ગાંધી-સરદારની જોડી, કદી ન શકાશે તોડી

- સુદર્શન આયંગાર Wednesday 24th October 2018 06:53 EDT
 
 

હિન્દુસ્તાનની આઝાદીની લડાઈમાં ગાંધી-સરદારની જોડી નોખી ભાત પાડે છે. વલ્લભભાઈ ગાંધીજીથી ઉંમરમાં છ વર્ષ નાના. બેઉ ઇંગ્લેંડમાં તૈયાર થયેલા બેરિસ્ટર. શરૂઆતમાં વલ્લભભાઈ ગાંધીજી વિશે બહુ ઊંચો ખ્યાલ ધરાવતા ન હતા. ૧૯૧૭ના અપ્રિલના ત્રીજા સપ્તાહમાં અમદાવાદના ગુજરાત ક્લબમાં એક સાંજે એવી ખબર આવી કે ગાંધીજીએ ચંપારણમાં મેજિસ્ટ્રેટનો હુક્મ માનવાની વિનમ્ર મક્કમતાથી ના પાડી સજા વેઠવા તૈયારી બતાવી હતી. વલ્લભભાઈ પટેલ વિચાર નહીં, પણ આચારના માણસ હતા. રાજકીય જીવનમાં જીવંત દાખલા એવા ગાંધીજીથી વલ્લભભાઈ પટેલ બંધાયા. આ યુતિમાં આચારની પ્રાથમિકતા કારણરૂપ હતી.
વલ્લભભાઇ પટેલ જાહેરજીવનમાં ૧૯૧૫ પછી પ્રવેશ્યા અને તે પણ પેટા-ચૂંટણી થકી અમદાવાદ મ્યુનિસિપાલિટીના સભ્ય તરીકે. નવેમ્બર ૧૯૧૭માં ગોધરા ખાતે ગાંધીજીના પ્રમુખ સ્થાને પહેલું ગુજરાત રાજકીય સમ્મેલન ભરાયું, તેમાં રાજકીય બાબતોમાં વલ્લભભાઈની સીધી ભાગીદારી થઈ. સંમેલનમાં લીધેલા નિર્ણયો માટે બનેલી કાર્યકારી સમિતિના પ્રમુખ નિમાયા ગાંધીજી અને મંત્રી વલ્લભભાઇ પટેલ. આમ, બન્નેની રાજકીય યાત્રાનો પ્રારંભ સાથે થયો. ત્યારથી ૪૦ વર્ષ સુધી ગાંધી-સરદારની જોડી અખંડ રહી. ૩૦ જાન્યુઆરી ૧૯૪૮ના દિવસે સાંજની પ્રાર્થનામાં જતા પહેલા ગાંધીજીને મળનારા તેમના આ જોડીદાર જ હતા, જેઓ તેમની દેખરેખ હેઠળ બેરિસ્ટર વલ્લભભાઈમાંથી સરદાર પટેલ બન્યા હતા. બીજા કોઈ પણ રાજનેતાએ ગાંધીજી સાથે આટલો લાંબો સમય અને આટલી ઘનિષ્ટતાથી કામ કર્યું ન હતું.
ગુજરાત સભાનું પહેલું કામ અંગ્રેજ અને બીજા અમલદારો દ્વારા ગામના લોકો પાસે કરાવાતા વેઠ વિરુદ્ધ પસાર કરાયેલા ઠરાવને અમલમાં મૂકવાનું હતું. પ્રમુખ ગાંધીજીએ તત્કાલીન કમિશનર પ્રેટ માટે તૈયાર કરેલા પત્રમાં આ પ્રથાનો અંત કરવા અપીલ કરી. મંત્રી તરીકે સરદાર પટેલે પ્રેટને આ પત્ર પહોંચાડ્યો. ૧૯૧૭નું વર્ષ દુષ્કાળનું હતું. ગુજરાત સભાએ વલ્લભભાઈના નેતૃત્વમાં રાહત કામોની એટલી કાર્યક્ષમ કામગીરી કરી કે પ્રમુખ ગાંધીજીએ વિશેષ અભિનંદન પાઠવ્યા.
