લંડનઃ બેલ્ગ્રેવના જ્વેલર રમણિકલાલ જોગીયાની હત્યાના સંદર્ભમાં તા.૨૧મેને સોમવારે વધુ બે લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
૭૪ વર્ષીય જોગીયાનો મૃતદેહ ગત ૨૫ જાન્યુઆરીએ સ્ટાઉટનની ગોલ્બી લેનમાં મળી આવ્યો હતો. તેમની હત્યાના પ્રકરણમાં સંખ્યાબંધ લોકોની પૂછપરછ કરવામાં આવી હતી. માનવહત્યા અને લૂંટ સહિતના ગુનાસર ચાર લોકો કોર્ટ સમક્ષ હાજર થયા હતા.
સોમવારે ૨૦ અને ૨૨ વર્ષના યુવકોને અટકમાં લેવાયા હતા અને ચોરીના માલસામાનની હેરફેર કરતા હોવાની શંકાથી તેમની પૂછપરછ કરવામાં આવી હતી.
લેસ્ટરશાયર પોલીસે નિવેદનમાં જણાવ્યું હતું કે જોગીયાના મૃત્યુની તપાસ કરી રહેલા ઓફિસરોએ વધુ બે લોકોની ધરપકડ કરી છે. આ બન્ને લેસ્ટરના છે. જોકે, ૨૦ વર્ષીય યુવકને અંડર ઈન્વેસ્ટિગેશન છોડવામાં આવ્યો છે. જ્યારે ૨૨ વર્ષીય યુવકને વધુ કોઈ કાર્યવાહી વિના છોડી મૂકાયો છે.
જોગીયા પ્રકરણમાં અગાઉ ચાર લોકો પર ગેરકાયદેસર કૃત્ય, માનવહત્યા અને લૂંટફાટનો આરોપ મૂકાયો હતો.

