લંડનઃ જાણીતા ૩૪ વર્ષીય ફાર્માસિસ્ટ જેસિકા પટેલનો મૃતદેહ ગત સોમવારે રાત્રે તેમના લીન્થોર્પના એવન્યુમાં આવેલા વિક્ટોરિયન સેમી ડિટેચ્ડ નિવાસસ્થાનેથી મળી આવ્યો હતો. જેસિકાની હત્યાના આરોપસર તેના ૩૬ વર્ષીય પતિ મીતેશ પટેલની ધરપકડ કરવામાં આવી હતી. તેને ટેસીડની મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ હાજર કરવામાં આવ્યો હતો. આ ઘટનાના એક સપ્તાહ પછી પત્ની જેસિકા પટેલની હત્યાના આ આરોપી મિતેશ પટેલની લાશ પણ તેના ઘરમાંથી મળી આવી હતી.
જેસિકા તેમના પતિ સાથે છેલ્લાં ત્રણ વર્ષથી રોમન રોડ ફાર્મસી ચલાવતા હતા. જેસિકાના શરીર પર ગંભીર ઈજાના નિશાન હતા. તેમને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયા હતા.
જેસિકા મૂળ લીડ્સની હતી અને થોડા સમય પહેલા લીન્થોર્પમાં રહેવા આવી હતી. જેસિકા યુનિવર્સિટી ઓફ માન્ચેસ્ટરમાં અભ્યાસ કરતી હતી ત્યારે મીતેશને મળી હતી અને બાદમાં બન્નેએ પ્રેમલગ્ન કર્યા હતા. તેમનું ઘર તેમની ફાર્મસીની નજીક જ છે.
પ્રોસિક્યુટર રેહાના હક્કે કોર્ટને જણાવ્યું હતું કે પટેલ પર હત્યાનો આરોપ છે. પટેલ પ્રાથમિક સુનાવણીમાં માત્ર પોતાના નામ અને સરનામાની ખરાઈ કરાવવા પૂરતું બોલ્યો હતો.
ફોરેન્સિક નિષ્ણાતો પટેલના ઘરે તેમજ ફાર્મસીમાં તપાસ કરી રહ્યા છે. ક્લેવલેન્ડ પોલીસે
જણાવ્યું હતું કે પોસ્ટમોર્ટમ મુજબ જેસિકાની હત્યા પહેલા તેને ગંભીર ઈજા પહોંચાડવામાં આવી હતી. જોકે, પોલીસે તપાસના કારણસર જેસિકાના મૃત્યુનું કારણ હજુ સુધી જાહેર કર્યું નથી.
હેન્ના લોઈડે જણાવ્યું હતું કે આ દંપતી મિલનસાર અને સારા સ્વભાવનું હતું. ફાર્મસી શરૂ કર્યા પછી તેઓ આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિય થઈ ગયા હતા.
જેસિકાને અંજલિ આપતાં પરિવારે જણાવ્યું હતું કે તેમણે જેસિકાને ગુમાવી છે. તે માયાળુ, નિઃસ્વાર્થી અને ઉદાર હતી. પરિવારજનો અને મિત્રોને તેના પ્રત્યે અપાર સ્નેહ હતો. તે પરિવાર પ્રત્યે સમર્પિત હતી અને તેના ચાલ્યા જવાથી ઘણું દુઃખ થયું છે.
આ દંપતીના પરિચિત લોકોએ પણ કહ્યું હતું, ‘તેઓ બંને ઉમદા લોકો અને મિત્રતાપૂર્ણ હતા. પતિ-પત્ની બંનેએ જ્યારથી મેડિકલ સ્ટોર શરૂ કર્યો હતો ત્યારથી સમગ્ર વિસ્તારમાં ખૂબ જાણીતા બની ગયા હતા.
તેમના પડોશીઓનાં કહેવા પ્રમાણે, મિતેશ અને જેસિકા બંને ખરેખર સારા લોકો હતા. આ પડોશીઓ તેમના મેડિકલ સ્ટોરની નજીક જ રહે છે. પત્નીની હત્યા બાદ હવે પતિની પણ લાશ મળી આવતા પોલીસે તેમના ઘર તથા કામકાજના સ્થળે સઘન તપાસ શરૂ કરી છે.
આ ઘટના અંગે કોઈની પાસે વધુ માહિતી હોય તો ૧૦૧ પર ઈવેન્ટ નંબર 85888 ટાંકીને ક્લેવલેન્ડ પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.

