લંડનઃ પ્રિન્સ ઓફ વેલ્સ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પંરપરાગત ભારતીય ઔષધિ અને યોગા માટે નવા કેન્દ્રનું ઉદઘાટન કર્યું હતું. કોલેજ ઓફ મેડિસિન અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદ વચ્ચે થયેલી સમજૂતીના પગલે આ સેન્ટરને ખૂલ્લું મુકાયું હતું. આ પહેલને યુકેના GMSP ફાઉન્ડેશનનો સહયોગ પ્રાપ્ત થયો છે. રમેશભાઈ અને પ્રતિભાબેન સચદેવે ભારત અને યુકેમાં નબળા સમુદાયોની મદદ માટે GMSP ફાઉન્ડેશનની સ્થાપના ૨૦૦૬માં કરી હતી.
GMSP ફાઉન્ડેશનના રમેશભાઈ અને પ્રતિભાબેન સચદેવે જણાવ્યું હતું કે અમે આ સેન્ટરને ભારતની પરંપરાગત ઔષધિને યુકે હેલ્થકેર સિસ્ટમમાં લાવવા માટે ભારત અને યુકેને સાંકળતા લાંબા ગાળાના પ્રોજેક્ટના આરંભ તરીકે જોઈએ છીએ. અમને અમારી ભારતીય સંસ્કૃતિ માટે ગૌરવ છે અને અમને વિપુલ તક પૂરી પાડનારા યુકેમાં આ પ્રોજેક્ટને સહાયરૂપ થવામાં આનંદની લાગણી અનુભવીએ છીએ.
GMSP ફાઉન્ડેશનના સીઈઓ સોનલબેન સચદેવ પટેલે જણાવ્યું હતું કે અમે યોગા અને પરંપરાગત ભારતીય ઔષધિથી લાભ થતો હોવાનું દ્રઢપણે માનીએ છીએ અને ભારત તથા યુકે વચ્ચેના સંબંધને મજબૂત બનતા જોવામાં આનંદ આવે છે. આ પહેલ NHSમાં આયુર્વેદિક દવાઓ વ્યાપકપણે મળતી થાય તે દિશામાં લાંબા ગાળાની યોજનાની આ શરૂઆત છે.
આ નવી પહેલથી લોકોને પરંપરાગત ભારતીય દવા અને યોગાનો લાભ લેવાની તક મળશે. આ સમજૂતી બન્ને દેશને સાથે મળીને રિસર્ચ, આયુર્વેદના સિદ્ધાંતો અને પ્રેક્ટિસને આધુનિક દવા સાથે સાંકળવા માટે પૂરાવા આધારિત ગાઈડલાઈન્સ તૈયાર કરવાની તક આપશે. સમજૂતીમાં સંયુક્ત રિસર્ચ માટે પણ તક ઉભી કરાઈ છે. તેનું ફંડિંગ બન્ને દેશ સરખા હિસ્સે ઉઠાવી શકે છે.
નવા સેન્ટરનું મુખ્ય મથક નોર્થ કેન્સિંગ્ટનમાં આવેલ સેન્ટ ચાર્લ્સ સેન્ટર ફોર હેલ્થ એન્ડ વેલ બીઈંગ રહેશે. આ સેન્ટર GP રિફર કરે તો યોગાની સુવિધા આપે છે તેમજ વૈવિધ્યપૂર્ણ વંશીય વસતિની સુખાકારી માટે કાર્યરત છે.
શરૂઆતમાં આ સેન્ટર દ્વારા યોગા, આયુર્વેદિક આહાર વિશે સલાહ અને કૂકિંગનું નિદર્શન તેમજ મસાજની સુવિધા પૂરી પાડવામાં આવશે. વધુમાં, દર્દીને સીધા તપાસવામાં આવશે.
GP સર્જરી અને યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટર જેવા સ્થળો પર યોગા અને પરંપરાગતદવા માટે જોગવાઈ થઈ શકશે કે કેમ તેની શક્યતા સેન્ટર દ્વારા ચકાસવામાં આવશે.
યુનિવર્સિટી ઓફ વેસ્ટમિન્સ્ટરના પ્રો.ડેવિડ પીટર્સે જણાવ્યું હતું કે યોગા હવે યુકેમાં લાખો લોકોના રોજિંદા જીવનનો ભાગ ભની ગયો છે અને ધ્યાનમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી રસ અત્યાર સુધીમાં સૌથી વધુ થયો છે. ફેકલ્ટી ઓફ સાયન્સ અને ટેક્નોલોજીના સાથી કર્મચારીઓ હર્બલ મેડિસિન વિશે સંશોધન અને સોશિયલ પ્રિસ્ક્રાઈબિંગનું મૂલ્યાંકન કરી રહ્યા છે. અમે વિવિધ NHS માળખામાં આની શક્યતા શોધવા અને તેના વ્યાપક ઉપયોગ માટે પૂરાવા એકત્ર કરવા માગી એ છીએ.

