લંડનઃ ક્વીન એલિઝાબેથ દ્વિતીયે શનિવાર, ૨૧ એપ્રિલની રાત્રે પ્રિન્સ ચાર્લ્સ, ડચેસ ઓફ કોર્નવોલ કેમિલા સહિત શાહી પરિવાર અને મહેમાનોની ઉપસ્થિતિમાં રોયલ આલ્બર્ટ હોલ ખાતે કોન્સર્ટ સાથે ૯૨મા જન્મદિનની ઉજવણી કરી હતી. ક્વીને સોનેરી વસ્ત્રો ધારણ કર્યાં હતાં. મે મહિનાની ૧૯ તારીખે લગ્નને ગણતરીના દિવસ બાકી છે ત્યારે પ્રિન્સ હેરી અને મેગન મર્કેલ આકર્ષણનું કેન્દ્ર બની રહ્યાં હતા.
રોયલ આલ્બર્ટ હોલમાં સ્ટિંગ અને સેગી, વેલ્શ સિંગર સર ટોમ જોન્સ, ક્યાલી મિનોગ, ક્રેગ ડેવિડ અને બીબીસી કોન્સર્ટ ઓરકેસ્ટ્રાએ પરફોર્મ કર્યું હતું. પ્રિન્સ વિલિયમ, પ્રિન્સ હેરી અને મેગન સાથે આવ્યાં હતાં પરંતુ, ડચેસ ઓફ કેમ્બ્રિજ કેથેરાઈન સગર્ભા હોવાથી હાજર રહી ન હતી. ધ ક્વીન્સ કોમનવેલ્થ ટ્રસ્ટના પ્રેસિડેન્ટની નવી ભૂમિકા સોંપાઈ છે તેવા પ્રિન્સ હેરીએ કોન્સર્ટ દરમિયાન જ સ્ટેજ પર આવી ગ્રાન્ડમધર ક્વીનને આદરસહ જન્મદિનની શુભેચ્છા પાઠવી હતી. ક્વીનના ૯૬ વર્ષીય પતિ પ્રિન્સ ફિલિપ હિપ રીપ્લેસમેન્ટ સર્જરી પછી આરામ કરી રહ્યા હોવાથી કોન્સર્ટમાં ઉપસ્થિત ન હતા. પ્રિન્સ એન્ડ્રયુ અને તેમની પુત્રીઓ પ્રિન્સેસ બીટ્રીસ, પ્રિન્સેસ યુજિન, પ્રિન્સ એડવર્ડ અને તેમની પત્ની સોફી અને પુત્રી લેડી લૂઈ તેમજ પ્રિન્સેસ એન કોન્સર્ટમાં હાજર હતાં.
ક્વીન દર વર્ષે બે જન્મદિન ઉજવે છે. તેમનો સાચો જન્મદિન ૨૧ એપ્રિલનો છે, જે સામાન્યપણે ખાનગી રાહે પરિવારજનો સાથે ઉજવાય છે. તેમનો સત્તાવાર જન્મદિન ઉનાળામાં જૂન મહિનાના બીજા શનિવારે આવે છે. આ વખતે તેઓ સેન્ટ્રલ લંડનમાં ટ્રૂપિંગ ધ કોલર મિલિટરી પરેડમાં હાજરી આપે છે. ક્વીનના જન્મદિને હાઈડ પાર્ક, સેન્ટ્રલ લંડનમાં ૪૧ તોપ, વિન્ડસર ગ્રેટ પાર્ક ખાતે ૨૧ તોપ અને ટાવર ઓફ લંડન ખાતે ૬૨ તોપની વિશેષ સલામી પણ અપાઈ હતી.
બે જન્મદિનની ઉજવણીની પ્રથાનો આરંભ ૨૭૦ વર્ષ અગાઉ કિંગ જ્યોર્જ દ્વિતીય દ્વારા ૧૭૪૮માં કરાયો હતો. કિંગ જ્યોર્જ દ્વિતીયનો જન્મ નવેમ્બરમાં થયો હતો, જ્યારે બ્રિટનમાં હવામાન સારું હોતું નથી. કિંગ પોતાના જન્મદિનની જાહેર ઉજવણી કરવા ઈચ્છતા હોવાથી ઉનાળામાં મિલિટરી પરેડના દિવસને તેમણે સત્તાવાર જન્મદિન ઉજવણી સાથે સાંકળી લીધો હતો.

