લગ્નની સાથે સાથે...

Wednesday 23rd May 2018 07:44 EDT
 
 

• મર્કેલે વચન ન આપ્યું, હેરીએ રિંગ પહેરી લીધી

૩૩ વર્ષિય પ્રિન્સ હેરીએ જ્યારે મર્કેલ સાથે મેરેજ સેરેમનીમાં ભાગ લીધો ત્યારે મર્કેલે વચન નહોતું આપ્યું કે, તે પ્રિન્સની દરેક વાતનું માન જાળવશે અને તેના આદેશનું પાલન કરશે. બીજી તરફ હેરીએ રાજવી પરંપરા તોડીને મેરેજ રિંગ પહેરી હતી. બીજી તરફ સૂત્રોના મતે લગ્નની સેરેમનીમાં માનવાચક શબ્દોના બદલે સામાન્ય બોલચાલની ભાષાનો પ્રયોગ કરાયો હતો.

• ગિવિંગ અવે સેરેમની

સામાન્ય રીતે પિતા દીકરીને લગ્નનાં સ્ટેજ સુધી લઈ જાય છે જેને ગિવિંગ અવે સેરેમની કહેવાય છે, પરંતુ આ પ્રસંગમાં મેગનના પિતા થોમસની તબિયત ખરાબ હોવાને કારણે તેઓ આ પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા ન હતા. પિતા પ્રિન્સ ચાર્લ્સે આ વિધિ કરી હતી. ચાર્લ્સ મેગનનો હાથ પકડીને લગ્નનાં સ્ટેજ સુધી લઈ ગયા હતા. મેગને આ વિધિ માટે હાથ પકડીને ચાલવા માટે ચાર્લ્સને અપીલ કરી હતી, જે ચાર્લ્સે સ્વીકારી હતી.

• ૮૬ મિલિયન પાઉન્ડનો ખર્ચ

હેરી અને મેગનનાં લગ્નપ્રસંગે વિવિધ આયોજન પર કુલ ૭૮૭ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઇવેન્ટ પ્લાનિંગ કરતી એજન્સીએ જણાવ્યા અનુસાર લગ્ન પાછળ ૩૨ મિલિયન પાઉન્ડ, સિક્યોરિટી પર ૩૦ મિલિયન પાઉન્ડ અને અન્ય આયોજનો પર ૨૪ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૧૧માં પ્રિન્સ વિલિયમ અને કેટ મિડલ્ટનનાં લગ્ન પર ૬.૩૫ મિલિયન પાઉન્ડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, જેની તુલનામાં આ લગ્નમાં કુલ ૧૩.૫ ગણો વધારે ખર્ચ કરવામાં આવ્યો છે.

• ૧૩ વર્ષ પહેલાં પ્રિન્સ ચાર્લ્સે વિવાહ કર્યા હતા

વિન્ડસર કેસલમાં ૧૩ વર્ષ પહેલાં જ્યાં પ્રિન્સ ચાર્લ્સે લગ્ન કર્યાં હતાં ત્યાં જ તેના પુત્ર પ્રિન્સ હેરી અને મેગને પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. વર્ષ ૨૦૦૫માં પ્રિન્સ હેરીના પિતા ચાર્લ્સે કેમિલા પાર્કર બોલ્સ સાથે બીજી વખત લગ્ન કર્યાં હતાં.

• ઈસ્ટ લંડનથી વિવિધ ફ્લેવરની કેક

સૌથી ખાસ વાત એ છે કે, સમગ્ર સેરેમની માટે ઇસ્ટ લંડનથી વિવિધ ફ્લેવરની ૪૫ લાખ રૂપિયાની કેક મગાવવામાં આવી હતી.


    comments powered by Disqus