લંડનઃ ૧૩ વર્ષની વયે પોતાને સગર્ભા બનાવનાર પાકિસ્તાનમાં રહેતા પિતરાઈ સાથે લગ્ન કરવા માટે ૪૫ વર્ષીય માતા દ્વારા ફરજ પડાતા એક તરૂણી લગ્ન કર્યા બાદ આપઘાત કરવા માગતી હોવાની રજૂઆત બર્મિંગહામ ક્રાઉન કોર્ટ સમક્ષ કરાઈ હતી. માતાએ ૨૦૧૬માં ૧૭ વર્ષીય તરૂણીને છળકપટપૂર્વક ફેમિલી ટ્રીપ માટે પાકિસ્તાન જવાનું કહીને તેનાથી ૧૬ વર્ષ મોટા પુરુષ સાથે બળજબરીપૂર્વક લગ્ન કરાવ્યા હતા. તેની સાથે મારઝૂડ કરાઈ હતી. અને તે પાકિસ્તાન ન જાય તો તેનો પાસપોર્ટ સળગાવી નાખવાની માતાએ ધમકી આપી હતી.
તરૂણીએ ઓક્ટોબર, ૨૦૧૬માં યુકે પરત આવ્યા પછી લખેલો પત્ર કોર્ટમાં રજૂ કરાયો હતો જેમાં તેણે લખ્યું હતું કે તેની માતાએ તેને બળજબરીપૂર્વક હસવાનું કહ્યું હતું પરંતુ, પોતે આપઘાત કરવા માગે છે.
સોશિયલ વર્કરોએ જણાવ્યું હતું કે પહેલી ટ્રીપ પછી તેણે ગર્ભપાત કરાવ્યો હતો. પરંતુ, તે ડ્રિંક અને ડ્રગ્સની બંધાણી બની ગઈ હતી. બીજી વખત ગર્ભપાત કરાવ્યો તે પહેલા તેના પર બળાત્કાર થયો હતો. બર્મિંગહામ સિટી કાઉન્સિલે ફોર્સ્ડ મેરેજ પ્રોટેક્શન ઓર્ડર મેળવ્યો હતો.
સોશિયલ વર્કર નતાશા મેકેન્ઝીએ જણાવ્યું હતું કે પાકિસ્તાનની ટ્રીપ પહેલા તેને પરિવાર સાથે ‘ઉગ્ર’ વાતચીત થઈ હતી અને તેની માતા તેને કેર હોમમાંથી લઈ ગઈ તે પહેલા ફોર્સ્ડ મેરેજ પ્રોટેક્શન ઓર્ડર માટે અરજી કરવા વિચાર્યું હતું. બચાવ પક્ષે બળજબરીપૂર્વકના લગ્ન માટે વ્યક્તિને દેશ છોડવા મજબૂર કરવાના ઈરાદે અન્ય વ્યક્તિ સાથે છેતરપિંડીના તેમજ બળજબરીપૂર્વકના લગ્નના આયોજનના આરોપને નકારી કાઢ્યા હતા. આ કેસની ટ્રાયલ ચાલુ છે.
