માતા અને પુત્રીઓની લંડનમાં આતંકી હુમલાની યોજના

Wednesday 23rd May 2018 07:04 EDT
 
 

લંડનઃ બ્રિટિશ મ્યુઝિયમ અને પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર પર હુમલાની યોજના ઘડવા માટે ૪૪ વર્ષીય માતા મીના ડિચ અને તેની બે પુત્રીઓ ૧૮ વર્ષીય સફા બાઉલર અને ૨૨ વર્ષીય રીઝલેન બાઉલરે બ્રિટનના પ્રથમ મહિલા આતંકવાદી જૂથની રચના કરી હતી. આ ત્રણેય તેમની યોજનાને ‘મેડ હેટર્સ ટી પાર્ટી’ તરીકે ઓળખાવી હતી. સીરિયાના એક આઈએસઆઈએસ લડાકુ નવીદ હુસૈને તેમને પ્રોત્સાહન આપ્યું હોવાનો દાવો કરાયો હતો.

 ૧૮ વર્ષીય સફા બાઉલરે બ્રિટિશ મ્યુઝિયમ ખાતે ગ્રેનેડ, ગન અથવા કાર હુમલાની યોજના ઘડી હોવાનું મનાય છે. ઓનલાઈન વાતચીતમાં તે ગ્રેનેડનો ‘પાઈનેપલ’ તરીકે ઉલ્લેખ કરતી હતી. કોર્ટ સમક્ષ રજૂઆત કરાઈ હતી કે તે આઈએસના એક સમર્થકને ઓનલાઈન મળી હતી અને તેની સાથે લગ્ન કરવા માટે રક્કા જવા માગતી હતી ત્યારે તેને અટકાવીને તેના પર આરોપ મૂકવામાં આવ્યો હતો. તેણે જેલમાં રહીને ગયા વર્ષે એપ્રિલમાં પેલેસ ઓફ વેસ્ટમિન્સ્ટર ખાતે નાઈફ એટેક કરવા માટે પોતાની ૨૨ વર્ષની બહેન રીઝલેન બાઉલરને પ્રોત્સાહિત કરીને પોતાની યોજના આગળ ધપાવી હોવાનો દાવો કરાયો હતો.

ઓલ્ડ બેલી કોર્ટમાં રજૂઆત કરાઈ હતી કે તેમની ૪૪ વર્ષીય માતા મીના ડિચે તેની મોટી બહેન સાથે રહીને તેને મદદ કરી હતી અને છ ઈંચની બ્લેડની એક નાઈફ સહિત છૂરાનું પેકેટ ખરીદ્યું હતું. M15 દ્વારા હાથ ધરાયેલા સર્વેલન્સ ઓપરેશનમાં ડિચના ઘરે બગ્સ (નાના માઈક્રોફોન્સ) છૂપાવવામાં આવ્યા હતા અને ઓફિસરોએ આઈએસના લડાકુના સ્વાંગમાં સફા સાથે ઓનલાઈન કરેલી વાતચીતમાં આ કાવતરાનો પર્દાફાશ થયો હતો.

રિઝલૈન અને તેની માતાએ આતંકવાદી હુમલાની તૈયારી કરતા હોવાનું કબૂલ્યું હતું. સફાએ આતંકી કૃત્યોની તૈયારીના બે આરોપનો ઈનકાર કર્યો હતો.

સાઉથવેસ્ટ લંડનના વાઉક્સહોલ ખાતે માતા સાથે રહેતી સફા ગ્રૂપના પ્રોફાઈલ રિક્રુટર નવીદ હુસૈનને મળી ત્યારપછી ૪૦૦ કોન્ટેક્ટનું ઓનલાઈન આઈએસ નેટવર્ક વિક્સાવ્યું હતું. ઓગસ્ટ ૨૦૧૬માં સફા ૧૬ વર્ષની હતી અને સોસિયલ મીડિયા પર વાતચીત કરી તેના ત્રણ મહિના પછી તેણે હુસૈન પ્રત્યે પ્રેમ જાહેર કર્યો હતો અને સીરિયા જવાની યોજના ઘડી હતી અને ત્યાં તે અને હુસૈન સુસાઈડ બેલ્ટ્સ દ્વારા આત્મઘાતી વિસ્ફોટ કરવાના હતા.

પ્રોસિક્યુશન તરફથી કેસની શરૂઆત કરતા ડંકન્સ એટકિન્સન QC એ જણાવ્યું હતું કે હુસૈને બાઉલર બહેનોને યુદ્ધગ્રસ્ત વિસ્તારની મુલાકાત માટે ૩,૦૦૦ પાઉન્ડ મોકલ્યા હતા. હુસૈન અને સફાએ એકબીજાનો હાથ પકડીને અન્યોને પણ સાથે લઈને આ દુનિયામાંથી વિદાય લેવાનું નક્કી કર્યું હતું. સફાની ધરપકડ થઈ અને તેનો પાસપોર્ટ પણ જપ્ત કરી લેવાયો તે પછી સફાએ બ્રિટનમાં હુમલાનું કાવતરું ઘડ્યું. ડિચના ઘરમાં મૂકાયેલા પોલીસ બગમાં આ ત્રણેય શહાદતની વાત કરતા જણાયા હતા અને સફા ગયા વર્ષે માર્ચમાં થયેલા વેસ્ટમિન્સ્ટર આતંકી હુમલાના પીડિતો પર હસતી જણાઈ હતી.

ગયા વર્ષે ૪ એપ્રિલે હુસૈનના મોત વિશે જાણ્યા પછી હિંસા અને આતંક ફેલાવવાનો સફાનો સંકલ્પ ચાલુ જ રહ્યો હતો.

૧૨ એપ્રિલે તેના પર સીરિયાની મુસાફરીની યોજનાનો આરોપ મૂકાયો હતો. તેથી તે પોતાના ઈરાદા જાતે પાર પાડી શકે તેમ ન હતી. તેથી તેણે આ યોજના પાર પાડવા બહેન રિઝલૈનને પ્રોત્સાહિત કરી હતી.

જેલમાંથી સફાની રિઝલૈન સાથે કથિત યોજના વિશેની ચર્ચા રેકોર્ડ થઈ હતી. રિઝલૈને જણાવ્યું હતું,‘આ તો ટી પાર્ટી માટે જતા હોઈએ તેવું મને લાગે છે.’ બન્નેએ જન્નત વિશે તેમજ ‘મેડ હેટર્સ ટી પાર્ટી‘ અને ‘એલિસ ઈન વન્ડરલેન્ડ’ વિશે કેટલાક ઉલ્લેખ કર્યા હતા. રિઝલૈન અને તેની માતાએ ૨૫ એપ્રિલે વેસ્ટમિન્સ્ટરની આસપાસના સ્થળોની મુલાકાત લીધી હતી અને છૂરાનું પેક ખરીદ્યું હતું.

બચાવપક્ષના જોએલ બેનાથન QC એ જણાવ્યું હતું કે સફા ૧૫ વર્ષની હતી ત્યારે આઈએસની એક મહિલા રિક્રુટરે તેને ભોળવી હતી અને તે પછી ઈન્ટરનેટ પર સંખ્યાબંધ મહિલાઓને ભોળવનારા પરિણિત હુસૈને તેને ‘જાતીય રીતે ભોળવી’ હતી. તેમણે ઉમેર્યું હતું કે સફા હુમલાની તૈયારી કરતી હતી તેવું પૂરવાર કરતા કોઈ પૂરાવા મળ્યા નથી.

આ કેસની ટ્રાયલ હજુ ચાલુ છે.


comments powered by Disqus