લંડનઃ નેશનલ હેલ્થ સર્વિસ દ્વારા છેલ્લાં દસ વર્ષમાં ૧૦૦થી વધુ મહિલાએ કૌમાર્ય પાછું મેળવ્યું હતું. ફ્રીડમ ઓફ ઈન્ફર્મેશન દ્વારા મળેલી માહિતી મુજબ ૨૦૦૭થી ૨૦૧૭ના ગાળામાં હોસ્પિટલોમાં લગભગ ૩૫,૦૦૦ પાઉન્ડના ખર્ચે ૧૦૯ હાઈમન રિકન્સ્ટ્રક્શન થયા હતા. ૮૦ ટકાથી વધુ દર્દી સિંગલ હતા. ત્રણ દર્દીએ મુસ્લિમ અથવા હિંદુ હોવાનું, ૧૫ ક્રિશ્ચિયન હોવાનું જ્યારે ૮ દર્દીએ ચર્ચ ઓફ ઈંગ્લેન્ડની હોવાનું તથા ૨૩ દર્દીએ કોઈ ધર્મમાં માનતી ન હોવાનું જણાવ્યું હતું.
માનસિક તાણ અનુભવતા દર્દીઓની સર્જરી કરવામાં આવી હતી કે કેમ તેવા પ્રશ્ર વિશે ટિપ્પણીનો NHS ઈંગ્લેન્ડે ઈનકાર કર્યો હતો. પરંતુ, હેલ્થ સર્વિસના સત્તાધીશોએ જણાવ્યું હતું કે શારીરિક અથવા માનસિક ચિંતા હોય ત્યારે સર્જરી કરી શકાય.
નોરવિચની નોરફ્લોક એન્ડ નોરવિચ યુનિવર્સિટી હોસ્પિટલે ૨૦૧૨થી અત્યાર સુધીમાં કુલ પૈકી ૫૦ ઓપરેશન કર્યા હતા. જોકે, તેના ખર્ચની વિગતો જાહેર કરી ન હતી. બેડફોર્ડશાયરની લુટન એન્ડ ડનસ્ટેબલ યુનિવર્સિટી હોસ્પિટલમાં ૧૨,૭૨૭ પાઉન્ડના ખર્ચે ૧૨ ઓપરેશન કર્યા હતા. નોર્થ બ્રિસ્ટોલ NHS ટ્રસ્ટે કેટલાંક ઓપરેશન પાછળ ૧૧,૯૫૦ પાઉન્ડ અને રોયલ વુલ્વરહેમ્પટન NHS ટ્રસ્ટે એકના સરેરાશ ૭૪૩ પાઉન્ડના ખર્ચે ૧૫ ઓપરેશન કર્યા હતા. લંડનના પ્રાઈવેટ ક્લિનિક્સ આ સર્જરી માટે ૪,૦૦૦ પાઉન્ડ સુધીનો ચાર્જ લે છે.
હાર્લી સ્ટ્રીટના રિલેશનશીપ કાઉન્સેલર લુઈસ વાન ડર વેલ્ડે જણાવ્યું હતું કે ખાસ કરીને ધાર્મિક શ્રદ્ધા ધરાવતી મહિલાઓને પહેલા અનુભવમાં આનંદ ન આવ્યો હોય તો તે ફરીથી કૌમાર્ય ગુમાવવાની ઈચ્છાથી દોરવાઈ જાય તેવું બની શકે.