૧૯૧૭ના ચોમાસામાં અતિવૃષ્ટિ થઈ અને ખેડા જિલામાં લીલો દુષ્કાળ પડ્યો. ગુજરાત સભાએ ખેડૂતોની મહેસૂલ વસૂલી બંધ રાખવાની માગણીનું સમર્થન કર્યું. ગાંધીજીએ ખેડૂત ચળવળની આગેવાની લીધી અને શરત મૂકી કે ગુજરાત સભાની કાર્યકારી સમિતિના એક સભ્યે પૂર્ણ સમયની જવાબદારી લઈ પ્રમુખને સહાયરૂપ થવાનું રહેશે. સરદાર પટેલ સંમત થયા. ખેડા સત્યાગ્રહની સફળતા ગાંધી-સરદારની જોડીની અસરકારક કામગીરીના ફાળે જાય છે.
રાજમોહન ગાંધીએ સરદાર પટેલના જીવનના આ તબકાને ‘લેફ્ટિનેંટ’ શીર્ષક આપ્યું છે. ગાંધીજી સેનાનાયક હતા અને વલ્લભભાઇ તેમના ઉપનાયક. નેતૃત્વના ગુણ વલ્લભભાઈમાં ભરપૂર પણ, લેફ્ટિનેંટ તરીકે સેનાનાયકની હાજરીમાં તેમનું વર્તન નોંધપાત્ર. વલ્લભભાઈની પહેલી જીવની લખનારા નરહરિ પરીખ નોંધે છે કે વલ્લભભાઈ ગાંધીજીના કામ અને પદ્ધતિનું ઝીણવટથી અવલોકન કરતા. અધિકારીઓ સાથેનો પત્રાચાર, ચર્ચાઓ, લોકોના માનસને ચકાસવાનો, તેમના ઉત્સાહને વધારવાનો અને વિશેષ તો સમાધાનની તકો દેખાય તેને તરત સમજી ઝડપી લેવા જેવી ગાંધીજીની કુશળતા વલ્લભભાઈ શીખ્યા. પરિણામે ગાંધીજી આવનારા વર્ષોમાં ગુજરાત તરફથી નિશ્ચિંત થઈ ગયા હતા.
એક વખત ગાંધીજીએ જણાવ્યું હતું, વલ્લભભાઈ અગ્નિમાંથી પસાર થયા છે, પણ એમની પરીક્ષા તો ચાલુ જ રહે છે અને મને ખાતરી છે કે છેવટે તો ખરું સોનું જ નીકળવાનું છે. સત્યાગ્રહના અંતે નડિયાદના ભાષણમાં ગાંધીજીએ કહ્યું, તેઓ ઉપસેનાપતિની તલાશમાં હતા, વલ્લભભાઈ પર નજર પડી તો લાગ્યું કે આ અક્કડ પુરુષ કોણ હશે? પણ એમને મળ્યા બાદ લાગ્યું કે એ તો જોઈશે જ. વલ્લભભાઈ મને ન મળ્યા હોત તો જે કામ થયું છે તે ન જ થાત એટલો બધો શુભ અનુભવ અમને એ ભાઈથી થયો છે.
