પ્રિન્સ હેરી-મેગનના લગ્નઃ સમાનતા અને સાંસ્કૃતિક વૈવિધ્યનું પ્રતીક

Wednesday 23rd May 2018 07:27 EDT
 
 

લંડનઃ પ્રિન્સ હેરી અને મેગન મર્કેલના લગ્ન એક એવા દેશનું પ્રતિક રજૂ કરે છે જ્યાં બધું જ સમાન, વૈવિધ્યપૂર્ણ અને બહુલસંસ્કૃતિ છે. એક એવો દેશ જે પરંપરા અને આધુનિકતા વચ્ચે સુંદર સંતુલન જાળવી રાખે છે. શાહી પરિવાર દ્વારા ડાયવોર્સી અને મિશ્ર જાતિની મહિલાના કરાયેલા સ્વીકારને વિશિષ્ટ વૈશ્વિક પ્રતિક્રિયા સાંપડી હતી અને સમગ્ર વિશ્વ આ લગ્નની શક્યતાઓ અને મહત્ત્વથી સંમોહિત થઈ ગયું હતું.

૩૩ વર્ષના પ્રિન્સ હેરી અને ૩૬ વર્ષની અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ બ્રિટિશ શાહી પરિવારના ૩૦ સભ્ય અને સંખ્યાબંધ સેલેબ્રિટીઝ સહિત ૬૦૦ મહેમાનોની હાજરીમાં શનિવાર, ૧૯ મેના દિવસે વિન્ડસર કેસલના ઐતિહાસિક સેન્ટ જ્યોર્જ ચેપલમાં લગ્નના તાંતણે બંધાયા હતાં. વર્ષ ૧૮૬૩ પછી વિન્ડસર કેસલમાં લગ્નની ઉજવણી કરનાર હેરી અને મેગન ૧૬મું રોયલ કપલ છે. તેમણે લગ્નવિધિમાં પરંપરાગત શબ્દો ‘ધી-Thee’ અને ‘ધાઉ -Thou’ના બદલે ‘યુ-You’ નો શબ્દપ્રયોગ કર્યો હતો. તેઓએ શપથમાં ‘for better, for worse, for richer, for poorer, in sickness and in health, to love and to cherish, till death us do part’ શબ્દોનો ઉપયોગ કર્યો હતો. મેગને ‘obey’ શબ્દનો ઉલ્લેખ કર્યો ન હતો. પ્રિન્સ હેરી અને મેગનના લગ્નને નિહાળવા ૧૨૦,૦૦૦ લોકો વિન્ડસર ટાઉનમાં ઉમટી પડ્યા હતા.

લગ્ન સમારંભને સમગ્ર વિશ્વમાં લોકોએ નિહાળ્યો હતો. એન્ગલીકન ચર્ચના આધ્યાત્મિક વડા અને કેન્ટરબરીના આર્ચબિશપ જસ્ટિન વેલ્બીએ લગ્નવિધિ કરાવી તેમને પતિ-પત્ની જાહેર કર્યા હતા. દંપતીએ લગ્નના શપથમાં પોતાના સંપૂર્ણ નામ હેન્રી ચાર્લ્સ આલ્બર્ટ ડેવિડ અને રાચેલ મેગનનો ઉલ્લેખ કર્યો હતો. અમેરિકાના અશ્વેત બિશપ માઇકલ કરીએ લગ્ન પ્રવચન આપી સમારંભને જાનદાર બનાવી દીધો હતો. મેગનના પિતાની તબિયત નાદુરસ્ત હોવાના કારણે પિતાની ભૂમિકા હેરીના પિતા પ્રિન્સે ચાર્લ્સે ભજવી હતી. બ્રિટિશ તાજના વારસદાર પ્રિન્સ ચાર્લ્સને નવવધૂના મિત્ર બનવાનો અનુભવ રહ્યો છે. કારણ કે અગાઉ પણ તેઓ તેમની ખાસ મિત્રની પુત્રીના લગ્નમાં આ ભૂમિકા ભજવી ચૂક્યા હતા. નવપરિણીત દંપતીએ પરંપરાગત એસ્કોટ લેન્ડાઉ ઘોડાગાડીમાં બેસીને વિન્ડસર શહેરની નગરચર્યા કરી હતી.

આ પછી ક્વીને લંચ રિસેપ્શનનું આયોજન કર્યું હતું, જ્યારે પ્રિન્સ હેરીના પિતા પ્રિન્સ વેલ્સ દ્વારા સાંજે ફ્રોગમોર હાઉસ ખાતે ૨૦૦ આમંત્રિતો માટે રિસેપ્શનનું આયોજન કરાયું હતું. આ રિસેપ્શનની સાંજ સર એલ્ટન જ્હોન અને ડીજે સામ ટોટોલીના સંગીત સાથે સલૂણી બની રહી હતી.લગ્નમાં પુત્રવધૂની સખીઓ તરીકે પસંદ કરાયેલી યુવતીઓમાં હેરીની ત્રણ વર્ષની ભત્રીજી પ્રિન્સેસ શાર્લોટનો પણ સમાવેશ થતો હતો. જોકે, આ ભૂમિકા ભજવવવા માટે કુલ દસ બાળકોને પસંદ કરાયા હતા. બ્રિટનમાં સંખ્યાબંધ સ્થળોએલોકો દ્વારા વેડિંગ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું.


comments powered by Disqus