અંગતથી સાર્વજનિક પડાવઃ ‘પદ્મશ્રી’થી સાહિત્ય અકાદમી!

તસવીર-એ-ગુજરાત

વિષ્ણુ પંડ્યા Tuesday 23rd January 2018 07:37 EST
 
 

આગામી પ્રજાસત્તાક દિવસની રાજ્યસ્તરની ઊજવણી મીસાજી (કે મેસાજી) ચાવડાએ સ્થાપેલા મહેસાણામાં થવાની છે. આ જિલ્લાના ૧૧ તાલુકા - મહેસાણા, સતલાસણા, ખેરાલુ, વડનગર, કડી, વિસનગર, બહુચરાજી, જોટાણા, ગોઝારિયા, ઊંઝા અને વિજાપુર-ની પ્રજા આ દિવસે મહેસાણામાં ઉમટશે. આ બધાં નગરોની સાથે મારો વ્યક્તિગત નેહનાતો રહ્યો છે. વડનગર જવાનું બને એટલે તોરણ, તાનારિરિ, તળાવ અને હાટકેશ્વર મહાદેવ તો ખરાં જ, અહીં જે ઉત્ખનન થયું છે તેનાથી લાખેક વર્ષની પરંપરાનો અંદાજ મળે છે. અત્યારનું વડનગર તે એક જમાનામાં ‘વૃદ્ધનગર’ પણ કહેવાતું! આનર્તપુર, આનંદપુર, અર્કસ્થલિક સ્કંદપુર, કેટકેટલાં નામકરણથી તેનો ઇતિહાસ જ્વલંત રહ્યો છે! હ્યુ-એન-ત્સાંગ છેક ચીનથી નિકળ્યો તેણે આ ‘વિદ્વાન નગરી’નો ઉલ્લેખ સાતમી સદીમાં કર્યો હતો.

વડનગરનું અયોધ્યા સાથે સાંસ્કૃતિક જોડાણ હતું, સૂર્યવંશી કનકસેન અયોધ્યાથી આનર્ત સુધી શાસન કરતો હતો! અબુલ ફઝલે લખ્યું કે અહીં ૩૦૦ પેગોડા હતા. પેગોડા એ બૌદ્ધ સ્થાનકો ગણાતાં. એકવીસમી સદીની વડનગરની ઓળખ વડા પ્રધાનની સાથે બંધાયેલી છે. આ નગરની ગલીમાં ક્યાંક નરેન્દ્રનું કિશોરજીવન વીત્યું હતું, ત્યારે તેને ય કલ્પના નહીં હોય કે દેશના રાજસિંહાસન સુધીની તેની યાત્રા હશે!

એકલું વડનગર નહીં, વિસનગર પણ જાજરમાન હતું. વાલમ નામે ગામડાંમાં નરસિંહ મહેતાની કુંવરબાઈનું મામેરું થયું હતું. ઊંઝા એટલે વરિયાળી, ધાણા, ઇસબગુલ અને ઊમિયામાતાની ઓળખ. લાંઘણજમાં મોહ-જ-દરો કરતાં પ્રાચીન સભ્યતાના અવશેષો મળ્યા છે. કડી સ્વાતંત્ર્ય જંગમાં ‘મહેસાણાનું બારડોલી’ ગણાતું, વર્તમાન નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલની જન્મભૂમિ. પૂર્વ મુખ્ય પ્રધાન અને હવે રાજ્યપાલ આનંદીબહેન વિજાપુર તાલુકાના ખરોડની ‘ખેડ-કન્યા.’ તો ખ્યાત અવકાશયાત્રી ડો. સુનીતા વિલિયમ્સ કડી તાલુકાના ઝુલાસણમાં ઉછરેલી પંડ્યા - પરિવારની પુત્રી. ગાંધીજીને એક રેંટિયાની શોધ હતી, ગંગાબહેન યાજ્ઞિકને તે વિજાપુરમાંથી મળ્યો. તે હવે ગાંધીજી અને ખાદીનો ‘લોગો’ બની ગયો છે!

