તા.૧૯ ઓક્ટોબરને શુક્રવારે સ્વામીનારાયણ મંદિર, સ્ટેનમોર ખાતે રાવણ દહન સાથે દશેરાના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગમાં ભાગ લેવા અને આતશબાજી સાથે રાવણ દહન નિહાળવા માટે લંડન અને લંડનની બહારથી ૩૦૦૦થી વધુ લોકો બાળકો સાથે આવ્યા હતા. આ માટે ખાસ ૩૩ ફૂટથી વધુ ઉંચી રાવણની કટ આઉટ પ્રતિમા બનાવવામાં આવી હતી. રૂપેશભાઈ દ્વારા ખાસ આતશબાજીનું આયોજન કરાયું હતું. ભવ્ય આતશબાજીને લીધે દશેરાએ દિવાળી જેવું વાતાવરણ સર્જાયું હતું, જેને નિહાળીને બાળકો સહિત મોટેરાઓ પણ મંત્રમુગ્ધ બની ગયા હતા.રાવણ દહનના પ્રસંગમાં ડો. કિરણ પટેલે રામ, અવનિશ ઉપાધ્યાયે હનુમાનજી અને શંકરભાઈ મહેતાએ રાવણનું પાત્ર ભજવ્યું હતું. આ પ્રસંગની યાદગીરી માટે લોકોએ તેમની સાથે સેલ્ફી પણ લીધી હતી.
૧૦૦થી વધુ વોલન્ટિયર્સે કાર્યક્રમને સફળ બનાવવા સેવા આપી હતી. આ પ્રસંગે વિવિધ ફૂડ સ્ટોલ્સ પરથી ભેળ, ભજીયા, ચીપ્સ, ચીલી પનીર જેવી લિજ્જતદાર વાનગીઓનો પણ સૌએ સ્વાદ માણ્યો હતો. આગામી તા. ૭ નવેમ્બરને દિવાળીએ રાત્રે ૮.૩૦ વાગે ભવ્ય આતશબાજી થશે. તે નિહાળવા લંડનમાંથી એક હજાર લોકો ઉપસ્થિત રહે તેવી શક્યતા છે.

