વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં મોદીઃ વસુધૈવ કુટુંબકમ...

Tuesday 23rd January 2018 14:32 EST
 
 

દાવોસઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિત્ઝર્લેન્ડના દાવોસમાં યોજાયેલી વર્લ્ડ ઇકોનોમિક ફોરમના ઉદ્ઘાટન સત્રને સંબોધતા કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વને જોડવામાં અને તોડવામાં સોશિયલ મીડિયાનો ઘણો મોટો ફાળો છે, પરંતુ ભારત આદિકાળથી જોડવામાં માને છે. અમે વસુધૈવ કુટુંબકમના સૂત્રમાં માનીએ છીએ. સમગ્ર વિશ્વ મારો પરિવાર છે એવું અમે માનીએ છીએ. મોદીએ ‘નમસ્કાર...’ શબ્દ સાથે સંબોધનનો પ્રારંભ કર્યો હતો.

વર્લ્ડ ઈકોનોમિક ફોરમ-૨૦૧૮ની વાર્ષિક બેઠકનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંબોધન સાથે પ્રારંભ થયો છે. મોદી સમિટમાં ભારતનું અત્યાર સુધીનું સૌથી મોટું પ્રતિનિધિમંડળ લઇને ગયા છે, જેમાં છ કેબિનેટ પ્રધાન અને ૧૦૦ સીઇઓ સહિત સવાસોથી વધુ લોકોનો સમાવેશ થાય છે. ભારતના ઉદ્યોગ ગૃહો આ સમિટ સામે આશાભરી મીટ માંડીને બેઠા છે.
વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં બે દાયકા બાદ ભારતના વડા પ્રધાન હાજરી આપી રહ્યા છે. આ પહેલા ૧૯૯૭માં ભારતના તત્કાલીન વડા પ્રધાન એચ. ડી. દેવેગોવડા દાવોસ પહોંચ્યા હતા. આ વર્ષે આ સંમેલનની થીમ 'ક્રિએટીંગ અ શેયર્ડ વર્લ્ડ' છે તેનો ઉલ્લેખ કરતાં મોદીએ કહ્યું હતું કે ૧૯૯૭થી આજ સુધીમાં ભારતની જીડીપીમાં છ ગણો વધારો થયો છે. તે સમયે આ મંચનું સ્લોગન 'બિલ્ડિંગ ધ નેટવર્ક સોસાયટી' હતું, આજે ભારત નેટવર્ક સોસાયટીમાં નહીં, પરંતુ બિગ ડેટા અને આર્ટીફિશિયલ ઇન્ટેલિજેંસના યુગમાં પહોંચી ગયું છે. તે સમયમાં પણ દાવોસ આગળ હતું અને આજે પણ આગળ છે.

દુનિયામાં પરિવર્તન

આજે સમગ્ર દુનિયા બદલાઈ ગઈ છે. મોદીએ કહ્યું ૨૧ વર્ષ પછી ટેક્નોલોજી અને ડિજિટલ એજની વાત કરીએ તો ૧૯૯૭ વાળો વિષય સદીઓ જૂનો યુગ લાગે. આજે આપણે નેટવર્ક સોસાયટી જ નહીં, પરંતુ બિગ ડેટા, આર્ટીફિશિયલ ઈન્ટેલિજન્સની દુનિયામાં જીવી રહ્યા છીએ. ૧૯૯૭માં યુરો પ્રચલિત નહોતો, એશિયન ફાઈનાન્શિયલ ક્રાઈસીસની ખબર નહોતી અને ન બ્રેક્ઝિટની અસર હતી. તે સમયે બહુ ઓછા લોકોએ ઓસામા બિન લાદેન વિશે સાંભળ્યું હતું અને હેરી પોટરના નામથી પણ લોકો અજાણ હતા. ત્યારે શતરંજના ખેલાડીઓને કોમ્પ્યૂટરથી હારવામાં ડર નહતો લાગતો. તે સમયે સાઈબર સ્પેસમાં ગુગલની શરૂઆત નહોતી થઈ. ૧૯૯૭માં તમે અમેઝન શબ્દ સર્ચ કરતાં તો તમને નદીઓ અને ગાઢ જંગલો મળતા હતા. તે સમયે ટ્વિટ કરવાનું કામ ચકલીઓનું હતું, મનુષ્યોનું નહીં. તે પાછલો દસકો હતો. આજે બે દસકા પછી આપણું વિશ્વ અને આપણો સમાજ જટિલ નેટવર્કનો એક ભાગ છે. જોકે આજે પણ દાવોસ તેના સમય કરતા આગળ જ છે.