વડનગરે એક પ્રજાસેવક ધારાસભ્ય ડો. વસંત પરીખ આપ્યા. ઊંઝાના નારાણભાઈ એકલા ઊમિયા માતાના ટ્રસ્ટી નહીં, સૌથી પુરાણા કાર્યકર્તા અને ૭૫ વર્ષે ય તેમને ભાજપે ચૂંટણી લડવા ટિકિટ આપી, તેમની ના હતી છતાં. મહેસાણામાં પૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલાનું મકાન છે. મહાગુજરાત આંદોલનમાં સૌથી સક્રિય આણંદ અને મહેસાણા જિલ્લા હતા. અહીં મોઢેરા સૂર્યોપાસનાનું પ્રાચીનતમ સ્થાન છે. તાના-રીરીની સમાધિ શાસ્ત્રીય સંગીતની અદભૂત કહાણી આપે છે. કહે છે કે પહેલો પાતાળ કૂવો આ જિલ્લામાં છે. માનસિંહભાઈ પટેલે સ્થાપેલી દૂધ સાગર ડેરી અહીં આવેલી છે અને તારંગા એટલે જૈન – બૌદ્ધ – શિવ આસ્થાનું તીરથધામ. આજોલ બાબુભાઈ શાહનું શિક્ષણધામ ‘સંસ્કાર તીર્થ’ અને ૧૮૭૫ના સ્વાતંત્ર્યવીર સાધુ ‘બોરિયા સ્વામી’ની જગા.

થોડાક આગળ વધો તો વિજાપુરના સમો ગામમાં મગન ભૂખણનું નાનકડું સ્મારક છે. કોણ આ મગન? ૧૮૫૭માં વડોદરાથી અમાદાવદ સુધીની પટ્ટીને ફિરંગીઓથી મુક્ત કરવા માટે સેના ઊભી કરનારો જવામર્દ પટેલ!

મહેસાણાની પૂર્વે - ગયા વર્ષે - ‘આણંદની અસ્મિતા’ની પ્રસ્તુતિ હતી, બરાબર ૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના દિવસે. ૨૬મીએ રાજ્યસ્તરની ઊજવણી પણ આણંદમાં થઈ. એ અસ્મિતાની પહેચાન સાથે એક વ્યક્તિગત અનુભવ જોડાયેલો છે, તે માત્ર ‘વ્યક્તિગત’ નહીં પણ ‘સાર્વજનિક’ બની રહ્યો તેની વાત ‘ગુજરાત સમાચાર’ દ્વારા (કેમ કે આ સાપ્તાહિક અને તેના વાચકો, બન્ને મારા સ્વજનો બની ગયા છે) કરવાની ઇચ્છા છે. કારણ એ પણ છે કે છેક રાષ્ટ્રીય કક્ષાનાં નાગરિક સન્માનની સાથે કેવી-કેટલી ક્રિયા-પ્રતિક્રિયા અને ઉપલબ્ધિની સફર પણ શરૂ થઈ જાય તેનો અંદાજ આવ્યો.

૨૫ જાન્યુઆરી ૨૦૧૭ના આણંદમાં સાંસ્કૃતિક મહોત્સવની ઊજવણી માટે અમદાવાદથી નીકળ્યો ત્યારે રસ્તામાં જ એક ફોન આવ્યો. ‘મૈં ગૃહ વિભાગ કા સચિવ બોલ રહા હૂં... નઈ દિલ્હી સે.’ મેં કહ્યુંઃ ‘જી, બોલીયે.’ ‘એક ખૂશ ખબરી સુનાની હૈ.’ ‘જી. બતાઈયે.’ તો તેમણે સૂચના આપીઃ ‘રાષ્ટ્રપતિ મહોદય કી ઓરસે આપકો પદ્મશ્રી સન્માન ઘોષિત કિયા ગયા હૈ...’

