ગઢડામાં પૂ. મહંત સ્વામીએ પારિવારિક સંબંધોને દ્રઢ બનાવવા માર્ગદર્શન આપ્યું

Wednesday 24th October 2018 06:34 EDT
 
 

બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS) ના વડા પ.પૂ. મહંત સ્વામી હાલ ગઢડા ખાતે વિચરણ કરી રહ્યા છે. તેઓ તા.૧૮ ઓક્ટોબરને ગુરુવારે ધારીથી ગઢડા પધાર્યા હતા. અગાઉ તા.૧૫ને સોમવારેધારીમાં પૂ. મહંત સ્વામીની નિશ્રામાં બાળદિન ઉજવાયો હતો. તેમાં યોગીબાપા જે રીતે તેમના બાળમિત્રોને સુખ આપતા હતા તે રીતે પૂ. મહંત સ્વામીએ સુખ આપ્યું હતું. મંગળવારને તા.૧૬મીએ યુવાદિન નિમિત્તે નિયમપાલનથી સુરક્ષિત રહેવાય તે ભાવનો સંવાદ રજૂ કરાયો હતો. યુવાનોને નિયમપાલનની પ્રેરણા અપાઈ હતી. બુધવારને તા.૧૭મીએ સમર્પણ દિન ઉજવાયો હતો. તેમાં હરિભક્તોએ હરિકૃષ્ણ મહારાજની રજત તુલા કરી હતી. ગુરુવારને તા.૧૮મીએ પૂ. મહંત સ્વામી ધારીથી ગઢડા પધાર્યા હતા. રસ્તામાં તેમણે અમરેલી ખાતે નવા બની રહેલા મંદિરની મુલાકાત લીધી હતી અને હરિભક્તોને દર્શન આપ્યા હતા. તા.૧૯ને શુક્રવારે પૂ. મહંત સ્વામીના ગઢડામાં આગમનને લઈને સ્વાગત સભા યોજાઈ હતી. તેમાં વિવિધ સંસ્થા, સમાજ, સંપ્રદાયોના અગ્રણીઓ અને પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. તા.૨૧ને રવિવારે પતિ પત્ની વચ્ચેના તેમજ અન્ય પારિવારિક સંબંધોમાં કેવા પ્રશ્રો ઉભા થઈ શકે તેનું ‘અનોખી કોર્ટ’ સંવાદ દ્વારા નિરુપણ કરાયું હતું. પૂ, મહંત સ્વામીએ તેના ચીફ જસ્ટિસ તરીકે પ્રશ્રોનું નિરાકરણ આપ્યું હતું. પૂ. મહંત સ્વામીએ હરિભક્તોને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે પતિ વિચારે કે મારે સારા પતિ બનવું છે અને પત્ની વિચારે કે મારે સારી પત્ની બનવું છે તો આવા કોઈ પ્રશ્ર ઉભા થાય જ નહીં. તા.૨૩ને મંગળવાર સુધી ગઢડામાં રોકાણ બાદ પૂ. મહંત સ્વામી વિચરણ માટે ગોંડલ જશે.


comments powered by Disqus