લંડનઃ પ્રિન્સ હેરીનાં ૧૯ મેએ અમેરિકી અભિનેત્રી મેગન મર્કેલ સાથે લગ્ન થયા. બ્રિટનના વિન્ડસર કેસલ ચર્ચમાં યોજાયેલા આ લગ્ન માટે ૬૦૦ મહેમાનોને આમંત્રણ અપાયું હતું. મહેમાનોનું સ્વાગત છે, પણ શરતો લાગુ છે. ઇન્વિટેશન કાર્ડમાં જ મહેમાનો માટે ૭ શરતોનો પણ ઉલ્લેખ કરાયો હતો.
૧. ફોન અને કેમેરા પર પ્રતિબંધ: ન ફોન લઇ જઇ શકશો, ન કેમેરા. લગ્નની પળો સંપૂર્ણપણે ખાનગી રહે એ વાતનું પૂરું ધ્યાન રખાયું હતું. આખા હૉલમાં માત્ર એક ઓફિશિયલ ફોટોગ્રાફર હતો જેણે ફોટોગ્રાફ્સ ક્લિક કર્યા હતા. વેડિંગ હૉલની બહાર જ મહેમાનોએ પોતાના ફોન જમા કરાવવાના હતા. પાછા જતી વખતે ફોન પરત અપાયા હતા.
૨. ડ્રેસકોડનું પાલન કરવું જ પડશે: ડ્રેસકોડ હતો- મેન ઇન ફોર્મલ, વુમન ઇન ગાઉન. મતલબ કે પુરુષ સૂટ-બૂટમાં અને મહિલાઓએ ગાઉન પહેરવાનો. જોકે,કોઇ ખાસ કલર કોડ જારી કરાયો ન હતો. મહિલાઓને હેટ પહેરવાની પણ સલાહ અપાઇ હતી. જોકે, તે ફરજિયાત ન હતું
૩. ભારે બેગ બિલકુલ ન લાવવી: વિન્ડસર કેસલના મેઇન ગેટથી ૩ કિ.મી. દૂર ચેકિંગ પોઇન્ટ હતો. ત્યાં દરેક મહેમાનની તલાશી લેવાઈ હતી. ફોન-કેમેરા જમા લેવાયા હતા. વાહનો પણ ત્યાં જ રોકી દેવાયા હતા. મહેમાનોએ ત્યાંથી ૩ કિ.મી. ચાલીને જવું પડ્યું હતું. તેથી તેમને ભારે બેગ ન લાવવા જણાવાયું હતું.
૪. કોઇ ગિફ્ટ નહીં, ચેરિટી કરો: મહેમાનોને હેરી-મેગન માટે કોઇ ગિફ્ટ લાવવાની ચોખ્ખી ના કહેવાઇ હતી. તેના બદલે રોયલ ફેમિલીએ ૭ ચેરિટી સંસ્થાની યાદી જારી કરી હતી. લોકોને અનુરોધ કરાયો હતો કે તેઓ રોયલ કપલને ગિફ્ટ આપવાના બદલે આ સંસ્થાઓને દાન કરે.
૫. ઝઘડવું નહીં, પોતાની જગ્યા પર બેસવું: લગ્નમાં આવનારા તમામ ૬૦૦ મહેમાનોને સીટ ફાળવાઇ હતી. બધાએ તેમની સીટ પર જ બેસવાનું હતું. કોઇએ સીટ માટે ઝઘડવું નહીં તેવું ખાસ જણાવાયું હતું.
૬. ક્વિનની નજીક પણ ફરકવું નહીં: ક્વિનને મળીને અભિનંદન આપવા ઇચ્છતા હોવ તો ભૂલી જજો. મહેમાનોને અપીલ કરાઇ હતી કે તેઓ ક્વિનના પ્રોટોકોલનું પાલન કરે અને તેમને મળવાનો પ્રયાસ ન કરે.
૭. રોયલ બ્રાઇડનું બુકે પકડવું નહીં: ચર્ચમાં થતાં લગ્નોના કલ્ચરથી ઊલટું રોયલ વેડિંગમાં દુલ્હને બુકે ઉછાળ્યો ન હતો. તેમ જ કોઇ છોકરીએ તે પકડવાનો પ્રયાસ પણ કર્યો ન હતો.