આ ટૂંકા સંવાદે મને મારાં ૫૦ વર્ષના ઉબડખાબડ જીવનની સફરનું સ્મરણ કરાવી દીધું. ઉપલબ્ધિ માટે અત્યારે તો ઘણા પ્રપંચ થતા હોય છે, પણ મારા માટે આ નવી નવાઈ હતી કેમ કે આપણે તો પત્રકારત્વ, સાહિત્ય, ઇતિહાસ, શિક્ષણ એમ ચારેય ક્ષેત્રે વર્ષોથી સફર આરંભી હતી, તેના એક પછી એક પડાવ પણ આવ્યા. ૧૫ જેટલાં પુસ્તકોને સાહિત્ય પરિષદ અને અકાદમીએ પુરસ્કૃત કર્યાં, ‘મીસાવાસ્યમ’ને કાકાસાહેબ કાલેલકર પારિતોષિક ઉમાશંકર જોશીના વરદ હસ્તે મળ્યું, અટલ બિહારી વાજપેયીજીએ ત્રણ પ્રસંગોએ મારાં પુસ્તકોનું લોકાર્પણ કર્યું. લેફ્ટનન્ટ જનરલ એસ. કે. સિંહા, વિમલાજી ઠકાર, દુર્ગાતાઈ ભાગવત, હરીન્દ્ર દવે, નીરુભાઈ દેસાઈની પ્રસ્તાવના સાથે પુસ્તકો છપાયાં. સેન્સરશિપના અનાદાર માટે એક વર્ષ ‘મીસા’ની અટકાયત ભોગવી. શ્યામજી કૃષ્ણવર્માનાં સ્મારકનો દીર્ઘ સમયથી ચાલતો પ્રયાસ સફળ થયો.

‘સાધના’, ‘જનસત્તા’, ‘ચાંદની’, ‘રંગતરંગ’, ‘લોકસત્તા’, ‘નવગુજરાત ટાઇમ્સ’, ‘જન્મભૂમિ’, ‘ફૂલછાબ’, ‘કચ્છમિત્ર’, ‘નવનીત’, ‘ફાર્બસ ત્રિમાસિક’ સહિતનાં અખબારો-સામયિકો સાથે સંલગ્ન રહ્યો. ‘સમયના હસ્તાક્ષર’ કોલમ (હવે ‘નવગુજરાત સમય’માં) છેલ્લા ૪૦ વર્ષથી લગાતાર એક યા બીજા અખબારમાં પ્રસિદ્ધ થતી રહી છે. સુરેશ જોશી અને મકરંદ દવે જેવા પ્રેમાળ સારસ્વતોનો પ્રેમ મળ્યો. ૯૩ પુસ્તકો પત્ની ડો. આરતી પંડ્યાની સાથે લખાયાં. કેટલાંકનું (‘ગુજરાતનાં ક્રાંતિતીર્થો’ અને ‘ઉત્તિષ્ઠત ગુજરાત!’) વિમોચન તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદી અને આદરણીય મોરારીબાપુના વરદ હસ્તે થયું. ૧૯૬૭થી અત્યાર સુધીની અંદાજે ગણતરીથી ૩-૪ હજાર લેખો તો લખાયા જ હશે, હજુ કલમ ચાલે છે. અધ્યાપન પણ અવિરત. પહેલાં ગુજરાતી સાહિત્યનું, પછી પત્રકારત્વનું. મીડિયામાં લગભગ દરેક સ્થાને વિદ્યાર્થીઓ કામ કરી રહ્યાંની ખુશી કેમ ન થાય? રાજકીય વિશ્લેષણ ટીવી પર પણ પસંદગીની જગ્યાઓ પૂરતું કરતો રહ્યો છું.

