નવી દિલ્હીઃ કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચ (સીએસઆઇઆર) દ્વારા તૈયાર કરાયેલી બીજીઆર-૩૪ આયુર્વેદિક દવા ડાયાબિટીસ દર્દીમાં હાર્ટ એટેકનો ખતરો ૫૦ ટકા સુધી ઘટાડે છે. સીએસઆઇઆરના જ એક રિસર્ચમાં જ આ તથ્ય જાણવા મળ્યું છે. રિસર્ચના પરિણામને જર્નલ ઓફ ટ્રેડિશનલ એન્ડ કોમ્પ્લિમેન્ટ્રી મેડિસિનમાં સ્થાન મળ્યું છે. ભારતની આ પહેલી આયુર્વેદિક દવા છે કે જેને આ આંતરરાષ્ટ્રીય જર્નલમાં સ્થાન મળ્યું છે.
જે દર્દીઓ પર આ દવાનું પરીક્ષણ કરાયું હતું તેમાંથી ૫૦ ટકા દર્દીઓમાં ગ્લાઇકોસિલેટેડ હીમોગ્લોબિનનું સ્તર નિયંત્રિત જણાયું. અન્ય દર્દીઓમાં પણ તેના સ્તરમાં ૧૦ ટકા સુધીનો ઘટાડો જણાયો હતો. લોહીમાં ગ્લાઇકોસિલેટેડ હીમોગ્લોબિનનું પ્રમાણ વધી જાય ત્યારે રક્તવાહિનીઓ સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે. આ કારણથી જ ડાયાબિટીસના દર્દીઓમાં હાર્ટ એટેકનો ખતરો વધુ રહે છે. નોંધનીય છે ડાયાબિટીસના દર્દીઓમાં આવા કેસો વધી રહ્યા છે.
સંશોધનમાં જોડાયેલા નિષ્ણાતોનું કહેવું છે કે હાલની એલોપથીની દવાઓ શુગર લેવલ અવશ્ય ઓછું કરે છે, પરંતુ પણ તે સંબંધિત બીમારીઓને દૂર કરવામાં અસરકારક સાબિત નથી, જ્યારે આયુર્વેદિક પદ્ધતિથી તૈયાર થતી દવા તેમાં પણ કારગત છે. આ વાત સંશોધનમાં પુરવાર થઇ છે.

