લંડનઃ મહારાણી ક્વીન એલિઝાબેથ દ્વિતીયે પ્રિન્સ હેરીને લગ્ન પહેલા જ તેને ડ્યૂક ઓફ સસેક્સ તેમજ સ્કોટિશ અને નાર્ધર્ન આયરિશ ટાઈટલ અર્લ ઓફ ડમ્બાર્ટન એન્ડ બેરન કિલકીલના ટાઈટલ્સની નવાજેશ કરી હોવાનું બકિંગહામ પેલેસે જાહેર કર્યું હતું. લગ્ન પછી પ્રિન્સ હેરી હીઝ રોયલ હાઈનેસ ધ ડ્યૂક ઓફ સસેક્સ તરીકે ઓળખાશે, જ્યારે પૂર્વ અમેરિકન અભિનેત્રી મેગન મર્કેલ હર રોયલ હાઈનેસ ધ ડચેસ ઓફ સસેક્સ તરીકે ઓળખાશે. હેરીને અર્લ ઓફ ડમ્બાર્ટન એન્ડ બેરન કિલકીલ ટાઈટલ અપાયાથી મેગન કાઉન્ટેસ ઓફ ડમ્બાર્ટન એન્ડ બેરોનેસ કિલકીલ તરીકે પણ ઓળખાશે. મેગન વાસ્તવમાં પ્રિન્સેસ ન હોવાથી તેનો ઉલ્લેખ પ્રિન્સેસ મેગન તરીકે કરી શકાશે નહિ.
પ્રિન્સ હેરી માટે શાહી ટાઈટલની જાહેરાત કર્યાં પછી ૯૨ વર્ષનાં ક્વીને ૯૬ વર્ષીય પતિ ડ્યૂક ઓફ એડિનબરા પ્રિન્સ ફિલિપ સાથે વિન્ડસર કેસલના સેન્ટ જ્યોર્જ ચેપલમાં પૌત્ર હેરીના લગ્નમાં હાજરી આપી હતી. શાહી લગ્નોની પરંપરા અનુસાર શાહી પરિવારમાં તેઓ સૌથી છેલ્લે ચેપલમાં આવ્યાં હતાં. લાગણીસભર લગ્નસમારંભ પછી હેરી અને મેગન શુભેચ્છકોનું અભિવાદન કરવા ખુલ્લી બગીમાં નગરયાત્રાએ નીકળ્યાં હતાં. આશરે ૧૨૦,૦૦૦ લોકો વિન્ડસરની શેરીઓમાં નવદંપતીને આવકારવા એકત્ર થયા હતા.
અત્યાર સુધી ડ્યૂક ઓફ સસેક્સ એક જ થયા છે અને પ્રિન્સ હેરી બીજા ડ્યૂક ઓફ સસેક્સ છે. જોકે, અગાઉ, ડચેસ ઓફ સસેક્સ કોઈ ન હોવાથી મેગન પ્રથમ જ ડચેસ ઓફ સસેક્સ બનશે. પ્રથમ ડ્યૂક ઓફ સસેક્સ પ્રિન્સ ઓગસ્ટ્સ ફ્રેડરિક હતા, જેઓ ખુદ બળવાખોર સ્વભાવના અને શાહી ધોરણો અપેક્ષાઓથી અને ખાસ કરીને દિલના મામલામાં વિપરીત વર્તન કરનારા હતા. તેમણે બે વખત લગ્ન કર્યા હતા, જેમને તેમના પિતા કિંગ જ્યોર્જ ત્રીજાની મંજૂરી મળી ન હતી. પ્રિન્સ હેરી અને મેગન પણ આધુનિક વિચારસરણી ધરાવે છે.
બ્રિટિશ પ્રજા કાંઈક અંશે વિચિત્ર છે. હજુ લગ્ન જ થયા છે ત્યાં તો જો તેમના ડાઈવોર્સ થાય તો બની શકે તેની ચર્ચા પણ શરૂ થઈ ગઈ છે. જો પ્રેમના સ્વર્ગમાં અંધકાર ફેલાય તેવા સંજોગોમાં શાહી પરિવાર સારાહ ફર્ગ્યુસન અને ડાયેના સ્પેન્સરની બાબતે જે ચીલો પડાયો હતો તેને અનુસરશે. મેગન માટે પણ ‘મેગન, ડચેસ ઓફ સસેક્સ’ બિરુદ વપરાશે. જો પ્રિન્સ તેના પિતાની માફક ફરી લગ્ન કરે તો બીજી પત્ની માટે ‘ધ ડચેસ ઓફ સસેક્સ’નો ઉલ્લેખ કરાશે. આપણે તો આશા રાખીએ કે તેમનો પ્રેમ સતત પ્રજ્વળતો રહે.

