લંડનઃ ૨૭ વર્ષ સુધી જસ્ટિસ ઓફ પીસના પદે રહીને નિવૃત્ત થયેલા સુરેશભાઈ લક્ષ્મીદાસ કણસાગરા બ્રેન્ટમાં કન્ઝર્વેટિવ પાર્ટીના એક માત્ર એશિયન કાઉન્સિલર બન્યા છે.
સુરેશભાઈનો જન્મ ૧૦ મે, ૧૯૪૮ના રોજ યુગાન્ડાના ટોરોરો ખાતે થયો હતો. ૧૯૭૧માં તેઓ વધુ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ આવ્યા હતા. પરંતુ, યુગાન્ડાની રાજકીય પરિસ્થિતિને લીધે તેમનો અભ્યાસ અટકી ગયો હતો. ૧૯૭૨માં યુગાન્ડાના તમામ એશિયનોને દેશમાંથી હાંકી કાઢવામાં આવતા તેમનો પરિવાર પણ ઈંગ્લેન્ડ આવી ગયો હતો. તેમણે DIY શોપમાં કામ શરૂ કર્યું હતું. તે પછી તેઓ ઈન્લેન્ડ રેવન્યુ સાથે આસિસ્ટન્ટ કલેક્ટર ઓફ ટેક્સીસના હોદ્દે સિવિલ સર્વિસમાં જોડાયા હતા. ૧૯૭૭માં શરૂ કરેલો DIYબિઝનેસ તેમણે ૨૦૦૧માં બંધ કરી દીધો હતો.
૧૯૯૧માં તેમની નિમણુંક જસ્ટિસ ઓફ પીસ તરીકે થઈ હતી. મેજિસ્ટ્રેટ તરીકે ૨૭ વર્ષ સુધી સમુદાયને સેવા આપ્યા બાદ મે ૨૦૧૮માં તેઓ નિવૃત્ત થયા હતા. તેઓ કડવા પાટીદાર સેન્ટરના સ્થાપક સભ્ય અને હાલના ચેરમેન છે. કડવા પાટીદાર સેન્ટર ખાતે લગ્નોની નોંધણી માટે તેઓ માન્ય વ્યક્તિ છે અને અત્યાર સુધીમાં તેમણે લગભગ ૩૦૦ લગ્નનું રજિસ્ટ્રેશન કર્યું છે.
૧૯૯૮માં તેઓ બર્નહિલ વોર્ડમાંથી લંડન બરો ઓફ બ્રેન્ટના પ્રથમ કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતા. ૨૦૧૧થી તેઓ કેન્ટનના કાઉન્સિલર છે. ૨૦૧૪ અને ૨૦૧૮માં તેઓ આ પદે ફરી ચૂંટાયા હતા. ૨૦૧૮ના લોકલ ઈલેક્શનમાં બ્રેન્ટમાંથી ચૂંટાયેલા કન્ઝર્વેટિવ પાર્ટીના એક માત્ર ભારતીય મૂળના વ્યક્તિ છે.
સુરેશભાઈએ ક્રિમિનલ જસ્ટિસ એન્ડ લોનો પાર્ટટાઈમ અભ્યાસ કર્યો હતો અને ૬૦ વર્ષની વયે ૨૦૦૮માં સોલિસિટર બન્યા હતા. તેમના લગ્ન ૧૯૭૭માં લક્ષ્મીબેન સાથે થયા હતા અને તેમને બે સંતાનો છે. તેમની પુત્રી જયમિનીના લગ્ન ચિતેશ સોલંકી સાથે જ્યારે પુત્રના લગ્ન અમૃતા સાથે થયા હતા. તેમને કેયલન સોલંકી અને ડીલન કણસાગરા નામે બે પૌત્ર છે.

