ગયો છે ? તે હસી શકે છે ?
Arms - તેઓ તેમના બન્ને હાથ ઉંચા કરીને ઉપર રાખી શકે છે ?
Speech - બોલવામાં તેમને તકલીફ પડે છે ?
Time - 999ને કોલ કરવાનો સમય
ખાસ કરીને એશિયન અને બ્લેક કોમ્યુનિટીમાં સ્ટ્રોક વિશે જાગૃતિનું પ્રમાણ જાણવા તૈયાર કરાયેલા સર્વેમાં Act F.A.S.T. સ્ટ્રોક અભિયાનના મુખ્ય સંદેશા લોકોને પહોંચ્યા છે. પરંતુ, હજુ ઘણું કામ કરવાનું બાકી છે.
પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડના ડિરેક્ટર પ્રોફેસર જૂલિયા વર્ને જણાવ્યું હતું કે પરિણામો દર્શાવે છે કે જે લોકોને સ્ટ્રોકનું વધુ જોખમ છે તેમના સુધી Act F.A.S.T.ના અમારા સંદેશા પહોંચી ગયા છે. જોકે, સ્ટ્રોકના તમામ સામાન્ય લક્ષણો વિશે અને ઝડપથી કામગીરી કરવાથી જીંદગી બચાવી શકાય અને લાંબા ગાળાની વિકલાંગતા અટકાવી શકાય તે બાબતે જાગૃતિ વધારવા માટે સખત પરીશ્રમ કરવાની જરૂર છે.
અભિનેતા ભાસ્કર પટેલે જણાવ્યું હતું કે સ્ટ્રોકના તમામ લક્ષણો વિશે જાગૃતિ કેળવવા અને સ્ટ્રોકના ચિહ્નો પૈકી એક ચિહ્ન પણ જણાય તો કોઈ પણ વિલંબ વિના ઝડપથી કામગીરી કરવા દરેકને પ્રોત્સાહિત કરવા માટે આપણે હજુ ઘણું કામ કરવાનું છે.