ખેડા સત્યાગ્રહ પછી ગુજરાતના રાજકીય જીવનમાં એવા ગાંધી-પટેલની જોડી સ્થિર થઈ ગઈ. અમદાવાદ મિલમજૂરોની હડતાલ સંદર્ભે બેઠેલા ટ્રિબ્યુનલમાં ગાંધીજી સાથે વલ્લભભાઈ પણ મજૂર પ્રતિનિધિ તરીકે નિમાયા. આ કામગીરી પૂરી થઈ ન થઈ, ત્યાં ગાંધીજીએ પહેલા વિશ્વયુદ્ધ માટે ભરતીની ઝુંબેશ શરૂ કરી. વલ્લભભાઈને એ મુદ્દો ગમી ગયો કે યુદ્ધ વગર યુવા પ્રજા કાયર રહી જવા પામી હતી અને સૈનિક થવાથી થોડી બહાદુરી વધશે. ૧૦૦ જેટલા યુવાનોની ભરતી થઈ અને એક તાલીમ કેન્દ્ર ગુજરાતમાં જ ખોલવાનો ગાંધીજીએ આગ્રહ રાખ્યો. ગાંધીજી તે એકમના વડા અને વલ્લભભાઈ સેકંડ-ઇન-કમાંડ.
૧૯૧૯માં રોલેટ કાયદાની સામે ગાંધીજીએ સત્યાગ્રહનો વિચાર કર્યો, ત્યારથી ગાંધીજી ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર છવાયા. સૌથી પહેલાં વલ્લભભાઈ સમક્ષ જ વાત મૂકેલી. ગાંધીજી મરડાના લીધે સખત માંદા હતા, છતાંય એક બેઠક બોલાવી જેમાં વીસેક લોકો હાજર હતા. ૬ એપ્રિલે રાષ્ટ્રવ્યાપી હડતાલની ઘોષણા થઈ, પણ તે દરમિયાન ને બાદમાં હિંસા ફાટી. તોડફોડ અને આગ લગાડી દેવાના કિસ્સાઓ બન્યા. ગાંધીજીની ધરપકડ થઈ અને અશાંતિમાં વધારો થયો. વલ્લભભાઈ અને તેમના સાથીદારો શાંતિ સ્થાપવાના પ્રયાસમાં લાગ્યા. વલ્લભભાઈએ સખત મહેનત કરી. દસેક વર્ષ બાદ અમદાવાદના તોફાન વખતના પોલીસ વડાએ કહ્યું હતું કે વલ્લભભાઈ વગર કાયદો અને સુરક્ષા સ્થાપવાનું સંભવ જ ન બન્યું હોત.
ઓગસ્ટ ૧૯૨૦ની ગુજરાત પોલિટિકલ કોન્ફરન્સમાં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપનાનો ઠરાવ થયો અને ૧૮ ઓક્ટોબર ૧૯૨૦ના રોજ ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના થઈ. વલ્લભભાઈએ નાણાકીય જરૂરિયાતને પહોંચી વળવાનું બીડું ઝડપ્યું. ગાંધીજીના નેતૃત્વમાં તેઓ સફળ થયા. પાછળથી તેઓ વિદ્યાપીઠના કુલનાયક (વાઈસ ચાન્સેલર) થયા. ગાંધીજી બાદ કુલપતિ (ચાન્સેલર) પણ.
કોંગ્રેસના અમૃતસર અને કલકત્તા અધિવેશનોમાં સેનાપતિ ગાંધીજીએ નવી રણનીતિ માટે હાકલ કરી. તે વખતના દિગ્ગજ નેતાઓએ ગાંધીજીએ મૂકેલા અસહકારના પ્રસ્તાવનો વિરોધ કર્યો. પરંતુ ત્યાર પછીની નાગપુર કોંગ્રેસમાં અસહકારના ઠરાવ સંદર્ભે કોંગ્રેસના નવા બંધારણની તરફેણમાં ૨૦,૦૦૦ લોકોમાંથી બે જ વિરુદ્ધ મત પડ્યા, જેમાં એક મોહમ્મદ અલી ઝીણાનો હતો. ગાંધીજીની તરફેણમાં વલ્લભભાઈની ભૂમિકા અગત્યની રહી હતી. તેમણે જણાવ્યું હતું કે પૂર્ણ સ્વતંત્રતા તે જ કોંગ્રેસનો ધ્યેય હોઈ શકે. નવી નીતિના અનુસંધાને તિલક સ્વરાજ નિધિની ઘોષણા કરવામાં આવી. ગુજરાતે ૧૦ લાખ રૂપિયા
અને ચાર આનાના સભ્ય ફાળા સાથે ત્રણ લાખ નવા કોંગ્રેસ સભ્યો બનાવવાના હતા. આ કામ ગાંધીજીના લેફ્ટિનેંટ વલ્લભભાઈએ સુપેરે પાર પાડયું.
