લંડનઃ લેસ્ટર ક્રાઉન કોર્ટે બેફામ અને જોખમી ડ્રાઈવિંગ કરવાના આરોપમાં લેસ્ટરના ક્લેરોન્ડન રોડ ખાતે રહેતા ૨૪ વર્ષીય સાગેન ભાવસારને ગુનેગાર ઠેરવ્યો હતો. ગઈ ૨૭ ઓક્ટોબર, ૨૦૧૧૬ના રોજ સાગેનની લેન્ડરોવર ડિસ્કવરી કારનો એક ટેક્સી સાથે અકસ્માત થતા રહી ગયો હતો. તેના પર હેડલાઈટ વગર રોંગસાઈડમાં પૂરઝડપે કાર હંકારવાનો આરોપ મૂકાયો હતો.
તેના આવા ડ્રાઈવિંગને લીધે તેની કારમાં બાજુમાં બેઠેલા ૨૩ વર્ષીય મનજોતસિંઘ માનને ગંભીર ઈજા થઈ હતી. ભાવસાર જે કાર હંકારતો હતો તે તેની માલિકીની ન હતી. જોકે, સાગેને તેની સામેના તમામ આરોપને ખોટા અને પાયા વિનાના ગણાવીને જણાવ્યું હતું કે રસ્તા પર ચાલતી બે મહિલાને બચાવવા માટે તેને કાર જોખમી રીતે હંકારવી પડી હતી. જોકે, તેના બચાવમાં તે કોઈ પૂરાવા આપી શક્યો ન હતો. તેણે નિવેદનમાં જણાવ્યું હતું કે તે કાર ઝડપી ચલાવતો ન હતો અને રોંગસાઈડમાં પણ ન હતો અને કારની હેડલાઈટ પણ ચાલુ હતી.
કોર્ટે આ કેસની સુનાવણી આવતા મહિને મુલતવી રાખી છે.
