લંડનઃ નાઈટ્સ ફાર્મસીના મેનેજિંગ ડિરેક્ટર નીતિન સોઢા નેશનલ ફાર્મસી એસોસિએશન (NPA) ના ચેરમેન તરીકે ચૂંટાઈ આવ્યા છે. તેઓ ચાર વર્ષની ટર્મ પૂરી કરનારા ઈયાન સ્ટ્રેચનનું સ્થાન સંભાળશે. વેસ્ટ મીડલેન્ડ્સનું પ્રતિનિધિત્વ કરતા સોઢા ૨૦૦૭માં NPAના બોર્ડમાં ચૂંટાયા હતા.
નાઈટ્સ ફાર્મસીની સ્થાપના ૧૯૮૪માં થઈ હતી. દેશભરમાં તેની ૫૦થી વધુ ફાર્મસી આવેલી છે. સોઢા સ્વતંત્ર હોલસેલર લેક્સન યુકેના ડિરેક્ટર પણ છે, તે યુકેમાં ૧,૨૦૦થી વધુ સ્વતંત્ર ફાર્મસીને અને મોટા ગ્રૂપને દવા પૂરી પાડે છે. ૨૦૧૭માં લેક્સને ૨૦૦ મિલિયન પાઉન્ડથી વધુનું ટર્નઓવર કર્યું હતુ. તેના ડિસ્ટ્રિબ્યુશન સેન્ટર રેડીચ, ડબલિન, ડરહામ અને લીડ્સમાં આવેલા છે.
સોઢાએ જણાવ્યું હતું, ‘ચાર વર્ષ સુધી વાઈસ ચેરમેન તરીકે કામકાજ સંભાળ્યા બાદ હું સ્વતંત્ર ફાર્મસીઓ અને તે જે દર્દીઓની સંભાળ લે છે તેમના હિત માટે બોર્ડના સાથીઓ અને NPA સ્ટાફ સાથે મળીને સખત પરીશ્રમ કરીશ.
વાઈસ ચેરમેન તરીકે એન્ડ્ર્યુ લેન ચૂંટાયા હતા. માઈકલ ગેરીન ટ્રેઝરરના હોદ્દે યથાવત રહેશે. ચેરમેનપદેથી વિદાય લેનારા ઈયાન સ્ટ્રેચને જણાવ્યું હતું, ‘આ ક્ષેત્ર માટે હાલનો સમય પડકારજનક છે પરંતુ, નવા ચેરમેન, હું અને બોર્ડ સ્વત્તંત્ર ફાર્મસીઓને મદદ કરવામાં અમારી ભૂમિકા ભજવવા તૈયાર છીએ.
NPAના બોર્ડ મેમ્બર અને સન્ડરલેન્ડના સ્વતંત્ર ફાર્માસિસ્ટ ઉમેશ પટેલે જણાવ્યું હતું કે બોર્ડ મેનેજમેન્ટે હાલના કપરા સમયના પડકારોને પહોંચી વળવા નીતિન સોઢાને ચૂંટ્યા છે.
NPAના ચીફ ફાર્માસિસ્ટ લેલા હેનબેકે જણાવ્યું હતું કે નીતિન સોઢા વાઈસ ચેરમેનપદે હતા ત્યારે તેમણે NPA પોલીસી એન્ડ પ્રેક્ટિસ કમિટીના ચેરમેન તરીકે સફળ સંચાલન કર્યું હતું.

