ફિલ્મમેકર મધુર ભંડારકર ‘ચાંદનીબાર’નો ભાગ બે બનાવવા તૈયાર છે. ૧૭ વર્ષ બાદ આ ફિલ્મનો બીજો પાર્ટ બનાવવાનો નિર્ણય લેવાયો છે. ૨૦૦૫માં ડાન્સ-બાર પર જ્યારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો એ સમયને ધ્યાનમાં રાખીને બીજો ભાગ બનશે. મધુર ભંડારકરે એ વિશે ઘણું રિસર્ચ પણ કર્યું છે અને હાલમાં ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ કરી રહ્યા છે. ફિલ્મની સ્ક્રિપ્ટનો ફાઇનલ ડ્રાફ્ટ પૂરો થયા બાદ જ એક્ટર્સને પસંદ કરવામાં આવશે. ૨૦૦૧માં આવેલી ‘ચાંદનીબાર’ માટે તબુને બેસ્ટ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ, અતુલ કુલકર્ણીને બેસ્ટ સપોર્ટિંગ એક્ટરનો નેશનલ અવોર્ડ, અનન્યા ખરેને બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસનો નેશનલ અવોર્ડ અને સોશ્યલ ઇશ્યુ પર બનનારી આ ફિલ્મને બેસ્ટ ફિલ્મનો નેશનલ અવોર્ડ પણ મળ્યો હતો.
‘ચાંદનીબાર ૨’ના પ્રોડ્યુસર શૈલૈષ સિંહે તાજેતરમાં કહ્યું હતું કે, આ પ્રકારના વિષયો માટે મધુર ભંડારકર બંધબેસતા ડિરેક્ટર છે. તેથી જ તેમની આ ફિલ્મના દિગ્દર્શન માટે પસંદગી કરી છે. ‘ચાંદનીબાર ૨’ને પ્રોડ્યુસ કરવા માટે હું ખૂબ જ ઉત્સાહિત છું. મેં આ ફિલ્મના રાઇટ્સ પણ ખરીદી લીધા છે અને એનું શૂટિંગ શરૂ કરવા માટે હું ખૂબ જ આતુર છું.’

