સાઉથ લંડનમાં શ્રીલંકન યુવક અરૂણેશ થંગરાજાની હત્યા

Wednesday 23rd May 2018 07:09 EDT
 
 

લંડનઃ ગત તા.૨૦ મેને રવિવારે સાઉથ લંડનના મીચેમમાં અપર ગ્રીન ઈસ્ટ અને મોન્ટ્રોઝ ગાર્ડન્સ વચ્ચે શ્રીલંકાના યુવક અરૂણેશ થંગરાજાની છૂરો મારીને હત્યા કરાઈ હતી. અરૂણેશના શરીર પર છૂરાથી ઈજાના સંખ્યાબંધ ઘા હતા અને તેને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરાયો હતો. સ્કોટલેન્ડયાર્ડે જણાવ્યું હતું કે હોમીસાઈડ એન્ડ મેજર ક્રાઈમ કમાન્ડના ડિટેક્ટિવ દ્વારા હત્યાની તપાસ શરૂ કરાઈ હતી. પોલીસે મૃતકના પરિવારને ઘટનાની જાણ કરી દીધી છે. હત્યા કરવાની શંકાના આધારે ૪૪ વર્ષીય વ્યક્તિની ધરપકડ કરાઈ છે અને તે સાઉથ લંડન પોલીસ સ્ટેશનમાં કસ્ટડીમાં છે.

મેયર ઓફ લંડને જણાવ્યું હતું કે તેઓ તપાસ બાબતે મેટ્રોપોલિટન પોલીસના સંપર્કમાં છે. અને ગુનેગારને ઝડપી લેવા પોલીસ શક્ય તમામ પગલાં લેશે. મીચેમ એન્ડ મોર્ડનના સાંસદ સીઓભૈન મેકડોનાહે મૃતકના પરિવારજનોને સાંત્વના પાઠવી હતીઅને જણાવ્યું હતું કે હત્યાની આ ઘટના અંગેની પોલીસ મિટીંગમાં તેઓ હાજર રહેશે.

લંડનમાં વર્ષના પ્રથમ છ મહિનામાં ૬૦થી વધુ હત્યા થઈ છે. તેમાં અડધાથી વધુ કિસ્સા સ્ટેબિંગના હતા.


comments powered by Disqus