ઈંગ્લેન્ડના સફળ શૂટર પરાગ પટેલ નિવૃત્તિના મૂડમાં

Wednesday 25th April 2018 07:45 EDT
 
 

 લંડનઃ ઓસ્ટ્રેલિયાના ગોલ્ડ કોસ્ટમાં તાજેતરમાં સંપન્ન થયેલી કોમનવેલ્થ ગેમ્સ ૪૨ વર્ષીય શૂટર પરાગ પટેલ માટે તેમના મતે છેલ્લી હતી. તેઓ કોમનવેલ્થ ગેમ્સમાં છ વખત મેડલ જીતી ચૂક્યા છે. આ ગેમ્સમાં પટેલે એક રજત અને બે કાંસ્ય ચંદ્રક જીત્યા હતા. ઈંગ્લેન્ડના અત્યાર સુધીના સૌથી સફળ શૂટરો પૈકીના એક પટેલ વ્યવસાયે કિંગ્સ્ટન હોસ્પિટલમાં ઈએનટી કન્સલ્ટન્ટ તરીકે ફરજ બજાવે છે.

પટેલના દસ વર્ષથી ઓછી વયના ત્રણ બાળકો છે અને તેમની પત્ની ઉર્વિ ઓર્થોડોન્ટિસ્ટ છે. પટેલે જણાવ્યું હતું,‘આ ચોક્કસપણે મારી છેલ્લી ગેમ્સ હતી. હાલના તબક્કે બર્મિગહામમાં (૨૦૨૨ કોમનવેલ્થ ગેમ્સ આયોજક શહેર) શૂટિંગનો સમાવેશ નથી તેથી હું થોડો નિરાશ થયો છું. હવે મારે મારા બાળકો પર ધ્યાન આપવાનું છે. હું માનું છું કે હવે નિવૃત્ત નહીં થઉં તો મારી પત્ની મને છૂટાછેડા આપી દેશે અને મારા બાળકો મને ઓળખશે પણ નહીં. હું માનું છું કે મારી પત્ની મૌન રહીને બધું સહન કરે છે. તે ખૂબ સારી છે.

પટેલે જણાવ્યું હતું કે યુવા પરિવાર હોય અને NHSમાં કામ કરવાની સાથે ટ્રેનિંગ લેવી, આ બધામાં સંતુલન રાખવાનું બહુ મુશ્કેલ છે.

પટેલે ઉમેર્યું હતું કે તેઓ સર્જન હોવાથી તેમની પાસે સમય હોતો નથી. ઘરે ત્રણ સંતાનો છે. જેમને મારી જરૂર હોય છે. તેઓ ખૂબ વ્યસ્ત હોય છે. તેઓ રાત્રે ૮ વાગે સૂઈ જાય છે. તેથી મને મારી જાત માટે પણ રાત્રે થોડા કલાક જ મળે છે.

તેમણે ઉમેર્યું હતું કે તેમની પત્ની અને બે બાળકો, આરોન (૯) અને ઝેચરી (૭) તેમને સપોર્ટ કરવા ઓસ્ટ્રેલિયા આવ્યા હતા. પટેલે જણાવ્યું હતું કે તેમના પુત્ર આરોને શૂટિંગની પ્રેક્ટિસ શરૂ કરી છે. તેથી તે તેના પર ધ્યાન આપવા માગે છે. તે જ્યારે મને વિજયની ઉજવણી કરતા જુએ છે ત્યારે તે મને કહે છે મારે પણ આમ કરવું છે.

પરાગ પટેલ સરેમાં એપ્સમ કોલેજમાં ભણતા હતા ત્યારે તેમણે શૂટિંગ શરુ કર્યું હતું અને કિંગ્સ કોલેજ લંડનમાં પણ તેમણે શૂટિંગની પ્રવૃત્તિ યથાવત રાખી હતી. તેમણે જણાવ્યું હતું કે કેડેટની ટ્રેનિંગ દરમિયાન તેમને શૂટિંગ કરવાનું હતું અને તેમને લાગ્યું કેતેઓ સારી રીતે શૂટિંગ કરી શકે છે. તેમના પિતા બંદૂકના વિરોધી હતા એટલે પહેલા તો તેમણે ના જ પાડી દીધી હતી. મારા પિતા તો ઘરે મારી પાસે વોટર પિસ્ટલ પણ રાખવા દેતા ન હતા. તેથી પોતે શૂટિંગમાં બંદૂક મેળવી. તેઓ મેડિકલ સ્કૂલ જતા હતા ત્યારે પણ તેમની સાથે બંદૂક રહેતી. તેમની યરબુકમાં લખાતું કે શૂટિંગને લીધે તેઓ મેડિકલ લેસનમાં ઘણી વખત ગેરહાજર રહેતા હતા. તે છતાં તેઓ પરીક્ષામાં પાસ થયા હતા.


comments powered by Disqus