જોડવામાં અમારો વિશ્વાસ

ટેક્નોલોજીના કારણે આપણાં જીવનમાં ઘણાં ફેરફાર થયા છે. આજે આજે ડેટા બેઝ મોટી સંપતિ બની ગઈ છે. જેમનો ડેટા પર કાબુ હશે તે જ વિશ્વ પર વર્ચસ્વ જમાવી શકશે. વિશ્વને હાલ જોડવામાં અને તોડવામાં સોશિયલ મીડિયાનો ઘણો મોટો ફાળો છે. આમ કહીને વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે પરંતુ અમે જોડવામાં વિશ્વાસ રાખીએ છીએ. ભારત આદિકાળથી જોડવામાં જ વિશ્વાસ રાખે છે. વિશ્વમાં શાંતિને લઈને અનેક પડકારો છે. આપણી સામે ભાવિ પેઢીને લઈને અનેક સમસ્યાઓ છે અને તેમાં સૌથી પહેલું જોખમ પર્યાવરણમાં પરિવર્તન છે. કુદરતી સંસાધનોને લઈને ઘણાં પ્રશ્નો ઊભા થયા છે. ગ્લેશિયર ઘટી રહ્યા છે, બરફ પીગળી રહ્યો છે. માનવ અને પ્રકૃતિ વચ્ચે જાણે યુદ્ધ ચાલી રહ્યું છે. પર્યાવરણમાં પરિવર્તન વચ્ચે દેશો વચ્ચે સહમતી નથી. ભગવાન બુદ્ધે કહ્યું છે કે જરૂર હોય તેટલું જ ઉપયોગ કરો.

આતંકવાદ મોટી સમસ્યા

વડા પ્રધાને પોતાના સંબોધનમાં 'વસુધૈવ કુટુમ્બકમ્'ની વાત રજૂ કરતા સમગ્ર દુનિયાને એક થવાની વાત કરી હતી. જો દુનિયા એક સાથે હશે તો આવનારી કોઇ પણ મુશ્કેલીને સામનો કરી શકશું. હાલમાં ભારત સામે સૌથી મોટી મુશ્કેલી આતંકવાદ હોવાનું કહ્યું હતું. સારા આતંકવાદ અને ખરાબ આતંકવાદની વ્યાખ્યા આપવી વધુ ખતરનાક છે. આમ કહીને તેમણે ઉમેર્યું હતું કે આતંકવાદનો સામનો દુનિયાના ઘણાં દેશ કરી રહ્યા છે ત્યારે આ સમસ્યાનો સામનો કરવા દુનિયાના દેશોએ એક થવું પડશે.  
મોદીએ કહ્યું હતું કે હું પ્રો. શ્વાબને વર્લ્ડ ઈકોનોમિક ફોરમને મજબૂત અને વ્યાપક મંચ બનાવવા માટે ધન્યવાદ આપું છું. તેમના વિઝનમાં મહત્વકાંક્ષી એજન્ડા છે, જેનો હેતુ દુનિયાને સુધારવાનો છે. દાવોસમાં ભારતના વડા પ્રધાનની છેલ્લી મુલાકાત ૧૯૯૭માં થઈ હતી. ત્યારથી અત્યાર સુધી ભારતના જીડીપીમાં છ ગણો વધારો થયો છે.

મહિલાઓનું યોગદાન

વર્લ્ડ ઇકોનોમિક ફોરમની સમિટની સૌથી રસપ્રદ બાબત એ છે કે તેના ૪૭ વર્ષના ઇતિહાસમાં પ્રથમવાર સંમેલનની અધ્યક્ષતાની જવાબદારી સાત મહિલાઓને સોંપાઇ છે. તેમાં એક યુનિયન બોસ, એક ન્યુક્લિયર ફિઝિસિસ્ટ, બે કંપની હેડ, એક ફાઇનાન્શિયલ ઓર્ગેનાઇઝેશનનાં લીડર, એક ઇકોનોમિસ્ટ અને નોર્વેનાં વડાં પ્રધાનનો સમાવેશ થાય છે. કમિટીમાં ભારતનાં ચેતના ગાલા સિંહાનો પણ સમાવેશ થાય છે. તેઓ માણદેસી મહિલા સહકારી બેન્કની ચેરપર્સન છે.

ટ્રમ્પનું સમાપન સંબોધન

વડા પ્રધાન દીના સંબોધન સાથે સમિટનો પ્રારંભ થયો છે તો અંત અમેરિકાના પ્રમુખ ટ્રમ્પના સંબોધન સાથે થશે. આ વખતે પ્રમુખ ટ્રમ્પ પણ ડાવોસ સમિટમાં ભાગ લઈ રહ્યા છે તે નોંધનીય છે. આ ઉપરાંત પાકિસ્તાનના વડા પ્રધાન શાહિદ ખાકાન અબ્બાસી પણ દાવોસ પહોંચી રહ્યા છે. જોકે ભારતના ઓફિસરોનું કહેવું છે કે, મોદી-અબ્બાસી વચ્ચે મુલાકાત શક્ય નથી. સમિટમાં બ્રિટનના વડા પ્રધાન થેરેસા મે, જર્મનીના ચાન્સેલર માર્કેલ, ફ્રેચ પ્રેસિડન્ટ મૈક્રોં વગેરે પણ સામેલ થશે.

બર્સેટ સાથે મુલાકાત

ફોરમના પ્લેનરી સેશનમાં વડા પ્રધાન મોદીએ સ્વિત્ઝર્લેન્ડના રાષ્ટ્રપતિ એલન બર્સેટ સાથે મુલાકાત કરીને બન્ને દેશોના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટેની ચર્ચા કરી. રાષ્ટ્રપતિ એલન બર્સેટે જણાવ્યું હતું કે, ગ્લોબલ ઇકોનોમી પરિવર્તનના સમયગાળા પરથી પસાર થઇ રહી છે. વિકાસની દોડમાં આપણે અંધકાર તરફ ગતિ કરવી જોઇએ નહીં. વિકાસનો ફાયદો સમાજના દરેક વર્ગ સુધી પહોંચે તેવો આપણો પ્રયત્ન હોવો જોઇએ.


    comments powered by Disqus