સંખ્યાની મર્યાદાને લીધે ૬,૦૦૦થી વધુ સ્કીલ્ડ વર્કર્સના વિઝા નામંજૂર

Friday 25th May 2018 06:53 EDT
 
 

લંડનઃ યુકેમાં જોબ ઓફર સાથેની વૈજ્ઞાનિકો, આઈટી સ્પેશિયાલિસ્ટ અને ડોક્ટરો સહિત હાઈ સ્કીલ્ડ વર્કર્સની વિઝા માટેની ૬,૦૦૦થી વધુ અરજી વિઝા મંજૂરીની સંખ્યા પર સરકારે લાદેલી મર્યાદાને લીધે નામંજૂર કરાઈ હતી.

ડિસેમ્બર ૨૦૧૭ અને માર્ચ ૨૦૧૮ વચ્ચે આ વિઝાનો ઈનકાર કરાયો હતો અને થેરેસા મે હોમ સેક્રેટરી હતા ત્યારે ૨૦૧૧માં અમલી બનાવાયેલ કથિત ૨૦,૭૦૦ ટાયર ટુ વિઝાની વાર્ષિક મર્યાદાનું આ પરિણામ હતું. એવું મનાય છે કે આ મર્યાદાનો અગાઉ માત્ર એક વખત ૨૦૧૫માં ભંગ થયો હતો. તે વખતે એન્જિનિયરિંગની ૬૬ કેટેગરીમાં વિઝા નામંજૂર કરાયા હતા. હોમ ઓફિસને વિનંતી દ્વારા ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન હેઠળ આ આંકડા એકત્ર કરનાર કેમ્પેન ફોર સાયન્સ એન્ડ એન્જિનિયરિંગ (CaSE)એ જણાવ્યું હતું કે ‘મનસ્વી’ મર્યાદાને લીધે હજારો મહત્ત્વની જગ્યાઓ ભરાયા વિનાની રહે છે અને ઉત્પાદકતા, જાહેર સેવા, બિઝનેસ કોન્ફિડન્સ અને યુકેની આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠાને નુક્સાન થાય છે.

હાઉસ ઓફ કોમન્સ સાયન્સ એન્ડ ટેક્નોલોજી કમિટીએ બ્રેક્ઝિટ પછી વિજ્ઞાનીઓ માટે નવા ઈમિગ્રેશન નિયમોની પોતાની દરખાસ્તો તૈયાર કરવાની યોજના જાહેર કરતા આ આંકડા સામે આવ્યા હતા.


comments powered by Disqus