નાગપુરના ઝંડા સત્યાગ્રહને દિશા અને અહિંસા માર્ગે નેતૃત્વ આપવા સેનાપતિ ગાંધીજીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ થકી વલ્લભભાઈને જણાવ્યું. ઉપસેનાપતિએ વાટાઘાટોનો આશરો લઈને ધારાસભામાં ચર્ચા ઊભી કરી. સત્યાગ્રહીઓને કેદથી છોડાવી ઝંડો ફરકાવવાની સ્વતંત્રતા દેશવાસીઓ માટે મેળવી. તેવી જ રીતે બોરસદ તાલુકાના બહારવટિયાના મુદ્દે જે દંડ સ્વરૂપે નખાયેલા કરમાંથી લોકોને મુક્ત કરાવી, પૂનાની સસૂન અસ્પતાલમાં એપેન્ડિક્સના ઓપરેશન બાદ આરામ લઈ રહેલા સેનાપતિ ગાંધીજીને મળવા ગયેલા વલ્લભભાઈને ગાંધીજીએ ‘આવો, બોરસદના રાજા’નું સંબોધન કર્યું.
બારડોલી સત્યાગ્રહ તો ખૂબ જાણીતો છે. ગાંધીજી અને વલ્લભભાઈની જોડીએ અજોડ સત્યાગ્રહ કરી અંગ્રેજ સલ્તનતના પાયા હચમચાવી મૂક્યા. ૧૯૨૬ પછીના ગાળામાં બારડોલી તાલુકાનાં ગામોમાં જમીન મહેસૂલની થયેલી ફેરઆકારણીમાં આશરે ૫૦ ટકા જેટલો વધારો સૂચવવામાં આવ્યો હતો અને કેટલાક ગામોને આકારણીના ઉપલા સ્તર પર લઈ જવામાં આવ્યા હતા. આ ફેર આકારણીના આધારો નબળા અને ખોટા હતા. ખેડૂતો અને સ્થાનિક કોંગ્રેસ આગેવાનો વલ્લભભાઈ પાસે આવ્યા. તેમણે કહ્યું કે તમને જો તમારો આધાર સાચો લાગતો હોય તો બધા ખેડૂતોની તૈયારી ચકાસી જુઓ કે તેઓ વધારો તો નહીં, પણ મૂળ મહેસૂલ પણ નહીં ભરીને સત્યાગ્રહ કરવા તૈયાર છે. ગામે-ગામે ફરી વળો અને તૈયારી હોય તો મને જણાવજો.. આવી તૈયારી સાથે જ્યારે લોકો ફરી આવ્યા, ત્યારે વલ્લભભાઈ સૌની સાથે ગાંધીજી પાસે ગયા. ગાંધીજીએ કહ્યું કે તમે જો ટકોરાબંધ તપાસ કરી જ લીધી છે તો શરૂ કરો. સત્યાગ્રહ અને ગુજરાતનો વિજય થાઓ.
