તળાજા/બરવાળાઃ તળાજા પંથકના સરતાનપર (બંદર), ભારાપરા, તળાજા અને પાદરી (ભં) ગામના કોળી પરિવારના ર૫ જેટલા લોકો સિમેન્ટ ભરેલી ટ્રકમાં ખેતમજૂરી કરવા આણંદ જિલ્લા તરફ જઈ રહ્યા હતા.
૧૯મીએ રાત્રે અઢી વાગ્યે ટ્રક ભાવનગર-ધોલેરા હાઈવે પરના બાવળિયાળી ગામ નજીક પહોંચી ત્યારે ટ્રકના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને ટ્રક રોડ પરથી ઊંડા ખાડામાં ખાબકી હતી. ટ્રક ખાળિયામાં ખાબકતાં જોરદાર ધડાકો થયો હતો અને નાના નાના બાળકો, મહિલા, પુરુષો સહિતના ટ્રક અને સિમેન્ટની થેલીઓ નીચે દબાઈ ગયા હતા.
તેમની ચિચિયારીઓ સાંભળીને બાવળિયાળી તેમજ આસપાસના ગામના લોકો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અકસ્માતની ઘટના અંગે ૧૦૮ તેમજ ધોલેરા પોલીસને પણ જાણ કરી હતી. ટ્રક અને સિમેન્ટની બોરીઓ નીચે દબાયેલા લોકોને બહાર કાઢી સારવાર મળે તે પહેલા જ ૧૮ વ્યક્તિના બનાવ સ્થળ પર જ મૃત્યુ થયા હતા. બાકીના ૭ ઈજાગ્રસ્તોને સારવાર માટે તુરંત ભાવનગર સર ટી. હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાંથી એક વ્યક્તિનું હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
સરતાનપર સ્મશાનમાં ૧૫ની એકસાથે અંતિમવિધિ
૧૯માં ૧૩ સરતાનપર (બંદર) ગામના હતા. ત્રણ વ્યક્તિ તળાજા શહેરના પંચશીલ સોસાયટીમાં રહેતા હતા બાકીના ત્રણ પાદરી (ગો) ગામના હતા.
મૃતદેહોનું ભાવનગર પી.એમ. થયા બાદ પંદર સરતારપર (બંદર) અંતિમવિધિ માટે મૃતદેહો લવાયા હતા. તળાજાની પંચશીલ સોસાયટીમાં રહેતા કાજલબહેન ભટુરભાઈ બારૈયા (૧૯), હંસાબહેન ભટુરભાઈ બારૈયા (૪૫)ને પણ સરતાનપર (બંદર) અગ્નિદાહ અપાયા હતા. ગામના સેવાભાઈ યુવાન ઝવેરભાઈ ચુડાસમાએ જણાવ્યું હતું કે તમામ મૃતદેહોને ગામના રામદેવપીર મંદિરના મેદાનમાં લવાયા હતા. ત્યાંથી જ અંતિમયાત્રા નીકળી હતી. પંદર મૃતદેહોને એકસાથે અગ્નિદાહ અપાયો હતો.
મમતાબહેન ચૌહાણાની તળાજામાં અંતિમવિધિ કરાઈ હતી જ્યારે પાયલબહેન (૨૫), હરિભાઈ બારૈયા (૨૮), કાનુબહેન બારૈયા (૫૦) આ ત્રણેયની અંતિમવિધિ પાદરી (ગો) ગામે કરાઈ હતી.
ગામમાં એકસાથે ૧૫ મૃતદેહોની અંતિમવિધિના લીધે ગામના તમામ વેપારીઓએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો અને અંતિમયાત્રામાં જોડાયા હતા.