૨૫ જાન્યુઆરીના તે ફોને મિશ્ર અનુભૂતિ થઈ. કલાક પછી વળી ફોન આવ્યો અને રાષ્ટ્રપતિની વેબસાઇટ પર નામો મૂકાયાની સૂચના મળી. આણંદ પહોંચ્યો તો ‘અસ્મિતા’ મંચનના વિશેષ અતિથિઓ – મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને રાજ્યપાલ ઓ. પી. કોહલીજીએ આવતાંવેત ઉમળકાભેર અભિનંદન આપ્યાં. ટીવી પ્રતિનિધિઓને પ્રતિક્રિયા આપતાં મેં કહ્યું કે મને આજે જ આની જાણ થઈ છે. મેં તેને માટે ક્યારેય પ્રયત્ન નથી કર્યો. મને ખબર પણ નથી કે છેક કેન્દ્રમાં મારું નામ કોણે - ક્યારે - કઈ રીતે સૂચવ્યું હશે.

પચાસ વર્ષનું પત્રકારત્વ – સાહિત્ય – શિક્ષણ, આ ત્રણ પ્રદાન માટે ‘પદ્મશ્રી’ની ઘોષણા બીજા દિવસે અખબારોમાં છપાયા અને અભિનંદનનો વરસાદ વરસ્યો. પ્રિય પરિચિતો અને અપરિચિતોની આ ખુશી નિરંતર આજ સુધી વ્યક્ત થઈ રહી છે. ‘એશિયન વોઈસ’ અને ‘ગુજરાત સમાચાર’ના સૂત્રધાર સી. બી. પટેલ તે સમય દરમિયાન ગુજરાતમાં હતા. તેમણે સમારંભ યોજ્યો તે પ્રથમ હતો. પછી તો ગુજરાત યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, નરસિંહ મહેતા જૂનાગઢ યુનિવર્સિટી, શ્યામજી કૃષ્ણવર્મા કચ્છ યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી અને વિવિધ સંસ્થા-સંગઠનોની માંગ વધી ગઈ તે હજુ ચાલુ છે.

માર્ચ ૨૦૧૭માં પદ્મ-એનાયતનો ભવ્ય કાર્યક્રમ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયો. પ્રણવ મુખરજીએ પદ્મ-સન્માનથી ૭૦ જેટલા મહાનુભાવોને નવાજીત કર્યા. ગુજરાતના કેન્સરનિદાન નિષ્ણાત ડો. દેવેન્દ્ર પટેલ અને ખ્યાત સંગીતકાર પુરુષોત્તમ ઉપાધ્યાય પણ હતા.

રાષ્ટ્રપતિ ભવનના દરબાર સભાખંડમાં ખરા અર્થમાં તેની ભવ્યતા સ્થાપિત હતી. દેશભરમાંથી પસંદ થયેલા - વિવિધ ક્ષેત્રોમાં - આ સન્માન-રત્નો હતાં તેના સાક્ષી વડા પ્રધાન તેમજ પ્રધાનમંડળ, સચિવો વગેરે બન્યા. સન્માન પૂર્વે બપોરે વડા પ્રધાનને તેમના સંસદ-કાર્યાલયમાં મળવાનું થયું. ૨૦૧૪માં તેમનાં આ રાજ્યારોહણ પછી પહેલી જ વાર પ્રત્યક્ષ મળવાનું થયું ત્યારે તેમણે કહ્યું કે ૩૭,૦૦૦ની નામાવલિમાંથી પસંદગી માટેની સમિતિએ દરેક સ્થળે જઈને મથામણ કરીને આ યાદી તૈયાર કરી તેમાં ‘અનસંગ હીરો’ને મહત્ત્વ અપાયું છે. અગાઉ એવું થતું કે દિલ્હીના થોડાક વીઆઇપીઓ નામો સૂચવે તે સમ્માનિત થતા! આ વર્ષે એવું થવા નથી દીધું એમ જ્યારે તેમણે કહ્યું ત્યારે તેમના ચહેરા પર ‘યોગ્ય વ્યક્તિને યોગ્ય સમયે’ સ્થાપિત કરવાનો આનંદ અને સંતોષ ઝળકતો હતો.