૫૦૦૦થી વધુ કિસ્સાઓમાં સરકારે ખેડૂતોને બેદખલ કરી તેમની જમીનો હરાજી કરવા કાઢી, ન વલ્લભભાઈ થાક્યા, ન ખેડૂત. જ્યાં પુરુષો ઢીલા પડ્યા ત્યાં સ્ત્રીઓએ રણભેરી ફૂંકી. અકોટીની એક બહાદુર બહેન ભીખીબહેને ગાંધીજીના ઉપસેનાપતિ વલ્લભભાઈને ‘સરદાર’નો ખિતાબ આપ્યો. સરદારની ધરપકડ થવાની પરિસ્થિતિ આવી ત્યારે સેનાપતિ ગાંધીજી જાતે હાજર થઈ ગયા. ૧ ઓગસ્ટના રોજ અમદાવાદથી બારડોલી માટે નીકળ્યા ત્યારે સરદારના સૈનિક તરીકે ગયા. ૬ ઓગસ્ટના રોજ નિમાયેલી સમિતિમાં નિર્ણય ખેડૂતોતરફી આવ્યો અને સરદાર લોખંડી પુરુષ તરીકે ઉપસી આવ્યા.
બારડોલી સત્યાગ્રહની કળ હજુ વળે ત્યાં તો દાંડીકૂચનું આયોજન માથે આવ્યું. પણ લેફ્ટિનેંટ થાકે એવા ન હતા. આયોજન કર્યું અને ૭ માર્ચ ૧૯૩૦ના રોજ બોરસદ તાલુકાના રાસ ગામે પહોંચ્યા. સરકારના હુકમ વિરુદ્ધ લોકો સમક્ષ ભાષણ કરવાનું હતું. એ થાય એ પહેલાં ધરપકડ વહોરી લીધી. ત્યાર બાદ ગાંધી-ઇરવિન કરાર થયો. સરદાર કરાંચી કોંગ્રેસ માટે પ્રમુખ ચૂંટાયા હતા. ગાંધીજી બીજી ગોળમેજી પરિષદમાં ગયા અને ખાલી હાથે પાછા ફર્યા. અંગ્રેજ શાસકોને ભય હતો કે દેશવ્યાપી ચળવળ શરૂ થશે. બધા નેતાઓની ધરપકડ થઈ, પણ સરદાર પટેલે ગુજરાતમાં શાંતિ જાળવી રાખી. ગાંધીજી અને વાઈસરોય વચ્ચે પત્રાચાર ચાલ્યો, જેના અંતે ગાંધીજી અને સરદારની ધરપકડ થઈ.
ચાલીસ વર્ષ સાથે કામ કર્યા દરમિયાન ૪ જાન્યુઆરી ૧૯૩૨થી ૮ મે ૧૯૩૩ સુધી યરવડા જેલમાં ગાંધી-સરદારનું સાથે રહેવાનું થયું. તે વિશિષ્ટ કાળ છે. આ ૧૬ મહિનાના જેલવાસમાં જે અંતરંગતા જન્મી તે સૌના હૃદયભાવોને ઉન્નત કરે તેવી છે. મહાદેવભાઈની ડાયરીમાં તેના રસપ્રદ દૈનિક લેખાજોખા મળે છે. પણ ગાંધીજીએ જેલથી છૂટ્યા ત્યારે પ્રેસ માટેના નિવેદનમાં સરદાર વિશે જે કહ્યું છે તે આ અનોખી જોડી વિશે ઘણું કહી જાય છે.
‘સરદાર વલ્લભભાઈ સાથે રહેવાનું પરમ સૌભાગ્ય મને સાંપડ્યું હતું. એમની અજોડ બહાદુરી અને ઉત્કટ દેશપ્રેમ હું સારી રીતે જાણતો હતો, પણ હું એમની સાથે કદી રહ્યો ન હતો. છેલ્લા સોળ મહિનાથી એ સદભાગ્ય મને સાંપડ્યું છે. જે મમતાથી એમણે મને નવડાવી દીધો તે મને મારી પ્યારી માતાની મમતાની યાદ આપે છે. માના ગુણ એમનામાં હશે એ હું જાણતો નહોતો... મારા આરામની નાનામાં નાની બાબત પર પણ તેઓ દેખરેખ રાખતા... બારડોલી અને ખેડાના ખેડૂતો માટેની એમની ચિંતા હું કદી ભૂલી શકું એમ નથી.’
૧૯૩૩ બાદ ગાંધી-સરદારની જોડીએ કામ તો ઘણું કર્યું અને તે અંગે ઘણું લખાઈ શકે તેમ છે. સરદાર માટે કહેવાય છે તેઓ ગાંધીજીનું આંધળું અનુકરણ કરતા, પણ તેમાં સમજદોષ છે. સરદારે ગાંધીમાં સત્ય અને અહિંસાના એક ખરા અને નિષ્ઠાવાન ઉપાસકને જોયેલા અને એવા ગાંધીને તેઓ સમર્પિત હતા. ૧૯૪૦ના દાયકામાં ગાંધીજીએ સરદાર પટેલને જરૂર જણાયે કોંગ્રેસ છોડી દેવાનું પણ કહ્યું હતું. સરદાર પટેલ એક સ્વતંત્ર રાષ્ટ્રીય નેતા તરીકેની જવાબદારીના ભાર તળે પણ રહ્યા. ‘ભારત છોડો’ અભિયાન બાદ જેલથી છૂટ્યા પછી ગાંધીજી એકલા પડી ગયા, તેમના લેફ્ટિનેંટ પણ તત્કાલીન રાજકીય પરિસ્થિતિને આધીન થઈ એ પ્રવાહોમાં તણાયા. સેનાપતિની દેશના ભાગલા ન પડવા દેવાની ઇચ્છાને અવગણી ભાગલા અંગેના નિર્ણયના ભાગીદાર થયા. પણ હૃદયથી સેનાપતિના જોડીદાર જ હતા. ગાંધીજી દેશના પ્રજાકીય જીવનમાં નવો મંત્ર ફૂંકી જાગૃતિ લાવનાર માંત્રિક હતા, તો સરદાર પટેલ તે પ્રમાણેના કામો કરવા અને તે મુજબનું તંત્ર ગોઠવવામાં માહિર તાંત્રિક હતા.
ગાંધીજી સરદારને આઝાદ હિન્દુસ્તાનનું સુકાન સોંપી શક્યા હોત તે વિશે ઘણા ઉદગારો છે. પણ સેનાપતિ પોતે સેનાપતિ રહ્યા ન હતા, સત્તાની રાજનીતિમાંથી ગાંધીજી બહાર નીકળી ગયા હતા. વધુમાં સરદાર જૈફ ઉંમરે પહોંચી ગયા હતા અને તેઓ બીમાર હતા. ગાંધીજી કુદરતી ઉપચારથી સરદારને સંભાળી રહ્યા હતા. દેશને પ્રમાણમાં યુવા અને આવનાર ૧૫-૨૦ વર્ષ સુધી સુકાન સંભાળે અને ધર્મ, જ્ઞાતિ અને સંપ્રદાયોથી પર ઉઠી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સબંધો સાચવી શકે તેવી વ્યક્તિની જરૂર હતી. સરદાર પટેલે 'ભારત છોડો' આંદોલનમાં અને ત્યાર બાદના સમયમાં શરીરને ખૂબ શ્રમ આપ્યો હતો. ગાંધીજીની જેમ તેઓ પણ દેશની આંતરિક પરિસ્થિતિથી વ્યથિત હતા. અલબત્ત, જે જવાબદારી એમના માથે આવી તેનો અતિ ગંભીરતાથી નિર્વાહ કરી અખંડ હિન્દુસ્તાનનું નિર્માણ કર્યું અને લોખંડી સરદાર કહેવાયા. પરંતુ સમય ગવાહ છે કે સેનાપતિ વગર લેફ્ટિનેંટ પણ જાણે ઝાઝું જીવવા નહોતા માગતા. સેનાપતિની વિદાયના બે વર્ષથી ઓછા અંતરે ઉપસેનાપતિ પણ જાણે સેનાપતિને ત્યાં મળવા ઉપડી ગયા.
(લેખક ગાંધીવિચાર અને આચારના અભ્યાસી અને ગૂજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઈસ ચાન્સેલર છે.)


comments powered by Disqus