એક વર્ષ વીતી ગયું! ‘પદ્મશ્રી’ પછી મે ૨૦૧૭માં સાહિત્ય અકાદમીઓ (ગુજરાતી, હિન્દી, સંસ્કૃત, ઉર્દુ, સિંધી, કચ્છી)ને સંભાળવાની જવાબદારી સોંપાઈ. અકાદમીની સાહિત્યિક પ્રવૃત્તિમાં નવો સંચાર થશે એવી મહત્ત્વકાંક્ષા પ્રથમ સંપાદકીય (‘શબ્દ સૃષ્ટિ’)માં વ્યકત કરતાં મેં કહ્યું હતું કે ‘નવા ક્લેવર ધરો હંસલા...’ આજે તેનો સંતોષ છે કે સંવાદ-સભા, પ્રાદેશિક-રાષ્ટ્રીય (અને હવે આંતરરાષ્ટ્રીય) સાહિત્ય આદાન-પ્રદાનની પરિષદો, પુસ્તક-પ્રકાશન, વિશ્વસ્તરનાં પુસ્તકોનો અનુવાદ, નવા લેખકોને પ્રોત્સાહન જેવાં આયોજનો આગળ વધી રહ્યાં છે. આવી પ્રવૃત્તિને ય મુશ્કેલી ના નડે તો જ નવાઈ! કેટલાકે ‘સ્વાયત્તતા’ (જે તેમની પાસે પણ નથી)ની ઝંડી ફરકાવવાનો પ્રયાસ કર્યો, પણ તે સફળ થયો નથી.

સાર્વજનિક જીવનમાં - પોતાની નજર સામે રહેતી વ્યક્તિને - આવું સન્માન મળે તેની પ્રતિક્રિયા એક જ પ્રકારની નથી હોતી. ‘આના કરતાં મેં વધુ કામ કર્યું છે...’ ‘ફલાણા ભાઈને મળ્યું હોત તો સારું થાત...’ ‘આ સન્માનો એક પ્રપંચ છે...’ ‘પોતાના માણસોને અપાય છે...’ વગેરે વિધાનોની ગુસપૂસ થાય તેને કોઈ પ્રત્યુત્તરની આવશ્યકતા ન હોય. કેટલાકની હતાશા તેજોદ્વેષ તરફ પણ દોરાતી હોય છે તે બીજા રસ્તે વ્યક્ત થાય... પણ ‘ભગવાન, તેને માફ કરજે, જેઓ જાણતા નથી કે તેઓ શું કરી રહ્યા છે!’ આ બધાની વચ્ચે મારા માટે પદ્મશ્રી અને અકાદમી - એ બન્ને સન્માનમાં પડેલા ગુજરાતની અસ્મિતાના એક નાનકડા યાત્રિક પ્રત્યેના સ્નેહની અભિવ્યક્તિ અનુભવું છું, અને કવિવર મકરંદ દવેએ મને સંબોધીને લખેલી કવિતાની એક પંક્તિથી આ લેખનું સમાપન કરુંઃ

રાતનો અંધાર કાળો મેશ જામે,

વાટ પણ સૂઝે નહીં,

ને વાટમાં ભયઘોર સામે,

ભૈરવી વેતાળ ચકરાવે ચડી માથાં ઉગામે,

એ સમે,

ભાઈ, તારી આ ધ્વજા આભે લગીરે ના નમે,

અણથંભ તારી જાતરા સંગે,

કળાયેલ કેસરી રંગે,

સદા આગે અને આગે અને આગે

હજારો કંઠ ગાતા આવશે ગુલતાન રાગે.

ને અનામી દોસ્ત કેરું

સાથ હો ઝીણું પગેરું

હર કટારીની મજલ પર,

હર કસોટીના મુકામે (૨૬ સપ્ટેમ્બર ૧૯૮૧)


comments powered by Disqus